Abtak Media Google News

મુંખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ માનીતા એવા રાજકોટ પાસેના સૂચિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટ આડેના તમામ અવરોધો દૂર થઈ ગયા છે. પ્રોજેક્ટ ઝડપથી શરૂ કરવા માટે જેની ભારે આતુરતાથી રાહ જોવાતી હતી તે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે.

બુધવારે મળેલી રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં આ ઉલ્લેખ થયો હોવાનું જાણવા મળ્યું છે. હવે નજીકના દિવસોમાં જ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડા પ્રધાન મોદીના હસ્તે થશે. મુંખ્યમંત્રીની કર્મભૂમિ રાજકોટ શહેરથી ૨૦ કિલોમીટર આ નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ આશરે રૂ.પાંચ હજાર કરોડના ખર્ચે સર્જાશે. રાજકોટ જિલ્લાના હીરાસર ગામ અને સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના દોસલીદુના, લોમાકોટડી અને ગારિડા ગામોની કુલ ૨૭૦૦ એકર જમીન ઉપર આ એરપોર્ટ બનશે,

જેમાં મોટા ભાગની જમીન સરકારી માલિકીની છે. ફક્ત ૩૫ એકર જેટલી જમીન ખાનગી માલિકીની છે, જે ૯ ખેડૂતો પાસેથી સંપાદિત થશે. આ પ્રોજેક્ટમાં ૧૫૦૦ એકર જેટલી જમીન જંગલની છે. સૂત્રો કહે છે કે, આ પ્રોજેક્ટ માટે જરૂરી એવી પર્યાવરણીય, વનમંત્રાલયની, એરપોર્ટ ઓથોરિટીની, ફનલ રૂટ અંગેની તેમજ એરફોર્સની એમ તમામ પ્રકારની મંજૂરીઓ ખૂબ જ ટૂંકા સમયમાં મળી ગઈ છે. ઓગસ્ટના પ્રારંભે પ્રોજેક્ટના સૂચિત વિસ્તારમાં જનસુનાવણી યોજાઈ હતી, તેમાં પણ સ્થાનિક લોકોએ મહદંશે આ પ્રોજેક્ટને આવકાર્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.

સૂત્રો એમ પણ કહે છે કે, અમદાવાદથી સાઈઝની દૃષ્ટિએ મોટા એવા આ નવા ઈન્ટરનેશનલ એરપોર્ટથી સૌરાષ્ટ્રની પ્રજાને મોટો ફાયદો થનારો હોઈ રાજ્ય સરકાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ઝડપથી પ્રોજેક્ટનું કામ શરૂ કરવા ભારે ઉતાવળ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.