Abtak Media Google News

વ્યભિચાર પર ૧૫૭ વર્ષ જૂના કાયદાની સમીક્ષા થશે કેન્દ્રને નોટિસ

વ્યભિચારના મામલાઓમાં માત્ર પૂરૂષોને સજા કરવા સાથે સંબંધીત ૧૫૭ વર્ષ જૂના કાયદાની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ ગઈ છે.

કોર્ટ કેન્દ્ર સરકારને નોટીસ જારી કરીને ૪ સપ્તાહમાં આ બાબતે જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું કે જયારે જીવનના દરેક ક્ષેત્રે મહિલાઓ પૂરૂષોની સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે. તેમને સમાનતાનો અધિકાર છે. તો આ કેસમાં અપવાદ કેવી રીતે રાખી શકાય.

નોંધનીય છે કે જો કોઈ પૂ‚ષ કોઈ પરિણીત મહિલા સાથે તેના પતિની સહમતી વગર સંબંધ બનાવે છે. તો એ આઈપીસીની કલમ ૪૯૭ હેઠળ અપરાધ છે. એવું કરનારા પૂરૂષને ૫ વર્ષ સુધીની સજા થઈ શકે છે. મહિલા સામે કોઈ કાર્યવાહી થતી નથી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીમાં મહિલાઓ માટે પણ સજાની જોગવાઈની માગણી કરવામાં આવી છે.

ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની બેંચે સરકારને પૂછયું કે વ્યભિચારમાં સમાન રીતે ભાગીદાર મહિલાને સજા કેમ કરાતી નથી. કોર્ટે આ જોગવાઈને પણ વાહિયાત ગણાવી જેમાં કહેવામાં આવ્યું છે કે મહિલા પતિની સહમતી કે મૌન સહમતિથી અન્ય કોઈની સાથે સંબંધ બનાવે તો અપરાધ થતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.