Abtak Media Google News

રાજુલા મામલતદાર કચેરીમાં અરજદારોને ધરમના ધકકા.

અમરેલી જિલ્લા ભાજપના કારોબારી સભ્ય રાશનકાર્ડમાં પુત્રનું.

નામ ચડાવવા જતા થયો ઘટસ્ફોટ: સિનિયર સિટીઝનની ઉચ્ચકક્ષાએ રજુઆત: વચેટીયાઓ કામો ટલ્લે ચડાવતા હોવાના આક્ષેપો રાજુલા મામલતદાર કચેરી આમ તો રાજુલાથી ૧ કિમીના અંતરે જતી રહેતા લોકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ મામલતદાર કચેરીએ જવા-આવવા માટે કોઈપણ જાતની સુવિધા ન હોવાને કારણે પણ લોકો હેરાન-પરેશાન છે ત્યારે મામલતદાર કચેરીના વિવિધ વિભાગો દ્વારા લોકોની સાથે ગેરવર્તનને કારણે લોકોમાં રોષ ભરાયો છે અને લોકોને ફુટબોલની માફક અહીંથી ત્યાં ધકકા ખવડાવવામાં આવે છે. ધરમ-ધકકાઓ ખવડાવીને લોકોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ રાજુલા એસ.ટી.થી મામલતદાર કચેરી જવા-આવવાની રીક્ષા તેમજ અન્ય વાહનોમાં સીનીયર સીટીઝન કે જેમની પાસે વાહનની સુવિધા ન હોય તેને ત્યાં જવું હોય તો લગભગ રૂ.૧૦૦ જેવી રકમ ખર્ચ કરવી પડે છે અને તેઓનું કામ ન થાય તો આ ૧૦૦ રૂપિયા પાણીમાં જાય છે. બીજીબાજુ પુરવઠા વિભાગ એટીવીટી વિભાગ તેમજ અન્ય વિભાગોમાં વચેટીયાઓ પડયા પાથર્યા રહેતા હોય સામાન્ય લોકોને જો કામ કરાવવું હોય તો આવા વચેટીયા મારફત કરાવવું પડે છે. વચેટીયાઓ પ્રોપટી કાર્ડ, સબ રજીસ્ટ્રાર વિભાગમાં પણ પડયા પાથરયા રહે છે. જેથી લોકોના કામો ટલ્લે ચડાવવામાં આવે છે. તેમજ કેટલાક વિભાગોમાં કોન્ટ્રાકટોને કામ આપી દીધેલ હોવાથી તેના માણસો પણ ઉઘ્ધત જવાબ આપે છે.

આવો જ એક બનાવ તાજેતરમાં રાજુલાના કિશોરભાઈ જે.રેણુકા (બારોટ) કે જેઓ અમરેલી જીલ્લા ભાજપના કારોબારી સભ્ય તેમજ ભાવનગર જીલ્લા લોકસભાના વિસ્તારક છે. તેઓ એક સીનીયર સીટીઝન પણ છે. તેઓના રેશનકાર્ડમાંથી મામલતદાર (પુરવઠા) વિભાગની ભુલના કારણે તેમના પુત્રનું નામ નીકળી ગયેલ જે અંગે તેઓ રૂબરૂ સુધારો કરાવવા ગયેલ ત્યારે આ વિભાગના નાયબ મામલતદારને રજુઆત કરતા તેઓ મોબાઈલમાં ગેમ રમતા હોવાનો અને સંતોષકારક જવાબ નહીં આપ્યો હોવાનો આક્ષેપ કિશોરભાઈ રેણુકા (બારોટ) દ્વારા કરવામાં આવેલ છે.

તેઓએ એવો પણ આક્ષેપ કરેલ છે કે, એટીવીટીમાં લાંબી-લાંબી કતારો હોય અને કર્મચારીઓ ઉઘ્ધત વર્તન કરીને સીનીયર સીટીઝન અરજદારોનું માન જાળવતા નથી. રેણુકા દ્વારા આ અંગેની ફરિયાદ અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા, ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ નારણ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા તથા મહામંત્રી રવુભાઈ ખુમાણને પત્ર દ્વારા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામેલ છે.

રેણુકા દ્વારા આ અંગેની રજુઆત મામલતદારને પણ કરવા છતાં એક રેશનકાર્ડમાં નામ ચડાવવા જેવી મામુલી બાબતમાં અહીંથી ત્યાં ધકકે ચડાવતા આ સમગ્ર મામલો છેક પુરવઠા મંત્રી સમક્ષ પહોંચ્યો છે. આ અંગે સામાન્ય લોકોમાંથી એવો સુર નિકળી રહેલ છે કે, જો ભાજપની સરકાર હોય અને ભાજપના જ હોદેદારોના કામો ન થતા હોય તો સામાન્ય પ્રજાની શું પરિસ્થિતિ હશે ? તે વિચાર માગી લ્યે તેવું છે અને લોકોમાંથી પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા કેટલાક ઈસમોની પણ તપાસ કરવાની માંગ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.