‘રોમ’ની સંસ્કૃતિનો ઈતિહાસ જાણીને તમે અચંબિત થઇ જશો

rome
rome

આપણી ભારતીય સંસ્કૃતિની જેમ જ રોમની સંસ્કૃતિ પણ અતિ-પ્રાચીન છે. અંદાજે ૨૫૦૦ વર્ષ જૂની આ સંસ્કૃતિએ અનેક ચઢાવ-ઉતાર જોયા છે અને વિશ્વની મહાનતમ સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ બની છે. રોમની સંસ્કૃતિનો ઇતિહાસ પણ બહુ લાંબો છે. વીરતા, આર્કિટેક્ચર અને સંગીત માટે રોમ જગતભરમાં પ્રખ્યાત છે. આમ તો રોમના કોઈપણ શહેરમાં ઊતરીએ તો પણ રોમની સંસ્કૃતિ નજીકથી જોઈ શકાય એવી જાણવણી ત્યાનાં લોકો અને સરકાર દ્વારા કરવામાં આવી છે. રોમમાં પ્રવેશ કરતાં જ એક મહાન સંસ્કૃતિના સમૃદ્ધ શહેરમાં પ્રવેશ્યા હોય તેવું લાગે. દરેક શેરી અને દરેક ઇમારતો સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો હોય તેવું તાદ્રશ્ય થાય.

ઈટાલિના એક મુખ્ય ગણાતા રોમના લીયોનાર્દો-દ-વિન્ચી એરપોર્ટ પર ઉતાર્યા બાદ શહેરમાં ફરવા માટે બસોની ખૂબ સારી વ્યવસ્થા છે. ખાનગી કારની પણ વ્યવસ્થા કરી શકાય છે. અહીંની હોટેલો પણ બજેટ પ્રમાણે મળી રહે છે. જો બહાર રખડવાનો શોખ હોય તો મોંઘીદાટ હોટેલોમાં પૈસા ખર્ચવાને બદલે ઓછી ખર્ચાળ હોટેલમાં રાતવાસો કરી શકાય. કારણ કે, શહેરમાં એટલા બધા સ્થળો જોવા લાયક છે કે સવારથી રાત સુધી રખડીને રાત્રે હોટેલનો રૂમ સુવા સિવાય કશું આપી શકશે નહીં.

રોમની સંસ્કૃતિને નજીકથી નિહાળવા સૌપ્રથમ કેપીટોલીની મ્યુઝિયમની મુલાકાત લેવી જોઇયે. અહીં કેપીટોલીન હિલ પર ‘પિયાઝા ડે કેમ્પિડોગ્લિઓ’ સ્થળ પર આ મ્યુઝિયમ આવેલું છે. ઈટાલીયન ભાષામાં ‘પિયાઝા’ એટલે ‘ચોક’. આ મ્યુઝિયમમાં રોમની સંસ્કૃતિની અનેક કલાકૃતિઓ, ચિત્રો અને શિલ્પોનો ભંડાર છે. દરેક કલાકૃતિ આ મહાન સંસ્કૃતિની એક ધરોહર સમાન છે. આ મ્યુઝિયમનો ઇતિહાસ અંદાજે ૫૦૦વર્ષથી પણ જૂનો છે. પંદરમી સદીમાં ત્યાંનાં એક પોપએ રોમ શહેરને આ કલાકૃતિઓનો એક મોટો સંગ્રહ આપ્યો હતો. તેને સાચવવા માટે આ મ્યુઝિયમ બનાવ્યું હતું. ત્યારબાદ આ મ્યુઝિયમમાં બીજી કલાકૃતિઓનો વખતો વખત ઉમેરો થતો ગયો. મ્યુઝિયમમાં રોમન મૂર્તિઓ, ઝવેરતો, બ્રોન્ઝ, પ્રાચીન દસ્તાવેજો જેવી વસ્તુઓ ઉમેરાતી ગઇ.

આ મ્યુઝિયમનું સ્ટાર જેવી આકૃતિ ધરાવતું પ્રાંગણ મહાન આર્કિટેક માઈકલ એન્જેલોએ ડિઝાઇન કરેલું છે. સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારે હયાત હોય તેવું રોમનું આ જૂનામાં જૂનું સ્થાપત્ય છે. ૨૫૦૦ વર્ષ જૂના સ્થાપત્યને આટલી નજીકથી જોવાનો અને અનુભવવાનો લ્હાવો અવર્ણનીય છે. આ સ્થાપત્યમાં વચ્ચેનું બિલ્ડીંગ મ્યુનિસિપલનું છે. એક બાજુનું બિલ્ડીંગ જ્યુપીટર ટેમ્પલ છે અને બીજી બાજુ આ મ્યુઝિયમનું બિલ્ડીંગ છે. અહી અંદાજે ૩૦ લાખ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક દસ્તાવેજો સંઘરાયેલા છે. અહીં ચોકમાં મધ્યમાં મહાન રોમન રાજા માર્ક્સ ઓરેલિયસની મુર્તિ મૂકેલી છે.

મ્યુઝિયમ સવારે સાડા નવથી સાંજે સાત સુધી ખુલ્લુ હોય છે. જો કે તેના રખ-રખાવ અને અન્ય કામો માટે સોમવારે રજા રાખવામાં આવે છે. આ મ્યુઝિયમની બીજી એક ખાસ વાત એ છે કે, અઢાર વર્ષથી નાના અને પાંસઠ વર્ષથી મોટી ઉમરના લોકોની ટિકિટ લેવાની જરૂર હોતી નથી. મ્યુઝિયમમાં દાખલ થાઓ એટલે તમારા સ્વાગત માટે રોમન દેવી ‘મીનેરવા’ની કૃતિ ઊભી હોય છે, જે પાંચમી સદીમાં બનાવેલી છે. આ ઉપરાંત અહીંના દરેક શિલ્પો ‘ક્લાસિક એજ’ના છે. દરેક શિલ્પની ઝીણી કોતરણી ઊડીને આંખે વળગે એવી છે. મુઝિયમમાં અનેક બેનમૂન ચિત્રો પણ જોવા મળે છે. અહીં આ ચિત્રોને ‘ફ્રેસ્કો’ કહેવાય છે. અહીં કાવાલિયર આર્પિનોનું સુપ્રસિધ્ધ ‘રેપ ઓફ સાબિન’ પણ જોઈ શકાય છે. હૉલ ઓફ ટ્રિઓમ્ફમાં પણ અનેક અદ્ભુત ચિત્રો જોઈને મ્યુઝિયમ આવ્યાનું સાર્થક સાબિત થાય છે. એક બીજું પ્રખ્યાત શિલ્પ ‘સી-વુલ્ફ’ પણ જોઈ શકાય છે.

રોમમાં આમ તો અનેક સ્થળો જોવા લાયક છે. પણ આજે ફક્ત આ મ્યુઝિયમની વાત કરી. બીજા સ્થળોની મુલાકાત આવતી પોસ્ટમાં કરીશું.

Loading...