Abtak Media Google News

માર્કેટીંગ યાર્ડ અને ખાનગી બજારમાં એક સરખા ટેક્સ રાખવાની વિચારણા કરવા કેન્દ્ર સરકારની તૈયારી: ૫મીએ ખેડૂત આંદોલનકારીઓ સાથે વધુ એક બેઠક મળશે

દિલ્હીમાં ખેડૂત આંદોલન સમાપ્ત કરવા માટે કેન્દ્ર સરકાર ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી હતી. આ મેરેથોન બેઠકમાં શનિવારે ફરી બેઠક મળશે તેવું નક્કી થયું હતું. કેન્દ્ર સરકારે માર્કેટીંગ યાર્ડ અને ખાનગી બજારમાં એક સરખા દર રાખવાની વિચારણા હાથ ધરવાના સંકેતો આપ્યા હતા.

આ પ્રક્રિયા પરથી ફલિત થાય છે કે, ખેડૂત આંદોલનની મડાગાંઠ ઉકેલવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. ખેડૂત આગેવાનો અને કેન્દ્ર સરકાર દ્વારા ત્રણેય કૃષિ બિલોને લઈને ગઈકાલે ચર્ચાનો દોર લાંબો ચાલ્યો હતો. આ બેઠકમાં કેન્દ્ર સરકારે પાન નંબર વગર ટ્રેડિંગ માટેની નિયમો ઉપર ચર્ચા કરવા તૈયારી બતાવી હતી. આ ઉપરાંત પ્રાઇવેટ અને સરકારી માર્કેટિંગ યાર્ડમાં એક સરખા ટેક્સ માટે પણ ચર્ચા માટે કેન્દ્ર સરકારે તૈયારી દર્શાવી હતી હવે બેઠક આગામી પાંચ ડિસેમ્બરે મળશે. ખેડૂત આંદોલનમાં સર્જાયેલી મડાગાંઠ ઉકેલવા માટે સરકાર નમતું જોખશે ? તે પ્રશ્ન લોકમુખે ઉઠી રહ્યો છે.

આ સ્થિતિમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સરકારને ઈગો નથી. ખેડૂતો હિત જાળવવામાં સરકારને રસ છે. હું ગંભીરતાથી કહું છું કે લઘુતમ ટેકાના ભાવનો નિયમ કાયમી રહેશે. હું ખેડૂતોને આ બાબતની ખાતરી આપું છું અલબત્ત ખેડૂતો કેન્દ્ર સરકાર પાસેથી આ બાબતની લેખિત ખાતરી માગી રહ્યા છે.  જેથી સરકાર નમતું જોખશે તેવી ધારણા પણ છે.

ખેડૂત આંદોલનને સમાધાન કરી પૂરું કરવા માટે કેન્દ્ર સરકાર ઘણા સમયથી પ્રયત્નશીલ છે. જોકે, વિપક્ષ દ્વારા ખેડૂત આંદોલનના નામે રોટલા શેકવામાં આવતા હોવા ના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ત્યારે સરકારે નમતું જોખશે તો પણ આંદોલન પૂરું થશે કે કેમ તેવો પ્રશ્ન પૂછવો સ્વાભાવિક છે.

ખેડૂત આંદોલનના ઓઠા હેઠળ ફરીથી ખાલિસ્તાનનો અવાજ પણ ઊંચો થઈ રહ્યો હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જો બેઠકોનો દોર પૂરો કરવામાં આવશે તો આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી ભીતિ છે. અલબત અત્યારે તો કેન્દ્ર સરકારે સમાધાનકારી વલણ દાખવ્યું છે, ત્યારે આગામી સમયમાં મડાગાંઠ ઉકેલવા માટે સરકાર નમતું જોખશે તેવી શક્યતા છે. અત્યારે દિલ્હી હરિયાણા બોર્ડર પર ૪૦ હજારથી વધુ ખેડૂત આંદોલનકારી છે. પંદર કિલોમીટર સુધી આંદોલનકારીઓ પથરાયેલા છે અને ટ્રક રસ્તામાં ખોવાઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.