Abtak Media Google News

અર્થતંત્રને વેગવંતુ કરવા ઉત્પાદકતા, નિકાસ, રોકાણ સહિતની અસરકારક સ્કીમો પર સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે

ભારતનું અર્થતંત્ર જે રીતે આગળ વધી રહ્યું છે અને નાણામંત્રી નિર્મલા સીતારામને જે બજેટ રજુ કરવામાં આવ્યું છે તે જોતાં સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ૮ ટકા જીડીપી અને ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચવા લક્ષ્ય જોજનો દુર હોવાનું જણાઈ રહ્યું છે. અન્ય દેશોની વાત કરવામાં આવે તો ભારતથી પણ નાના અને આર્થિક પછાત દેશોમાં પણ ઘણી ખરી એવી યોજનાઓ પ્રસ્થાપિત થયેલી છે જેમાંથી ભારતીય દેશને પણ શીખ લેવી અનિવાર્ય બની રહી છે. ભારતીય લોકોની વાત કરવામાં આવે તો સરકાર સબસીડી અને લોક કલ્યાણની સ્કિમો આપતી જોવા મળે છે. જેનાં કારણે દેશનાં નાગરિકો કોઈ ઉત્પાદકતામાં સિંહ ફાળો આપતા જોવા મળતા નથી અને તે પણ કલ્યાણકારી સ્કિમોને આધારીત જ કાર્ય કરતા નજરે પડે છે. ભારતીય અર્થતંત્રની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે ૮ ટકા જીડીપી અને ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન જે જોયેલું છે તેને સિદ્ધ કરવા અને તેને હાંસલ કરવા માટે સરકાર દ્વારા જે કલ્યાણકારી સ્કિમો એટલે કે સોશિયલ વેલફેર સ્કિમો પર કટોટી મુકવી પડશે જેની સામે સરકાર દ્વારા ઉત્પાદકતા, નિકાસ, રોકાણો તથા ઈન્ફ્રાસ્ટ્રકચર પર સરકારે સૌથી વધુ પ્રાધાન્ય આપવું પડશે. હાલ લોક કલ્યાણકારી સ્કિમો આપવાથી લોકોમાં જે ઉત્પાદકતાનું પ્રમાણ હોવું જોઈએ તે જોવા મળતું નથી. કોઈપણ અર્થતંત્રને વેગવંતુ કરવા માટે વેલફેર સ્કિમ કરતા ઉત્પાદકતામાં વધારો થાય તે સરકારનો લક્ષ્યાંક હોય છે જેને ચરિતાર્થ કરવા માટે સરકાર તે દિશામાં નકકર પગલા પણ લેતી હોય છે ત્યારે મોદી સરકાર અને નરેન્દ્ર મોદીનું જે ૮ ટકા જીડીપી અને ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સ્વપ્ન છે તે આ પગલાઓને ધ્યાને લઈ પૂર્ણ કરવામાં સહાયરૂપ બની રહેશે.

સરકાર દ્વારા નિકાસને લઈ અનેકવિધ પ્રકારનાં નીતિ-નિયમો બનાવવામાં આવ્યા છે જે ઉધોગકારો માટે મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થતાં નથી. જો સરકાર દ્વારા નિકાસને વેગ આપવામાં આવે અને તે અંગેનાં નીતિ-નિયમો ઉધોગપતિઓનાં ફેવરમાં બનાવવામાં આવે તો નિકાસમાં પણ વધારો જોવા મળશે અને વિદેશી હુંડિયામણ ભારતમાં આવશે જે માટે સરકાર દ્વારા નવતર અને ઉપયોગી સ્કિમોને બનાવવી ખુબ જ મહત્વપૂર્ણ બની રહી છે. એવી જ રીતે પ્રાઈવેટ રોકાણકારોને પણ સરકારે પ્રોત્સાહિત કરવા પડશે જો પ્રાઈવેટ રોકાણકારો દેશમાં રોકાણો કરશે તો અર્થતંત્રને વેગ મળી રહેશે. અન્ય દેશોની જયારે વાત કરવામાં આવે તો ભારત સિવાયનાં દેશો કે જેઓનું અર્થતંત્ર મજબુત છે તેનું મુખ્ય કારણ એ પણ છે કે સરકારી કંપનીઓની સરખામણીમાં પ્રાઈવેટ કંપનીઓ અને પ્રાઈવેટ રોકાણકારો દ્વારા રોકાણોનું પ્રમાણ અને ઉત્પાદકતામાં અનેકગણો વધારો સરકાર તંત્ર કરતા વધુ જોવા મળે છે જે અતિ ફાયદારૂપ સાબિત થઈ શકે છે ત્યારે જો ભારત દેશમાં પ્રાઈવેટ રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે તે અંગે કોઈ યોજના બનાવવામાં આવે તો અર્થતંત્રને પણ સારો એવો વેગ મળી શકશે.

કોઈપણ દેશને વિકસિત થવા માટે ઈન્ફ્રાસ્ટ્રકચર અતિમહત્વપૂર્ણ પરીબળ માનવામાં આવે છે ત્યારે ભારત દેશ જો ઈન્ફ્રાસ્ટ્રકચર પર ધ્યાન કેન્દ્રિત કરી અને  તે દિશામાં પગલા લ્યે તો તે દિવસ દુર નથી કે જયારે મોદી દ્વારા જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે કે ભારતની જીડીપી ૮ ટકા અને ભારત દેશનું અર્થતંત્ર ૫ ટ્રિલીયન ડોલરે પહોંચશે. આ સાથે સરકારે જે કોર્પોરેટ ટેકસમાં વધારો ઝીંકયો છે તેને પણ પાછો ખેંચવો એટલો જ મહત્વપૂર્ણ છે. સરકાર દ્વારા કરન્ટ એકાઉન્ટ પર વાર્ષિક ૧ કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર જે ૨ ટકા ટીડીએસ નાખવાનો નિર્ણય કર્યો છે તેને જોતાં દેશની અર્થવ્યવસ્થાને ખુબ જ મોટો ફટકો પડશે ત્યારે આ વર્ષનું સરકારનું જે બજેટ છે તે ભવિષ્યનાં સ્વપ્ન જેવું છે કે જેને પુરું અથવા તો તેને ચરિતાર્થ કરવું હાલનાં સમયે ખુબ જ મુશ્કેલ છે. ચુંટણી જીત્યા બાદ ભાજપ પક્ષ દ્વારા જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે જોતાં આ બજેટ દિવા સ્વપ્ન જેવું હોય તેવું લાગી રહ્યું છે.

સતત બીજા દિવસે શેરબજારમાં મંદીની મોકાણ સેન્સેકસ ૧૨૭ પોઈન્ટનાં ઘટાડા સાથે ખુલ્યો

શેરબજાર તે અર્થતંત્રનું બેરોમીટર માનવામાં આવે છે ત્યારે બજેટ રજુ થયા બાદ અને બજેટથી નિરાશા સાંપડતા સેન્સેકસમાં ૨ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે આજનાં દિવસે પણ સેન્સેકસ ૧૨૭ પોઈન્ટનાં ઘટાડા સાથે ખુલ્યું હતું. આશરે ૩.૨ લાખ કરોડ ઈકવીટી રોકાણકારોએ તેમનાં રૂપિયા ગુમાવ્યા હતા. જયારે નિફટી પણ ૬૭.૪૫ પોઈન્ટનાં ઘટાડા સાથે ખુલ્યું હતું. બજેટમાં નિરાશા સાંપડતા શેરબજારને તેની માઠી અસર જોવા મળી રહી છે. સેન્સેકસની ૩૧ સ્ક્રિપ્ટો માની ૨૮ સ્ક્રિપ્ટોમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે ફોરેકસ માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો ૬૮.૬૬ રહ્યો હતો. બજેટ રજુ થયાનાં બે દિવસમાં રોકાણકારોનાં આશરે ૫ લાખ કરોડ રૂપિયા ધોવાયા હતા કારણકે અર્થતંત્રને વેગ આપવાનાં કોઈ પગલાની જાહેરાત નહીં હોવાથી બજાર ઘટયું હતું ત્યારે આગામી દિવસોમાં પણ શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળશે તેવી વાત પણ સામે આવી રહી છે. જોકે આઈટી અને ટેકનોલોજી સેકટરમાં ઘટાડાની અસર ધીમી રહી હતી. નિર્મલા સીતારામનની નિરાશાજનક બજેટ પ્રપોઝલ ઉપરાંત વિદેશી પોર્ટફોલીયો રોકાણકારો તથા હાઈ નેટવર્ક ઈન્વેસ્ટર ઉપર ટેકસ ભારણ વધવાની દહેશત સેવાઈ રહી છે. ઉપરાંત મોર્ગન સ્ટેઈનલીએ ઈકવીટી ઉપરનું રેટીંગ ઘટાડી સુધારા માટે માત્ર ૧ ટકા શકયતા દર્શાવી હોવાની વર્લ્ડ માર્કેટ ઉપર નકારાત્મક અસર પડી હતી ત્યારે આજનાં દિવસે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે માર્કેટ કઈ રીતે સુધરશે તે તો આવનારો સમય જણાવશે પરંતુ એ વાત નકકી થયેલી છે કે, જે અપેક્ષિત બજેટ લોકો અને ઉધોગપતિઓ તથા બજારો માટે હતું તેનાં પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવું પણ સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.