ગુલાબી ઇયળ ‘વ્હાઇટ ગોલ્ડ’ને ભરખી જશે?

પ્રથમ વીણીમાં ઉત્પાદનમાં અંદાજે ૫૦ ટકાનો ધરખમ ઘટાડો: રાજકોટ યાર્ડમાં માત્ર ૧૫ હજાર મણ કપાસની આવક

ઉત્પાદન ઓછું થતા કપાસના ભાવ રૂ. ૧૨૨૦ સુધી બોલાયા, બાકીની બે વીણીમાં પણ ગુલાબી ઈયળનું ગ્રહણ હશે તો ભાવ હજુ વધુ ઉચકાશે

આ વર્ષે વ્હાઇટ ગોલ્ડની બોલબાલા વધી પણ સામે ગુલાબી ઇયળના કારણે ઉત્પાદન ઓછું ઉતરે તેવી ભીતિ

કપાસના પાકમાં ગુલાબી ઈયળનો આતંક જોવા મળી રહ્યો છે. પ્રથમ વીણીમાં તો ગુલાબી ઈયળનું ગ્રહણ જોવા મળી રહ્યું છે. બાકીની વીણીમાં શુ સ્થિતિ આવે છે તે હવે જોવું રહ્યું. હાલ તો એ પ્રશ્ન છે કે વાઈટ ગોલ્ડને ગુલાબી ઇયળ ભરખી જશે કે નહીં? હાલ તો પ્રથમ વીણીમાં ઉત્પાદનમાં ૫૦ ટકાનો કડાકો નોંધાતા ભાવ ઊંચકાયા હોવાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્રભરમાં કપાસનું ખૂબ ઉત્પાદન થાય છે. વાઈટ ગોલ્ડ કહેવાતા કપાસના ઉત્પાદનથી સૌરાષ્ટ્રના ખેડૂતો મોટી માત્રામાં કમાણી કરે છે. કપાસના પાક ઉપર ખેડૂતોને દર વર્ષે સૌથી વધુ આશા હોય છે. તેવામાં આ વર્ષે કપાસમાં ગુલાબી ઈયળનો આતંક જોવા મળી રહ્યો છે. કપાસનો પાક અંદાજે ૪થી ૫ મહિના સુધી ચાલતો હોય છે. ફેબ્રુઆરી સુધી કપાસનું ઉત્પાદન મળતું રહેવાનું છે. ત્યારે અત્યાર સુધીમાં પ્રથમ વીણીનું ઉત્પાદન બજારોમાં પહોચ્યું છે.

પ્રથમ વીણીના ઉત્પાદનમાં ગુલાબી ઈયળનો આતંક સામે આવ્યો છે. પ્રથમ વીણીમાં જ ઉત્પાદનમાં અંદાજે ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. દર વર્ષે જેટલું ઉત્પાદન થાય છે તેના કરતા આ વર્ષે અત્યાર સુધીમાં ઓછું ઉત્પાદન સામે આવ્યું છે. જેની પાછળ ગુલાબી ઈયળ કારણભૂત છે. મોટાભાગના ખેડૂતોની રાવ છે કે તેમના કપાસમાં ગુલાબી ઈયળ આવી હોય જેથી પાક નિષફળ ગયો છે.

સૌરાષ્ટ્રભરમાં ગુલાબી ઈયળનો આતંક જોવા મળી રહ્યો છે. જેના પરિણામે તેની અસર પ્રથમ વીણીમાં દેખાઇ રહી છે. ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા કપાસના ભાવ પણ ઉપર બોલાયા છે. મોટાભાગના સેન્ટરોમાં કપાસના પાક અંદાજે ૧૨૦૦ સુધી પહોંચી ગયા છે.

રાજકોટ યાર્ડની સ્થિતિ જોઈએ તો યાર્ડમાં આજે ૧૫ હજાર મણ કપાસની આવક થઈ છે. લાભપાંચમના મુહૂર્તના સોદામાં કપાસના ભાવ ૧૧૭૦ સુધી પહોંચ્યા હતા. આજે આ ભાવ ફરી ઉચકાઈને ૧૨૨૦ સુધી પહોંચ્યા છે. જેથી જે ખેડૂતોને કપાસનું ઉત્પાદન થયુ છે તેમને ઘણો ફાયદો થયો છે.

પ્રથમ વીણીમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. હજુ બે વીણી બાકી છે. ત્યારે આવનાર બે વીણીના ઉત્પાદનમાં વાઈટ ગોલ્ડને ઈયળ ભરખી જશે કે કેમ તે પ્રશ્ન છે. બીજી તરફ જોઈએ તો ચીનમાં કપાસની ડિમાન્ડ વધુ છે. સામે સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન ઘટયુ છે. જેથી ભાવ હજુ પણ ઉચકાય તેવી પ્રબળ સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે વ્હાઇટ ગોલ્ડની બોલબાલા વધી પણ સામે ગુલાબી ઇયળના કારણે ઉત્પાદન ઓછું ઉતરે તેવી ભીતિ સેવાઇ રહી છે.

Loading...