Abtak Media Google News

આપણા ઉપદેશકો વિદેશોમાં ઉપદેશની નિકાસ કરીને કાંઈકને કાંઈક કમાય અને આપણા જ દેશમાં સંસ્કૃતિ કચ્ચરઘાણ!

આપણા દેશમાં દૈત્યો સામે લડાઈ અને એમને તે જયાં જયાં હોય ત્યાંથી શોધી શોધીને પૂરેપૂરા હણવાનો મમિ ગાવાનું અને શિવશકિતના તમામ જરૂરી માર્ગો ખૂલ્લા કરવાનો બોધ આપતું નવરાત્રિ-શકિતપૂજાનું પર્વ ઉજવાઈ રહ્યું છે. આખા દેશમાં એને લગતો જબરો થનગનાટ અને ઉત્સાહ પ્રવર્તે છે. આ આપણા સમાજ માટે શુભ ચિહ્ન છે. પરંતુ આપણી ઉગતી પેઢી ગાંજાની હેરાફેરીના રવાડે ચઢવાની અણગમતી વાત પ્રકાશમાં આવી છે, એ તો અમંગળ એંધાણ જ છે.

આપણી સંસ્કૃતિ આટલી હદે કચ્ચરઘાણ થઈ છે. એટલી હદ સુધી ન રાજસત્તાને કે ન ધર્મસત્તાને ગંભીર નથી લાગી એ તો ‘વિનાશ’ની ચાડી ખાય છે. ગાંજાની આ પ્રક્રિયા ‘ઉધઈ’ના ફેલાવા પૂર્વેની પ્રક્રિયા જેવી જ છે.

આપણા એક ઉચ્ચસ્તરના કવિ, જેમણે ‘તારી આંખનો અફિણી, તારા બોલનો બંધાણી’ જેવું લોકપ્રિય ગીત લખ્યું છે. તે શ્રી વેણીભાઈ પૂરોહિતે આપણી અહીં દર્શાવેલી સ્થિતિગતિનું આબેહુબ દર્શન કરાવતી કવિતા લખી છે.

‘બાપદાદાની બાંધેલ ડેલી,

એક ફળીબંધ હોય હવેલી,

ગામની ચંત્યા ગોદરે મેલી,

એ..ય નિરાંતે લીમડા હેઠે,

ઢોળિયા ઢાળી

સહૂ સૂતા હોય અમે કાં લાગે?

આપણામાંથી કોક તો જાગે…

ગાંજાની હેરાફેરીનો પગ પેસારો, અને તે પણ કોલેજના વિદ્યાર્થી યુવકો દ્વારા, જબરી બેકાળજી અને બેધ્યાનીનો ઈશારો કરે છે !

આ વાત આટલેથી જ અટકી જતી નથી સંસ્કૃતિના કચ્ચરઘાણની સાથે આ દેશની યુનિવર્સિટીઓ અને વિદ્યાલયો વંઠુ વંઠુ થવાના આરે ઉભા છે. આઝાદી મેળવવા મહાત્મા ગાંધીએ અહીં વિદેશી મલની હોળીઓ કરાવી હતી આઝાદી પછી અહી વિદેશી માલ અને વિદેશી ચીજવસ્તુઓ રીતસર ઉભરાય છે. આઝાદી પૂર્વેના અને તે પછીના સંસ્મરણ અને આજની સ્થિતિ વચ્ચે જબરો વિરોધાભાસ છે.

કેળવણીકારો હિન્દી અને સંસ્કૃતનો મહિમા ગાતા હતા. આજે અંગ્રેજી ભાષા કડકડાટ, શિખવવાનું જાહેર કરીને કેળવણી પ્રધાન ગૌરવ અનુભવે છે. આ અગાઉ સાડી સ્ત્રીનો શણગાર હતો લજજા અને મર્યાદા નારીના આભુષણ હતા કપાળ પર બિન્દી અને સેંથીમાં કુમકુમ એમની આગવી ઓળખાણ હતી આજે જીન્સ અને ટોપ એનું સ્થાન લઈ ચૂકયા છે. બિન્દી જતી રહેવાના આરે છે.સેંથીમાં કુમકમને નિલાંજલી અપાઈ છે.

જૂના જમાનામાં ખેતરો જીવંત હતા. આજે ખેતરોમાં ઉદ્યોગોનાં વાવેતર થયા છે. ત્રાસવાદનું નામનિશાન નહોતુ અને ભ્રષ્ટાચાર આજની જેમ બેકાબુ અને નગ્ન બન્યો નહોતો.

એક સમયના મહિલા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ફેનીબહેન દેસાઈનું કહેવું છે કે આપણા દેશનો વિનિપાત આપણી ઉગતી પેઢીના સાંસ્કૃતિક વિનિપાતને કારણે તો થશે જ, તદુપરાંત દેશ પ્રેમ અને સામૂહિક જીવનની શિક્ષણમાં ગેરહાજરીને લીધષ પણ થઈ શકે છે. રાષ્ટ્રીય ચારિત્ર્યને પોષતુ શિક્ષણ કયાં છે ? આજનું શિક્ષણ એ શિક્ષણ છે. ખરૂ..? કયાં છે આજે એ રાષ્ટ્રીય એકતા….? કયાં છે એ સામુહિક જીવન ઘડતર…? કયાં છે એ સમાજ શિક્ષણ કે જેનાથી બાળકનું જ્ઞાન વધે છે.. કયાં છે એ શ્રમ કે જેનાથી બાળક સ્વતંત્ર, નીડર બને છે. અને જીવનનું મૂલ્ય સમજે છે…?

આપણો દેશ અત્યારે જબરા પરિવર્તનના આરે ઉભો છે. આખા દેશમાં જબરી ઉથલપાથલ મચાવી શકે એવું આ પરિવર્તનનું સ્વરૂપ હોઈ શકે !

ગાંજાની હેરાફેરીનાં રવાડે ચઢવા સુધી પહોચેલા ઉગતી પેઢી કેવી નીવડશે એના ઉપર હવે પછીનાં પરિવર્તન અને બદલાવની ફલશ્રુતિઓનાં સ્વરૂપ રહેશે.

ગાંજા આપણા જોગમાયાઓએ રણમાં રોળેલા દૈત્યો અને અસુરો પેદા કરી શકે. નશાખોરી આપણી ઉગતી પેઢીને નપુંસક બનાવી શકે અને તે દેશમાં વિનિપાત સર્જી શકે.

હવે વેણીભાઈ પૂરોહિતે તેમની કવિતામાં લખ્યું છે તેમ કોઈકે તો જાગવું જ પડશે અને વિલંબ વિના જાગવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.