પોલીસ કર્મચારીઓનાં આપઘાત પાછળ જવાબદાર કોણ ?

સંવેદનશીલ સરકાર અને ઉચ્ચ અધિકારીઓને કયારે સમજાશે પોલીસકર્મીની વેદના ? ઘર પરિવારની ચિંતા કર્યા વગર પ્રજાનાં જાનમાલનું રક્ષણ કરતો પોલીસની વ્યથા રજુ કરનાર છે કોઈ યુનીયન કે માનવ અધિકાર પંચ ?

ડિસીપ્લીન ફોર્સ તરીકે ગણાતી ગુજરાત પોલીસમાં હાલ પોલીસ કર્મીઓ ડીપ્રેસનમાં આવી આપઘાત કરી લેવાનાં બનાવ વધતા પોલીસ બેડામાં ચિંતાનાં વાદળો છવાયા છે. પ્રજાનાં જાનમાલનું રક્ષણ કરતી પોલીસની વેદના ઉચ્ચ અધિકારીઓ અને સંવેદનશીલ સરકારનાં ધ્યાને કયારે આવશે અને પોલીસની વેદના કયારે સમજાશે તે અંગે કોઈ ખ્યાલ આવતો નથી. પોલીસની મુળ ફરજ પ્રજાની રક્ષા અને તેઓનાં જાનમાલનું રક્ષણ કરવાના બદલે હાલ તહેવારો અને વીવીઆઈપીનાં બંદોબસ્તનાં કારણે કામનું ભારણ અને ઉચ્ચ અધિકારીનું કામ માટેનું પ્રેશર, ટોચરીંગનાં કારણે પોલીસ કર્મીને આપઘાતની ફરજ પડે છે તેઓ આપઘાત માટેનું હાથવગુ હથિયાર એટલે પોતાની સર્વિસ રીવોલ્વરથી આપઘાત કરે છે.

ગુજરાતમાં જો કોઈ પોલીસ કર્મી ભ્રષ્ટાચાર કરતા ઝડપાઈ કે કોઈ અન્ય કારણોસર વિવાદમાં આવેલા લોકો સોશિયલ મિડીયા મારફતે બેફામ લવારા કરી રહ્યા હોય છે. દેશની સરહદે લોકોની સુરક્ષા માટે આર્મીનાં જવાનો તૈનાત છે અને તેની સામે શત્રુઓને તેઓ દેખાતા હોવાથી તેઓ લડી શકે છે પરંતુ તેનાં કરતા દેશમાં છુપાયેલા શત્રુ (ગુનેગારો)ને તો પોલીસને શોધવા પડે છે અને આવા ગુનેગારોથી પ્રજાને પોલીસ રક્ષણ આપે છે. દેશનાં અન્ય રાજયો કરતા ગુજરાત રાજયમાં ૧૬૦૦ કિમીનો વિશાળ દરિયાકિનારો છે. દેશનાં ૧૦ મહાબંદરો પૈકીનું પ્રથમ બંદર ગુજરાત છે. ગુજરાત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદની નજીક હોવાનાં કારણે અતિ સંવેદનશીલતાનાં કારણે પોલીસને સતત એલર્ટ અને ચોકનુ રહેવુ પડે છે. તહેવારો, વીવીઆઈપી બંદોબસ્ત, રાજયમાં સર્જાયેલી અન્ય વિકટ પરિસ્થિતિ સહિતની અનેક પ્રકારની મુશ્કેલીઓ નિવારવા પોલીસ સક્રિય બની સતત પ્રજાની રક્ષા માટે ખડેપગે રહે છે.

પોલીસ જવાન સવારે ઘરેથી નિકળ્યા બાદ તે કયારે ઘરે પરત ફરશે, કે તે કયારે જમશે તે તેને પણ ખ્યાલ નથી હોતો. પરિવારને એકલા મુકી પોલીસ જવાનો પ્રજાની દેખરેખ અને સલામતી માટે તત્પર રહે છે. આવા સંજોગોમાં પોલીસ પરિવારનાં કોઈ સભ્ય બિમાર પડે તો પણ તે નોકરીનાં કારણે સમય આપી શકતા નથી અને પોતાની ફરજ તરફ સંપૂર્ણ વફાદાર રહી લોકોની શાંતી અને સલામતી માટે ખડેપગે રહે છે. પોલીસની આ વેદના કેમ કોઈનાં ધ્યાને આવતી નથી. બીજી બાજુ એક સર્વે પ્રમાણે ગુજરાતમાં ભરતી ન કરવામાં આવતા સ્ટાફની અછતનાં કારણે પોલીસ કર્મચારી પર કામનું ભારણ વધારે હોય છે. પોલીસની અસલ ફરજનાં સમયગાળા દરમ્યાન હાલ તહેવારો અને રાજકારણીઓનાં બંદોબસ્તમાં ૭૦ ટકા જેટલો સમય પસાર થઈ જાય છે અને બાકી રહેતો સમય ૩૦ ટકા સમાજમાં વિના ગુનાઓની તપાસમાં જાય છે.

જેથી પોલીસ જવાન પોતાના પરિવારને સમય ફાળવી શકતા નથી. સમય જતા તે પોતાના સાંસારીક જીવનથી પણ દુર થતા જાય છે. વર્ષ દરમ્યાન જેટલા તહેવારો નથી એટલા તો રાજકારણીઓનો સભાનો બંદોબસ્ત કર્યો છે અને નેતાઓના આમંત્રણનાં બંદોબસ્ત કરતા રહે છે જેના કારણે રાજયનાં ૩૦ થી ૪૦ ટકા પોલીસ જવાનો ડાયાબીટીસ અને હાઈ-બ્લડપ્રેશરની બિમારીનો શિકાર બન્યા છે. તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ પણ પોલીસ જવાનોની મુશ્કેલીઓનો કોઈ નિવાડો નથી આવતો સતત બંદોબસ્ત અને કામનાં ભારણનાં કારણે ડિપ્રેશનમાં આવી નાછુટકે પોલીસકર્મીને આપઘાત કરવાની ફરજ પડે છે. અગાઉ ડિપ્રેશનમાં આવીને વડોદરાનાં પીએસઆઈ અને વડાપ્રધાનનાં બંદોબસ્ત દરમ્યાન કેવડીયા ખાતે પીએસઆઈએ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. કોઈપણ કંપનીમાં ૧૦૦ માણસો કામ કરતા હોય ત્યાં પણ યુનિયન હોય છે અને કર્મચારીઓને થતા અન્યાય સામે લડત આપે છે પરંતુ પોલીસની વેદના ઉચ્ચ અધિકારીઓકે સરકાર કયારે સમજશે ? પ્રજા માટે ખડેપગે રહેલા પોલીસ જવાનોની વ્યથા રજુ કરનાર છે કોઈ યુનિયન ? અન્ય લોકો માટે ન્યાય મેળવવા માટે માનવ અધિકાર પંચ છે તો પોલીસ માટે છે કોઈ માનવ અધિકાર પંચ ? કે પછી પોલીસ કર્મી માનવીની વ્યાખ્યામાં જ આવતા નથી?

Loading...