વાય.આઇ. સંસ્થા અને ટ્રાફીક પોલીસે ગાયોના શીંગડામાં રેડિયમ પટ્ટી લગાવીને કરી નવી પહેલ

રાત્રે રસ્તો ઓળંગતી ગાયોને તેમજ વાહન ચાલકોને અકસ્માતથી બચાવવાના ઉમદા આશય સાથે આ કાર્ય કરનારી રાજ્યની પ્રથમ સંસ્થા

રાજકોટ અને રાજકોટીયન્સની સુખાકારી માટે અનેક આવકારદાયક પહેલને સાકાર કરનાર વાયઆઈ (યંગ ઈન્ડિયન્સ) દ્વારા હવે લોકોની સાથે ગાયના જીવનની પણ ખેવના કરવામાં આવી રહી છે. આ અંતર્ગત તાજેતરમાં સંસ્થા દ્વારા શહેરમાં રહેતી ગાયોના શીંગડામાં રેડિયમ પટ્ટી લગાવવાની નવતર પહેલ હાથ ધરવામાં આવી હતી. વાયઆઈ-રાજકોટ સંસ્થા ઓલ લાઈફ મેટરના સૂત્રને પણ સાર્થક કરવા માગે છે સાથે સાથે આ પ્રકારની પહેલ કરનારી વાયઆઈ-રાજકોટ સમગ્ર ગુજરાતની સૌપ્રથમ સંસ્થા બની છે. ટ્રાફિક પોલીસના સહયોગ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી સંસ્થા દ્વારા શહેરની મોટાભાગની ગાયોને રેડિયમ પટ્ટી લગાવી દેવામાં આવી હતી.

સંસ્થાના ચેરપર્સન નમ્રતા ભટ્ટ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે સંસ્થાને રૂરલ ઈનીશીએટીવ હેઠળ રોડ સેફટી વર્ટિકલ અંતર્ગત શહેરી ગાયોના હિત માટે કશુંક કરવાનો વિચાર આવતાં મંથન શરૂ કરાયું હતું. ત્યારબાદ તમામ ગાયોના શીંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાવી ઝડપથી આ કાર્યને પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ કાર્ય કરવા પાછળનો હેતુ રાત્રે રસ્તો ઓળંગતી ગાયોને અકસ્માતથી બચાવવાનો છે. ઘણી વખત શહેરી વિસ્તાર અને હાઈ-વે ઉપર ગાય ફરતી જોવા મળે છે પરંતુ તેના ઉપર ચમકદાર નિશાની ન હોવાને કારણે તે અકસ્માતનો ભોગ બને છે જેના કારણે આપણે કિંમતી પશુધન ગુમાવી રહ્યા છીએ. હવે રેડિયમ પટ્ટી લગાવી દેવામાં આવતા તેની ચમકને કારણે ગાય અકસ્માતથી બચી શકશે. સાથે સાથ વાહનચાલક પણ અકસ્માતનો ભોગ નહીં બને અને આમ એક રેડિયમ પટ્ટીથી ગાય અને વાહનચાલક બન્નેનો બચાવ થઈ શકશે. સંસ્થા દ્વારા શહેરમાં વસવાટ કરતી ગાય અને રખડતી-ભટકતી ગાયોને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી. આ પહેલ માટે શહેરના ટ્રાફિક વિભાગનો સહયોગ મળ્યો હતો.

નમ્રતા ભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રકારનો વિચાર કરનારી વાય આઈ રાજકોટ ગુજરાતની સૌપ્રથમ સંસ્થા છે. આ પહેલમાં સંસ્થાના સભ્યો સાથે ટ્રાફિક વિભાગના એસીપી ચાવડા, એએસઆઈ બી.કે.જાડેજા, આરટીઓના પૂર્વ અધિકારી જે.વી.શાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલ અંતર્ગત વાય આઈ રાજકોટના ચેરપર્સન નમ્રતા ભટ્ટના નેતૃત્વ હેઠળ કો-ચેરમેન યશ રાઠોડ, ડો.પુનિત ત્રિવેદી, વીરેન પટેલ, હિરેન વરમોરા, ઋષભ શેઠ, અમીષ ચંદારાણા, ભાવિક શાહ, મૌલિક શાહ, શ્યામ ઘેડીયા, હેલી કતીરા, દર્શીતા જોષી, કોમલ ધુલીયા, યશ શ્રીમાનકર, વસુ શ્રીમાનકર, સુરજ શાહ, અવની નથવાણી, રાહુલ ડાંગર, ભાવીન ભાલોડીયા, જય પૂજારા, મેહુલ બુદ્ધદેવ, શેખર મહેતા, અંકુર બંસલ, યશ શાહ, પાવક ઉનડકટ, દર્શીત પરસાણા, વિશ્ર્વાસ માણેક, વિશાલ સોનવાણી, હોમી કતીરા, પ્રણવ ભાલારા, દર્શન લાખાણી, ચીરાગ લાખાણી, કાર્તિક કેલા, નીધય પાન, નિશાંત ચગ અને સાગર મારડીયા, સાકેત આર્યા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

Loading...