Abtak Media Google News

ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢ સહિતના રાજ્યો ઉપર તીડના આક્રમણનો ગંભીર ખતરો

ચાલુ વર્ષે દેશમાં ખેતી ક્ષેત્રે વિપુલ ઉત્પાદનોની આશાઓ સેવાઈ રહી છે. સારા વરસાદની અપેક્ષાએ વાવેતર પણ ગત વર્ષ કરતા ઘણું વધુ થયું છે. દેશમાં અનાજના ભંડારો છલકાઈ જશે તેવી આશાએ ખેડૂતો આનંદીત છે. આવા સમયે તીડનો ખતરો ઉભો થયો છે. દેશમાં છેલ્લા ૨૬ વર્ષથી ન જોયો હોય તેવું તીડનું આક્રમણ થઈ શકે તેવી દહેશત છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ) દ્વારા આગામી ચાર અઠવાડિયા સુધી તીડના આક્રમણને લઈ ચેતવણી આપવામાં આવી છે.

મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા અને બિહાર સહિતના રાજ્યોમાં તીડનું આક્રમણ થઈ શકે છે. રાજસ્થાનને સૌથી વધુ અસર થાય તેવી ચેતવણી પણ અપાઈ છે. છેલ્લા ત્રણ મહિનાથી અનેક રાજ્યોમાં તીડનો પ્રકોપ જારી છે, આ સ્થિતિ વચ્ચે સરકારે પણ ડ્રોન અને બેલ હેલિકોપ્ટરની મદદથી તીડને ભગાડવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. દેશમાં તીડથી સૌથી વધુ પ્રભાવીત રાજ્યોમાં રાજસ્થાન ટોચના સ્થાને છે. આ ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા અને બિહારમાં પણ તીડનો પ્રકોપ વધી રહ્યો છે.

આ રાજ્યોના હજારો ખેડૂતોના ઉભા પાકને તીડ ખાઇ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર યુએનએ ચેતવણી આપી હતી કે જે તીડ જતા રહ્યા છે તેઓ ચોમાસુ આગળ વધશે તેમ પરત આવશે.

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ)એ પણ ભારતને તીડના હુમલા અંગે ફરી ચેતવણી આપી છે.

એફએઓએ કહ્યું છે કે તીડનું આક્રમણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતે આગામી ચાર સપ્તાહ સુધી હાઇએલર્ટની સ્થિતિમાં રહેવું જોઇએ. તીડને રોકવા માટેનો આ જ એક ઉપાય છે તેમ એફએઓએ કહ્યું હતું.

ભારત ઉપરાંત અનેક દેશમાં તીડનાં આતંકનો ખતરો

આ પરિસ્થિતમાં ભારતે આગામી ચાર સપ્તાહ સુધી હાઇએલર્ટ જારી કરી દેવું જોઇએ કેમ કે હજુ પણ તીડની સુનામી આવી રહી છે અને જે પહેલાથી જ તીડ સક્રિય છે તેમાં ભળી જશે તો ભારે નુકસાન થવાની ભીતિ છે. અન્ય જે દેશોને હાઇએલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે તેમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, સુદાન, દક્ષિણ સુદાન, સોમાલીયા, ઇથોપિયાનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ લોકસ સર્કલ ઓફિસ દ્વારા જે રાજ્યોમાં અસર છે ત્યાં ૧,૩૫,૨૦૭ હેક્ટર વિસ્તારમાં તીડના ક્ધટ્રોલ માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં દવાનો છંટકાવ સહિતના પગલાઓનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.