Abtak Media Google News

કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ બીએસયુપી-૨ અંતર્ગત બનેલા ૩૬૦ આવાસની ૧૦ વર્ષ સુધી ફાળવણી ન કરાતા હાલ જર્જરીત: અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી શિક્ષાત્મક પગલા લેવા ઠરાવ પસાર કરવાની પણ વિચારણા

૧૦૫૮ ખાલી આવાસો ભાડે આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગ ગૌરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિસ્તારમાં વૃક્ષારોપણ માટેનો રૂ.૨.૫૮ કરોડનો ખર્ચ શંકાસ્પદ જણાતા દરખાસ્ત હાલ પેન્ડિંગ, સ્થળ તપાસ કરાશે

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ૪૮ રેગ્યુલર અને ૧ અરજન્ટ બિઝનેશ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ ૪૯ દરખાસ્તો પૈકી ૪૭ દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂા.૧૬.૪૧ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે ૨ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ ૧૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલા આવાસ ગરીબોને ફાળવવામાં ન આવતા હાલ આવાસ જર્જરીત થઈ ગયા છે. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમીટી ચેરમેને જવાબદાર અધિકારીઓને ઘઘલાવી નાખ્યા હતા. અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો ઠરાવ પણ પસાર કરવાની વિચારણા ચાલી રહી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીની ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૧૦માં કોર્પોરેશન દ્વારા બીએસયુપી-૨ આવાસ યોજના અંતર્ગત કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ ૩૬૦ અને વોર્ડ નં.૩માં બીએસયુપી-૩ અંતર્ગત પોપટપરા વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર ૬૯૮ આવાસ બનાવવામાં આવ્યા હતા. હાલ ૧૦૫૮ આવાસોની ફાળવણી કરવામાં આવી નથી. જે ઘણા સમયથી ખાલી છે. આ ખાલી આવાસો આર્થિક રીતે નબળા વર્ગ જેવા કે મજૂર, કારીગર કે વિદ્યાર્થીઓને પ્રતિમાસ વધુમાં વધુ રૂા.૩૦૦૦નું ભાડુ વસુલી ભાડે આપવાની અરજન્ટ બિઝનેશ દરખાસ્ત કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમીટીના ધ્યાને એવું આવ્યું છે કે, પ્રેમ મંદિર પાછળ કાલાવડ રોડ પર બનાવવામાં આવેલા ૩૬૦ આવાસ ૧૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા અને એક દસકો વીતી ગયા છતાં આ આવાસની લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી નથી. જેના કારણે તમામ આવાસોની સ્થિતિ જર્જરીત બની જવા પામી છે. જેની રીનોવેશન અને રીપેરીંગની જરૂરીયાત છે. દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમીટીમાં અધિકારીઓને એવા પણ સવાલ કરવામાં આવ્યા હતા કે, છેલ્લા ૧૦ વર્ષથી ૩૬૦ આવાસ ખાલી હોવા છતાં ક્યાં કારણોસર તેની ફાળવણી કરવામાં આવી નથી.

આજે ૧૦૫૮ આવાસ ભાડે આપવા માટે સ્ડેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવેલી અરજન્ટ બિઝનેશ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. તેઓ પણ એવી પણ વિચારણા ચાલી રહી છે કે, કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ૩૬૦ આવાસની ફાળવણી ન કરવામાં આવતા તે હાલ જર્જરીત થઈ ખંઢેર બની ગયા છે. આવા કિસ્સામાં અધિકારીની જવાબદારી ફિક્સ કરી તેની સામે નિયમોનુસાર આકરી કાર્યવાહી કરવાનો ઠરાવ પસાર કરી કમિશનરને મોકલવામાં આવશે.

એક સામાન્ય કાગળ ઘટતો હોય તો પણ મહાપાલિકા દ્વારા લાભાર્થીને આવાસની ફાળવણી કરવામાં આવતી નથી. હજારો લોકો વર્ષોથી ઘરના ઘરની રાહ જોઈ રહ્યાં છે તો બીજી તરફ છેલ્લા એક દસકાથી તૈયાર થઈને ઉભેલા ૩૬૦ આવાસો ફાળવણીના વાંકે ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયા છે. આવા આવાસો ભાડે આપવાની દરખાસ્ત હાલ પુરતી પેન્ડીંગ રાખી સ્ટેન્ડિંગે ભલે એવો નિર્ણય લીધો હોય કે અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હવે જોવાનું એ રહે કે, ગરીબોના નશીબના આવાસને ખંઢેર બનાવી દેનાર અધિકારી સામે કોઈ પગલા લેવાશે કે પછી શિક્ષાત્મક કાર્યવાહીની વાત માત્ર કાગળ પર જ રહેશે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં આ ઉપરાંત અન્ય એક દરખાસ્ત પણ પેન્ડીંગ રાખવામાં આવી છે. જેમાં ગવરીદળ ગામના રસ્તે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિસ્તારમાં વૃક્ષારોપણ કરી ૩ વર્ષ માટે નિભાવણી કરવાનો કોન્ટ્રાકટ આપવા રૂા.૨.૫૮ કરોડના ખર્ચ મંજૂરીની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. વૃક્ષારોપણ માટે ૨.૫ કરોડથી પણ વધુનો ખર્ચ તોતીંગ લાગતા હાલ સ્ટેન્ડીંગ કમીટીએ આ દરખાસ્ત પેન્ડીંગ રાખી છે અને સ્થળ તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેવું નોટીંગ કરવામાં આવ્યું છે. આજે સ્ટેન્ડિંગમાં તમામ ૪૯ પૈકી  ૪૭ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને કોવિડ માન્ય હોસ્પિટલમાં જો સારવાર લે તો તબીબી સહાય ચૂકવવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલા નવાગામ મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર, માધાપર અને મનહરપુરામાં વિકાસ કામો હાથ ધરવા માટેની પણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. સોલીડ વેસ્ટ માટે રૂા.૭૩ લાખ, રસ્તા કામ માટે રૂા.૨.૨૯ કરોડ, ફૂટપાથ અને રોડના કામ માટે રૂા.૧.૩૬ કરોડ, વોટર વર્કસના કામ માટે રૂા.૯૫ લાખ, રોડ ડિવાઈડર માટે રૂા.૬૧ લાખ, પેવીંગ બ્લોક માટે રૂા.૪૧ લાખ અને કોર્પોરેશનના કર્મચારીઓને તબીબી સહાય આપવા માટે રૂા.૧૬.૧૨ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. કચરાપેટી, વીલબરો અને વાહનના ભંગાણના વેંચાણથી રૂા.૭૫ લાખ જ્યારે રેસકોર્સ સ્થિત ક્રિકેટ પીચને ભાડે આપવાથી રૂા.૩૧ હજારના આવક પણ થવા પામી છે. સ્ટેન્ડિંગ કમીટી દ્વારા આજે કુલ રૂા.૧૬.૫૧ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.