વાહ કોરોના!; છેલ્લા બે દાયકાની ઘરેલું બચતમાં જબ્બર ઉછાળો !!

આશરે ૧૫ લાખ કરોડની વધારાની બચત અર્થતંત્રને ગતિ પકડાવી દેશે

આફતને અવસરમાં બદલવાની કુનેહ ભારત માટે આશિર્વાદરૂપ બની રહે છે. વિશ્ર્વ આખામાં કોરોના કટોકટી દરમિયાન અર્થતંત્રની ગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ છે અને સરકાર અને પ્રજા બન્ને આર્થિક સંકળામણ ભિંસાઈ રહી છે ત્યારે ભારત માટે કોરોના કટોકટી અને લોકડાઉન બચત માટે આશિર્વાદરૂપ બની હોય તેમ ઓછી આવક વચ્ચે ઘરેલુ બચતના ગૃહિણીઓના ગુણે ભારતમાં ૨૦૧૪ થી ૨૦૧૯ના મધ્યાંતર સમયગાળા દરમિયાન ૧૫ લાખ કરોડ રૂપિયાની વધારાની બચત કરાવી દીધી હતી જે છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી વધુ હોવાનું એક વિદેશી સર્વેયર કંપનીએ અહેવાલમાં જણાવ્યું છે.

અતિ આશ્ર્ચર્યજનક કહી શકાય તેવી બચતની વ્યાપકતામાં માત્રને માત્ર ૧૫ લાખ કરોડ રૂપિયાની રોકડ રકમની બચત થઈ હતી જે લોકડાઉનના મહિના દરમિયાન ૧૩૫ ટકા જેટલી થવા પામી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, ઘરેલું બચતનું પ્રમાણ હવે  ૫૮ ટકા જેટલું પહોંચી ચૂક્યું છે. જ્યારે કોર્પોરેટ ક્ષેત્રનું બચતનું પ્રમાણ ૩૨ ટકા રહેવા પામ્યું છે.

યુબીએસ સિક્યુરીટીઝના વિશ્લેષક સુનિલ તિરૂમલાઈ અને દિપોજલ શાહે જારી કરેલા અહેવાલમાં જણાવાયું છે કે, કોરોના કટોકટી દરમિયાનની મંદિમાં આર્થિક પ્રવૃતિઓ બંધ થઈ હતી તેવા સમયે ઘરેલું ધોરણે થતાં ખર્ચમાં મોટો કાપ મુકી દેવામાં આવ્યો હતો અને સમય મુજબ કરવામાં આવેલી કરકસરથી ભારતીયોએ લોકડાઉન દરમિયાન કરજદાર થવાને બદલે ૧૫૦૦૦ કરોડ રૂપિયાની વધારાની બચતની મુડી ઉભી કરી લીધી છે જીડીપીના વૃદ્ધિદર અને કોરોના પછીની આર્થિક કટોકટી માટે આશિર્વાદરૂપ બની રહી. કરકસર કરીને ઉભી કરવામાં આવેલી મુડી રાષ્ટ્રની સંપતિ બની રહી છે.

કોરોના દરમિયાન બેંકની થાપણો, વિમા પેન્શનની ૧૪ ટકા જેટલી બચત અને ૧૯ ટકા જેટલી સરકારી બચત સામે ૧૩૫ ટકા જેટલી રોકડ બચત થવા પામી છે. ઐતિહાસિક ધોરણે આ સમયગાળા દરમિયાન ઘરેલું ધોરણે ૭ થી ૮ વર્ષમાં સૌથી વધુ બચત કરવામાં આવી હતી. હજુ છેલ્લા ૨૦ વર્ષના સમયગાળામાં ક્યારેય થઈ ન હતી એવી ઘરેલું બચત થવા પામી છે.

૨૦૧૫ના નાણારકીય વર્ષથી શરૂ થયેલી ઘરેલું બચત આ પરંપરાનું મુખ્ય કારણમાં લોકોની સમજ શક્તિ ઉપરાંત પ્રોસેસ ફૂડ આરોગ્ય શિક્ષણ કપડા અને જરૂરીયાતોની વસ્તુઓમાં આવેલા ભાવ ઘટાડા અને કરકસરથી આ બચત ઉભી થઈ છે. બચતમાં ૫ ટકાથી વધુની બચતનો આંક ૨૦૨૦માં ૨૫ ટકા સુધી પહોંચ્યો હતો. કોઈપણ જાતની બાહ્ય મદદ લીધા વગર લોકડાઉનના સમયગાળા દરમિયાન લોકોએ કરકસરને સાચો સાથીદાર બનાવીને જે રીતે આયોજન કર્યું હતું તેના પરિણામો સારા મળ્યા છે. લોકોની ખરીદ શક્તિમાં કરકસર અને બે દાયકામાં સૌથી ઓછો ખર્ચ કરીને જીવન નિર્વાહ ચલાવવાની અને સમયપારખી પૈસા બચાવવાથી નાની બચત, બેંક એકાઉન્ટ, વીમા અને નવા ધંધાના રોકાણમાં આ બચત દેખાવા લાગી છે. ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦નું વર્ષ વધુ બચતનું વર્ષ બની રહ્યું હતું. ભારતીયોની આ જ કમાલ છે કે, આફતને અવસરમાં કેમ બદલવું. કોરોના કટોકટીમાં વિશ્ર્વ આખુ નાણાકીય ખેંચ અને પૈસાની અછતથી ગભરાટ અનુભવતું હતું ત્યારે ભારતમાં ઘરેલું ખર્ચામાં કાપ મુકીને ૧૫ લાખ કરોડ રૂપિયાની બચત ઉભી કરી.

Loading...