Abtak Media Google News

હોટલો બે મહિનાથી બંધ હાલતમાં: ભાડા, વ્યાજ, હપ્તા અને લાઈટ બિલો ચડી જતા હોટેલધારકોની માઠી

હોટલોને શરૂ કરવાની મંજુરી અપાશે તો પુરતી તકેદારી રખાશે સૌરાષ્ટ્ર-કચ્છ હોટલ ઓનર્સ એસો.ની કલેકટરને રજૂઆત

લોકડાઉનમાં હજુ હોટેલ ઉધોગને છુટછાટ મળી ન હોવાથી આ ઉધોગને માઠી અસર પહોંચી છે. નાની હોટલોને લાખો તેમજ મોટી હોટલોને કરોડોનાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હકિકતમાં હોટેલોમાં ભીડ થવાની કોઈ શકયતા રહેતી નથી માટે તકેદારી સાથે હોટેલો શરૂ કરવા દેવામાં આવે તેવી માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ હોટેલ ઓનર્સ એસો. દ્વારા કલેકટરને સંબંધોની મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છ હોટેલ ઓનર્સ એસો.નાં પ્રમુખ દિલીપ પટેલ, દશરથ વાળા, પ્રકાશ રાજપુરોહિત, શ્રેયસ વેગડ, નટુભાઈ, હિમાંશુ મહેતા સહિતનાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઈમેલથી તથા કલેકટરનાં માધ્યમથી ગુજરાતના હોટલ ઉધોગ મૃતપાયમાં કરોડો રૂપિયાનું રોકાણ કરનારના હપ્તા તથા વ્યાજ ચડત થયેલ હોય લોકડાઉન-૪માં જેવી રીતે અન્ય રોજગારને ખોલવાની છુટ આપી તેવી રીતે હોટેલો શરૂ કરવા છુટ આપવા રજુઆત કરેલ છે. તેઓએ જણાવ્યું છે કે, ભારતના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુજરાતમાં પ્રવાસન ઉધોગને વિકસાવવાની શરૂઆત કરેલને પ્રવાસન માટેના સાસણ, ગીર, કચ્છનું રણ, ધાર્મિક સ્થળો દ્વારકા, સોમનાથ, અંબાજી સહિતનાં તમામ સ્થળોએ વધુને વધુ પ્રવાસન વિકસે તે માટે સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા જાહેરાતો કરાવી અને જે-તે સમયે માત્ર પ્રવાસન નિગમનાં ચેરમેન તરીકે હાલ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નિમણુક કરી ગુજરાતના અનેક સ્થળોએ કરોડો રૂપિયા આપી સરકારે સ્થળોને વિકસાવેલ હતા.

આ પ્રયાસથી અન્ય રાજયોમાંથી અને વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ગુજરાતમાં આવી ગુજરાતના વિકાસની હરણફાળ ભરેલ હતી. મોદીજીએ પ્રવાસી ટુરીઝમ સ્થળોને વિકસાવવાની સાથે હોટેલોને પણ વિજળી, ટેકસમાં રાહત આપી ટુરીઝમ વિકસાવેલ હતો અને બહારથી આવનારા લોકો માટે દારૂબંધી હળવી કરી અને ગુજરાતમાં વાઈનશોપોને મંજુરી આપેલ હતી. સમગ્ર ગુજરાતમાં હોટેલ ઉધોગ ઠપ્પ થયેલ છે અને ભાડા, વ્યાજ, હપ્તા, લાઈટ બીલો ચડી ગયા છે. હોટેલ ઉધોગને ખોલવાની મંજુરી આપવાથી કોરોના વાઈરસ ફેલાઈ શકતો નથી કારણકે એક રૂમમાં માત્ર ૧ અથવા ૨ વ્યકિતઓ જ હોય છે. ૨૦ થી ૨૫ રૂમવાળી હોટેલમાં માત્ર ૨૦ થી ૨૫ પ્રવાસીઓ જ ઉતરી શકે છે તેના કરતા દુકાનો પર વધુ ભીડ જોવા મળી રહેલ છે. હોટેલ રહેવાની છે રેસ્ટોરન્ટ નથી રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં એક સાથે લોકો ભેગા થાય છે રહેણાંક હોટેલોમાં થતા નથી.

વડાપ્રધાન તથા ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા મુખ્યમંત્રીએ આ સમગ્ર હકિકત ધ્યાને લઈ અને ફરીથી પ્રવાસન ઉધોગ વિકસે અને મોટી સંખ્યામાં ગુજરાતમાં અન્ય રાજયો, વિદેશથી લોકો આવી ગુજરાતના અર્થતંત્રને મજબુત કરે તે માટે પણ નિર્ણય કરવા રજુઆત કરી છે. હોટેલ ઉધોગમાં અનેક લોકોની રોજીરોટીના પ્રશ્ર્ન હોય જે ધ્યાને લઈને પણ ગુજરાતમાં આગામી દિવસોમાં હોટેલો ખોલવાની પરવાનગી આપવા ગુજરાતમાં છુટ આપવા હોટેલ એસો.નાં ગજેન્દ્રસિંહ રાઠોડ, ભરત કોટક, અશોક ચૌહાણ, સૌમીલ પટેલ, સતિષભાઈ, વિવેક પરમાર, જીતુભાઈ કોટેચા, વિમલ વેકરીયા, જગદીશ ચૌધરી, મનોજભાઈ રાજદેવ, શિવકુમાર, કેતન રાજપુરોહિત, નિલેશભાઈ કિર્તીભાઈ શાહ, પ્રવિણભાઈ સહિતના જોડાયેલ હતા.

હોટલ સંચાલકો પૂરતી તકેદારી રાખવા તૈયાર

હોટેલ સંચાલકોએ જણાવ્યું છે કે જો સરકાર દ્વારા હોટેલ ઉદ્યોગ શરૂ કરવાને છૂટ આપવામા આવે તો હોટેલ સંચાલકો કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પૂરતી તકેદારી રાખવા તૈયાર છે. હોટેલના કર્મચારીઓ માસ્ક, ગ્લોઝથી સજજ રહેશે અને સમયાંતરે આખી હોટેલને સેનેટાઈઝ કરવામાં આવશે. આમ હોટેલમાં પૂરતી તકેદારી રખાશે અને ગ્રાહકોને ચેપ ન લાગે તેની પૂરતી તકેદારી રખાશે.

હોસ્પિટલનાં કામથી બહારથી આવતા લોકોને રહેવું કયા? મોટો પ્રશ્ન

મોટા શહેરોમાં હોસ્પિટલમા સારવાર માટે આવતા દર્દીનાં પરિવારજનોને હાલ રહેવાની સમસ્યા સતાવી રહી છે. દર્દીને હોસ્પિટલમાં દાકલ કર્યા બાદ તેના પરિવારજનોને રોકાવું કયા તે મોટો પ્રશ્ર્ન છે. આ ઉપરાંત હવે એક જીલ્લામાંથી બીજી જીલ્લામાં જવા માટેની છૂટછાટ પણ આપવામાં આવી છે.ત્યારે ધંધા રોજગાર કે અન્ય કોઈ કામ સબબ બહારથી આવતા લોકો માટે પણ રોકાવાનો પ્રશ્ર્ન ઉભો થયો છે. આ માટે હોટેલને પણ અનેક ઈન્કવાયરીઓ મળી રહી છે.પરંતુ હોટેલ સંચાલકોને પણ લાચાર બનીને લોકોને હાલાકીમા જોવાનો વારો આવ્યો છે. જેથી હોટેલો ચાલુ થાય તેવી પ્રબળ માંગણી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.