Abtak Media Google News

ગત વર્ષની સરખામણીમાં શિયાળુ પાકમાં ૧૦ ટકાનો જોવા મળશે વધારો: ઘઉં સહિત રાયડાના પાકનાં ખરા છલકાઈ જશે

ભારત ખેતીપ્રધાન દેશ છે ત્યારે યોગ્ય વરસાદના પગલે જ સમૃદ્ધ ખેતી થતી હોય છે જેના ભાગરૂપે ચાલુ વર્ષમાં સારો વરસાદ થતા એક આશા ઉદભવિત થઈ છે કે શિયાળુ કઠોળનો પાક ૮૨ લાખ હેકટરને આંબશે. સાથોસાથ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે, ગત વર્ષની સરખામણીમાં શિયાળુ પાકમાં ૧૦ ટકાનો વધારો જોવા મળશે અને ઘઉં સહિત રાયડાના પાકના ખડા પણ છલકાઈ જશે.

ખેત મંત્રાલયના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સારા વરસાદની સાથો સાથ ખેતરની માટી પણ ગુણવતાયુકત બનતા જ આ તમામ પાકોમાં મબલખ ઉત્પાદન જોવા મળશે. ખેતી સાથે સંકળાયેલા તમામ તજજ્ઞોનું માનવું છે કે સારા વરસાદના પગલે શિયાળુ પાકના ઉત્પાદનમાં વધારો જોવા મળશે પરંતુ ઘઉં અને રાયડાનું મબલખ ઉત્પાદન પણ થશે. ગત વર્ષે શિયાળુ પાક ૬૪ લાખ હેકટરમાં જોવા મળ્યું હતું પરંતુ ચાલુ વર્ષે અને સારા વરસાદના પગલે શિયાળુ પાક ૮૨ લાખ હેકટરને આંબશે તો નવાઈ નહીં. સરકાર ખેતીને વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ નવતર યોજનાઓની સાથે નવી સબસીડી પણ અમલી બનાવી રહી છે. સરકારનું માનવું છે કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ લોકો સ્વદેશી ચીજોનું ઉત્પાદન વ્યાપક પ્રમાણમાં કરી તે ચીજવસ્તુઓનો નિકાસ યોગ્ય રીતે કરે જેથી તેનો સીધો જ ફાયદો જે-તે કંપની નહીં પરંતુ દેશ અને ખેડુતોને પણ થઈ શકે.

સરકાર ખેડુતોને પ્રોત્સાહિત કરવા માટે ઉંચા ટેકાના ભાવે જણસીઓની ખરીદી પણ કરી રહ્યું છે જેથી ખેડુતો આયાતી ચીજવસ્તુઓ ઉપર નહીં પરંતુ સ્વદેશી ચીજો ઉપર વધુ મદાર રાખે. ચાલુ વર્ષમાં અને સારા વરસાદના પગલે સરકારે કઠોળના ઉત્પાદનમાં મબલખ વધારો થવાની આશા સેવી રહ્યું છે જેનું એકમાત્ર કારણ એ છે કે ખેડુતો દ્વારા ખુબ મોટા વિસ્તારોમાં કઠોળનું ઉત્પાદન કરવામાં આવ્યું છે બીજી તરફ સરકારનું માનવું છે કે ૧૨૩ જળાશયોમાં પુરતુ પાણી હોવાના કારણે પણ પાકને પાણીની અછત નહીં થાય અને ૯૩ ટકા જેટલું લાઈવ સ્ટોરેજની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ત્યારે હાલના ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ઉતર ભારત સહિત દેશના અનેક ભાગોમાં પુરતો વરસાદ પડયો હોવાના કારણે શિયાળુ પાકમાં મબલખ આવક થવાની આશા સેવાઈ રહી છે. સાથો સાથ વધુ ઉત્પાદન થવાથી ખેડુતો અને દેશ માટે નિકાસના દ્વાર પણ ખુલ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.