Abtak Media Google News

આપણી આસપાસ રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા લોકો સાથે મુલાકાત કરીએ છીએ અને આ બધા જ લોકોનું વર્તન, તેમના વિચારો, તેમની વાણી, તેમનું ચરિત્ર બધુંજ અલગ હોય છે. ઘણા લોકો સારી સારી વાતો કરવામાં નિષ્ણાત હોય છે તો ઘણા લોકો મીઠી વાતો કરવામાં નિષ્ણાત હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે જે સીધા મોઢાં પર બોલે. ભલે કડવું હોય પણ સાચું બોલે. ઘણા લોકો પરિસ્થિતિ મુજબ બોલતા હોય છે તો ઘણા લોકો સામે વાળાને જે સાંભળવું ગમતું હોય તેવું બોલતા હોય છે. ઘણા લોકો તમારી સામે બોલતા હોય તો ઘણા તમારી પીઠ પાછળથી બોલતા હોય. આ રીતે દરેક વ્યક્તિની બોલવાની રીત જુદી-જુદી હોય છે.

જો કોઈ તમને તમારા વિશે સાચું બોલે અને તમને ખોટું લાગે તો ભૂલ સામેવાળાની નહીં પરંતુ તમારી જ છે. કેમકે જે સાચું છે એનું જ તમને ખોટું લાગે છે તો સમજવાની જરૂર તમારે છે કેમકે તમને પણ ખબર છે કે તમારામાં શું ઘટે છે તો તમને સામેવાળાની વાતનું ખોટું ન લાગવું જોઈએ.

હંમેશા એવા વ્યક્તિ પર ભરોસો કરવો જે તમને વારેવારે ટોક ટોક કરે. કેમ કે જેમને તમારી માટે કંઈ લાગણી નથી એ તમને સલાહ જ નહીં આપે. કેમકે એમને માત્ર ને માત્ર એમના કામથી જ મતલબ હોય છે.

જે વ્યક્તિ તમને શું કરવું અને શું ન કરવું એ સમજાવી તમને સાચો રસ્તો બતાવે એમને જ તમારા પ્રત્યે લાગણી હશે. આજકાલ કોઈ પાસે કોઈના માટે સમય નથી એટલે જે વ્યક્તિ તમારા માટે સમય કાઢતો હોય તેવા વ્યક્તિની સંગત જ પસંદ કરવી જોઇએ.

સાચું અને કડવું બોલનાર હંમેશા તમને સાચો રસ્તો બતાવે છે. થોડીવાર ખોટું ભલે લાગે પણ સાચું સાંભળવાથી તમને તમારી ભૂલો સમજાશે જેથી તમે એજ ભૂલ બીજી વાર નહીં કરો. બાકી તમને ગમતું હોય અને તમને પસંદ આવે એવું મીઠું બોલનારા વ્યક્તિ તમને ઘણા બધા મળી જશે. એની મીઠી વાણી સાંભળીને તમને કદાચ થોડો સમય ખુશી મળે પણ ભવિષ્યમાં તમારે હેરાન જ થવું પડશે.

જીવનમાં હંમેશા મહેનતુ, સાચું બોલનાર, તમને સાચા ખોટાની સમજ આપનાર, તમને ટોક ટોક કરનાર, તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપનાર આવા વ્યક્તિના સંગત માં જ રહેવું જોઈએ.

એવા વ્યક્તિ કે જે તમને ખુશ કરવા સારું સારું બોલે, તમને સાંભળવું ગમે તેવું બોલે અને એમના જરૂરિયાતના સમયે તમારો ઉપયોગ કરે તેમનો ક્યારેય ભરોશો ના કરશો.

તમે જેવા વ્યક્તિ ની સંગત માં રહેશો તેવુંજ તમારું ભવિષ્ય બનશે. કેમકે ખરાબ લોકોની સંગતમાં રહીને જો તમે તમારું વર્તમાન બગાડી રહ્યા હોય તો એ મુજબ તમારું ભવિષ્ય પણ બગડશે.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.