Abtak Media Google News

પાલીકાના સદસ્યો વિરૂધ્ધ હાય હાયના નારા લગાવ્યા: કારોબારી ચેરમેનના વોર્ડમાં જ વરસાદી પાણીનો નિકાલ ન થતા રોષ

સુરેન્દ્રનગર શહેરમાં પડેલા ૬ ઇંચ જેટલા વરસાદથી જનતાની સમસ્યા હલ થવાનું નામ નથી લેતી. એક તરફ વરસાદી પાણીમાં નિકાલની સમસ્યા, ખોદકામ કરેલા રસ્તા પર કાદવ કીચડ, ભૂવા અને પીવાના દૂષિત પાણીથી જનતા તોબા પોકારી ઉઠી છે. ત્યારે પ્રજાની હવે ધીરજ ખૂટી છે. જુદા જુદા વિસ્તારમાંથી મહીલાઓના મોરચા આવી સુરેન્દ્રનગર પાલિકા ગજવીને ખાસ કરીને સદસ્યો સામે રોષ ઠાલવી રહ્યા છે.

સુરેન્દ્રનગર શહેરમાં ખાડા રાજની સામે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે ગુરૂવારના રોજ પાલિકા કચેરી ખાતે બે અલગ-અલગ વિસ્તારની મહીલાઓએ ધસી આવી હલ્લાબોલ કર્યો હતો. જેમાં સૌ પ્રથમ વચલી ફાટક પાસે બરફના કારખાનાવાળી શેરીમાં રહેતી મહિલાઓએ સદસ્યોના નામના છાજીયા લઇને હાય.. હાય.. પોકારી ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં વરસાદી પાણી અને ગટરના પાણી વરસાદ બાદ પણ ભરાયેલા રહેતા લોકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા હોવાનું જણાવ્યુ હતુ. ઉપરાંત વિસ્તારમાં આવેલા ખૂલ્લા પ્લોટમાં વરસાદી પાણી મોટાપાયે ભરાયેલા રહેતા હોવાથી લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો હોવાની ભીતી વ્યકત કરાઇ હતી. ઉપરાંત મત લેવા આવતા સદસ્યો લોકોની મુશ્કેલી સમયે ભાગી જતા હોવાની વાત જણાવી સદસ્યો પર રોષ ઠાલવ્યો હતો. જયારે નવા જંકશન રોડ પર આવેલા શ્રીનાથજી પાર્કની મહિલાઓએ રસ્તા પર વરસાદ બાદ કાદવ કીચડ હોવાથી ઘર બહાર નીકળવુ મુશ્કેલ બન્યુ હોવાની રજૂઆત કરી હતી. મહિલાઓએ રોષ સાથે જણાવ્યુ કે, ચક્કાજામ અને કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓની સ્થળ મુલાકાત બાદ પણ કોઇ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઇ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.