પાકિસ્તાન સોશિયલ મીડિયાની પાંખો કાપી નાખશે?

આધુનિક વિશ્વ જ્યારે ટેકનોલોજીના સહારે ચંદ્ર પર પહોંચવાની મથામણ કરે છે ત્યારે પાકિસ્તાન ટેકનોલોજીને અવગણીને અધોગતિના પંથે…!

૨૧મી સદીનું વિશ્વ ચંદ્રમાં થઈને હવે મંગળ ઉપર જવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે વિશ્ર્વના દરેક વ્યક્તિ, સમાજ અને દેશ માટે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ અનિવાર્ય બન્યો છે ત્યારે એવા સંજોગામાં પાકિસ્તાન જાણે કે, ટેકનોલોજીથી હાથ ધોઈને અધોગતિ તરફ આગળ વધી રહ્યું હોય તેમ પાકિસ્તાને સોશિયલ મીડિયાની પાંખો કાપી નાખીને પોતાના જ પગ ઉપર કુવાડા મારવાનું શરૂ કરી દીધું હોય તેવો ઘાટ ઘડાયો છે.

પાકિસ્તાન સરકારે ઈન્ટરનેટ અને ટેકનોલોજી કંપનીઓ પર સકંજો કસીને ટેકનોલોજી કંપનીઓ માટે મુંઝવણ ઉભી કરી છે ત્યારે સોશિયલ મીડિયા કંપનીઓએ પાકિસ્તાનમાંથી ઉચાળા ભરવાની રીતસર ધમકી આપી છે. અત્યારે વિશ્ર્વ વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી વિકાસને વધુ વેગવાન બનાવવાની કવાયત કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાન અધોગતિ તરફ પ્રયાણ કર્યું હોય તેમ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ પર નિયંત્રણની કવાયત હાથ ધરી છે. સોશિયલ મીડિયા કંપની સરકારની આ કવાયતથી નારાજ છે અને તે એવું માને છે કે, પાકિસ્તાનમાં મીડિયા અને ટેકનોલોજી પર નિયંત્રણ લદાય રહ્યું છે.

ગુરૂવારે એશિયા ઈન્ટરનેટ કોલેશન ગ્લોબલ ટેકનોલોજીની ગુગલ, ફેસબુક, ટ્વીટર વડાપ્રધાન ઈમરાન ખાનના સોશિયલ મીડિયા પર નિયંત્રણના વિરોધમાં સામે આવી છે. સોશિયલ મીડિયા કંપનીઓએ આ નિયંત્રણ સામે એવી ચેતવણી ઉચ્ચારી છે કે, પાકિસ્તાન સરકાર દ્વારા ઈન્ટરનેટ કંપનીઓ પર જો નિયંત્રણ લાદવામાં આવશે તો તે પાકિસ્તાનમાંથી પોતાનો કારોબાર હટાવી લેશે. સોશિયલ મીડિયા કંપનીઓ ઈન્ટરનેટ સેવાની કંપનીઓ પર ૩.૧૪ મીલીયન ડોલર જેટલું દંડનું જોખમ આવી પડે તેમ છે. સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ પર સ્વાયતતા નામે જો કોઈપણ અયોગ્ય પ્રસારણ થાય તો તેના પર દંડ સહિતના આકરા નિયંત્રણો મુકવાની હિમાયત કરી છે અને કંપનીઓને કરોડો ડોલર રૂપિયા સીક્યુરીટીના રૂપમાં મુકવાની હિમાયત કરી છે. પાકિસ્તાનના અગ્રણી મીડિયા હાઉસ ડોનને પણ પાકિસ્તાન સરકારની આ હિલચાલ પસંદ નથી. ઈમરાન ખાન સરકાર અત્યારે સોશિયલ મીડિયા કંપનીઓ પાકિસ્તાનમાંથી ઉચાળા ભરી લે તેવી પરિસ્થિતિ સર્જી રહ્યું છે. અત્યારે વિશ્ર્વમાં વોટ્સએપ, ફેસબુક, ટીકટોક જેવી સોશિયલ મીડિયાની બોલબાલા છે ત્યારે પાકિસ્તાન સોશિયલ મીડિયાની પાંખો કાપીને અધોગતિના પંથે જઈ રહ્યું છે. પાકિસ્તાન ટેકનોલોજીથી હાથ ધોઈને જાણે કે, ૧૩મી સદીમાં અંધકારભર્યા યુગમાં ધસી રહ્યું હોય તેવો માહોલ ઉભો થયો છે.

Loading...