શું ફઝલુર રહેમાન ખાન પાકિસ્તાનની ગાડી પાટે ચડાવી શકશે?

રાજકીય સ્થિરતા માટે વડાપ્રધાન ઈમરાન ખાન સામેના વિરોધના ઝંઝાવાત અને આર્થિક કટોકટીના સમયમાં સરકાર વિરોધી ઝુંબેશનું સુકાન ઉદામવાદી નેતા મૌલાના ફઝલુર રહેમાનને સોંપાયું

પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની સરકાર વિરુધ્ધ પ્રવર્તતા વિરોધ વંટોળ વચ્ચે પાકિસ્તાનના ફાયર બ્રાન્ડ ધાર્મિક નેતા અને રાજદ્વારીની બેવડી છાપ ધરાવતા મૌલાના ફઝલુર રહેમાનને પાકિસ્તાન ડેમોક્રેટીક મુવમેન્ટ પીડીએમનું નેતૃત્વ તમામ વિપક્ષોએ એક સાથે મળીને સોંપતા ફઝલુર રહેમાન ઉપર પાકિસ્તાનની ગાડી પાટે ચડાવવાની એક વિશિષ્ટ જવાબદારી આવી ગઈ હોય તેવું ચિત્ર ઉભુ થયું છે.

શનિવારે વિપક્ષોની બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને પીપીપીના બિલાવર ભુટ્ટો ઝરદારી, અખતર મંગલ સહિતના નેતાઓ જોડાયા હતા. પીડીએમના અશરફ ઈકબાલે વડાપ્રધાન નવાઝ શરીફના રહેમાનના નામની દરખાસ્તને ટેકો આપ્યો હતો. શરીફે આ નેતૃત્વ માટે ફઝલુર રહેમાનને યોગ્ય ગણાવ્યા હતા. જો કે, બિલાવર અને અમીર હૈદરે આ નામ પાછળ કેટલાક કારણોસર વિરોધ નોંધાવ્યો હતો.  તમામ નેતાઓએ નક્કી કર્યા મુજબ ફઝલુર રહેમાનને પીડીએમના નેતૃત્વના પ્રથમ અધ્યાય માટે પસંદ કરીને સરકાર વિરોધી દેખાવો અને તહેરીકે ઈન્સાફ વિરુધ્ધ ગયા વર્ષે યોજાયેલા સફળ દેખાવોમાં મૌલાનાએ અસરકારક નેતૃત્વ કર્યું હતું. ફઝલુર રહેમાનને સરકાર વિરુધ્ધ સંગઠનનું નેતૃત્વ ઓછામાં ઓછુ છ મહિના સુધી આપવાનું નક્કી કર્યું છે. ૧૧ પક્ષના આ સંગઠનના સચિવ ઈકબાલે જણાવ્યું હતું કે, વિપક્ષે બંધારણ બચાવ, લોકતંત્ર, સ્વતંત્ર્તા અને પાકિસ્તાનીઓના અધિકારના રક્ષણ માટે એક ઝુંબેશ શરૂ કરી છે. શરીફ સામે ૧૯૯૮માં ભારતમાં અણુ પરિક્ષણ અને ત્યારબાદ ઉભી થયેલી આંતરરાષ્ટ્રીય દબાણની પરિસ્થિતિ માટે જવાબદાર ગણવામાં આવ્યા છે.

૨૦ સપ્ટેમ્બરે મોટાભાગના વિપક્ષ નેતાઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં દેશ વ્યાપી સભાઓ, દેખાવો અને રેલીઓ યોજી જાન્યુઆરી ૨૦૨૧માં ઈસ્લામાબાદ સામે જબ્બર જન મોરચો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફઝલુર રહેમાનને ઉદામવાદી નેતા અને લોકોને એક સાથષ રાખીને કોઈપણ પ્રશ્ર્નના ઉકેલ માટે નેતૃત્વ માટે સમર્થ માનવામાં આવે છે. વિપક્ષના નેતાએ જાહેર કર્યું હતું કે, તમામ વિપક્ષો સાથે મળીને અવિશ્ર્વાસ પ્રસ્તાવ અને સંસદમાંથી સામૂહિક રાજીનામા જેવા કાર્યક્રમોના માધ્યમથી બેસાડી દેવાયેલા વડાપ્રધાનના રાજીનામાની માગણી કરશે અને બેસાડી દેવાયેલી વ્યક્તિની રાજકીય દખલગીરીનો અંત લાવવામાં આવશે.

સર્વવિપક્ષી સંગઠન દ્વારા ૨૬ મુદ્દાના મુસદાની જાહેરાત કરી વિવિધ માંગણીઓ મુકી છે જેમાં સ્થાપિત હિતો દ્વારા રચવામાં આવેલા રાજકારણને પૂરું કરવું. નવા મુક્ત અને નિસ્પક્ષ ચૂંટણી નવા ચૂંટણી સુધારાઓ અને ચૂંટણીમાં સૈન્ય દળોની કે ગુપ્તચર એજન્સીની દખલગીરી ન થવી જોઈએ અને રાજદ્વારી કેદીઓ અને પત્રકારોની મુક્તિની માંગ કરવામાં આવી છે. રાષ્ટ્ર વ્યાપી ધોરણે આંતકવાદી વિરુધ્ધી એકશન પ્લાન, ચીન-પાકિસ્તાન ઈકોનોમીક કોરીડોરની ઝડપ અને સીમા પારના સંબંધોમાં નવી કાયદાકીય જોગવાઈઓ લાવવા માંગ કરી છે.

પાકિસ્તાનની સરકાર અને ખાસ કરીને ઈમરાન ખાનના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર આર્થિક-સામાજિક અને રાજદ્વારી રીતે સાવ ખાડે ગયું હોય તેવો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે પીઢ અને પાયાના નેતા તરીકેની છાપ ધરાવતા ફઝલુર રહેમાનને સરકાર વિરોધી મોરચાનું નેતૃત્વ આપીને જે રાજકીય તખતો ઉભો કરવામાં આવ્યો છે તે જોતા શું ફઝલુર રહેમાન પાકિસ્તાનની ગાડી પાટે ચડાવી દેશે તેવું પ્રશ્ર્ન ઉભો થયો છે.

Loading...