Abtak Media Google News

ગઈકાલે વરસાદ પડતા ન્યુઝીલેન્ડનો દાવ ૪૬.૧ ઓવરમાં ૨૧૧/૫ નાં સ્કોરે અટકાવવો પડયો હતો

જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારની ચુસ્ત બોલીંગની મદદથી ભારતે માન્ચેસ્ટરમાં રમાયેલી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે અડધી બાજી તો જીતી લીધી હતી પરંતુ વરસાદને કારણે રમત અને રમતપ્રેમીઓની મજા ધોવાઈ ગઈ હતી. માન્ચેસ્ટરમાં ભારે વરસાદનાં કારણે ન્યુઝીલેન્ડની ઈનીંગ્સની ૪ ઓવર બાકી રહી ગઈ હતી. કાલનો આ અધુરા મેચ આજે ભારત જીતી ભારત ફાઈનલમાં પહોંચી જશે ? તે સમય જ બતાવશે. ન્યુઝીલેન્ડે ૪૬.૧ ઓવરમાં ૫ વિકેટે ૨૧૧ રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યા બાદ ભારતીય સમય મુજબ ૬:૩૦ કલાકની આસપાસ વરસાદનું આગમન થયું હતું. અમ્પાયરે લગભગ સાડા ચાર કલાક રાહ જોયા બાદ અધુરી રમત આજે આગળ ધપાવવાનો નિર્ણય લીધો હતો અને આજે ન્યુઝીલેન્ડ આજ સ્કોરથી તેની ઈનીંગ્સ આગળ ધપાવશે.

ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. વાદળછાયા હવામાન વચ્ચે આ નિર્ણય પાછળ કેન વિલિયમ્સનનો આશય એ રહ્યો હતો કે, વરસાદ પડે અને ડર્ક વથ લુઈસ સિસ્ટમ અમલી બને તો ભારતનો ટાર્ગેટ વધી જાય અંતે તે સાચો પડયો કેમ કે ૪૬.૧ ઓવર બાદ વરસાદનું આગમન થયું હતું જોકે ન્યુઝીલેન્ડની ઈનીંગનો પ્રારંભ અતિ ધીમો રહ્યો હતો. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્ર્વર કુમારે ચુસ્ત બોલીંગ કરતા ન્યુઝીલેન્ડનાં બેટસમેનોને રન લેવા પણ કપરા પડી ગયા હતા. પ્રથમ ૨ ઓવર મેડન રહ્યા બાદ ત્રીજી ઓવરનાં પાંચમાં બોલે ન્યુઝીલેન્ડની ટીમનું ખાતુ ખુલ્યું હતું. પ્રારંભની ૧૦ ઓવરમાં ન્યુઝીલેન્ડ માંડ-માંડ ૨૭ રન બનાવી શકી હતી.

માર્ટીન ગુપ્તીલ માત્ર એક રન કરીને આઉટ થઈ ગયો હતો. ન્યુઝીલેન્ડનાં પ્રથમ ૫૦ રન ૧૪મી ઓવરમાં પુરા થયા હતા. આ ગાળામાં ભારતીય બોલર ધોવાઈ ગયા હતા. જોકે ગુપ્તીલની વિકેટ બાદ કેન વિલિયમ્સન અને હેન્રી નિકોલસે બાજી સંભાળી હતી અને ૧૯મી ઓવર સુધીમાં સ્કોર ૬૯ રન સુધી પહોંચાડયો હતો. રવિન્દ્ર જાડેજા બોલીંગમાં આવ્યો ત્યારબાદ કિવી ટીમનો રનરેટ વધુ પ્રમાણમાં ઘટી ગયો હતો. તેણે જ નિકોલસને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. નિકોલસે ૨૮ રન નોંધાવ્યા હતા ત્યારબાદ વિલિયમ્સન તેની અડધી સદી ૭૯ બોલમાં કરી હતી. ધીમે-ધીમે ટીમની રનગતિ તે વધારી રહ્યો છે. રોઝ ટ્રેલર સાથે મળીને ત્રીજી વિકેટ માટે બંનેએ ૬૫ રન ઉમેર્યા હતા. વિલિયમ્સન ૯૫ બોલમાં ૬૭ રન ફટકારી આઉટ થયો હતો ત્યારબાદ નિસમ અને ટ્રેલર બેટીંગ કરી રહ્યા હતા જોકે નિસમ પણ વધુ ટકી ન શકતા તે જ આઉટ થઈ ગયો હતો. ભારત માટે ભુવનેશ્વર, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે કરકસરયુકત બોલીંગ કરી હતી. તેમણે પ્રતિ ઓવર ૪ થી ઓછા રન આપ્યા હતા.

ભારતીય રમતપ્રેમીઓ માટે આ નિરાશાજનક દિવસ હતો કેમ કે ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી હતી અને તે જીતની સ્થિતિમાં હતી ત્યારે જ હવામાને તેની સાથે રમત રમી હતી. ન્યૂઝીલેન્ડ માટે એક એક રન કરવો અઘરો થઈ પડ્યો હતો. તેઓ ઇનિંગ્સ પૂરી થવાને આરે હતા ત્યાં સુધીમાં માંડ ૨૦૦નો સ્કોર વટાવી શક્યા હતા. નિયમિત સમયે મેચ રમાઈ હોત અને પૂરી થઈ હોત તો ભારતને ખાસ અઘરો ટારગેટ મળ્યો ન હોત. ભારતીય સમય મુજબ સાંજે ૬.૩૦ની આસપાસ વરસાદનું આગમન થયું હતું. લગભગ સાડા ચાર કલાક સુધી રાહ જોયા બાદ મેચ આવતીકાલ પર મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ ગાળામાં ડકવર્થ લૂઇસને આધારે ભારતને કેવો ટારગેટ મળશે તેની ચર્ચાએ રમત કરતાં વધારે જોર પકડ્યું હતું. આયોજકોએ છેલ્લે ૨૦ ઓવરની રમત રમાય તે માટે પણ પ્રયાસ કર્યા હતા જેમાં ભારતને ૧૪૮ રનનો ટારગેટ મળી શકે તેમ હતો પરંતુ હવે બુધવારે ભારતને ૫૦ ઓવરમાં ટારગેટ વટાવવાનો રહેશે. ભારત આજે અધુરી મેચ જીત ફાઈનલમાં પ્રવેશ મેળવી લેશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.