Abtak Media Google News

બરાબર ૧૧૯ વર્ષ પહેલાની ઘટના….

છપ્પનિયો દુકાળવિકરાળ દુકાળકાળઝાળ દુકાળ….

આ બે શબ્દો સાંભળતાંની સાથે જ આજે પણ ગુજરાતની વયસ્ક પ્રજા કંપી ઊઠે છે. પોતાના મા-બાપો અને બુઝર્ગો પાસેથી આ દુકાળ વિશે તેમણે જે કાંઇ જાણ્યું તેના ઉપરથી તેમને છપ્પનિયા દુકાળ વખતે ગુજરાતની પ્રજાએ વેઠેલી દારૂણ યાચનાઓનો ખ્યાલ આવ્યો હતો અને એવી પ્રતીતિ થઇ હતી કે આવી કઠોર અને અસહ્ય વેદના છપ્પનિયા બાદ આજ સુધીમાં કયારેય વેઠી નથી.

ઇ.સ. ૧૮૯૯-૧૯૦૦ ના વર્ષોમાં, એટલે કે વિક્રમ સંવત ૧૯૫૬માં એ દુકાળ પડયો હતો. છપ્પનિયા દુકાળને ૧૧૯ વર્ષ પૂરી થયા એનિમિતે ટાઇમ્સ ઓફ ઇન્ડિઆની લાઇબ્રેરીમાં જઇને સો વર્ષ જુના અંકોમાંથી છપ્પનિયા દુકાળ વિષે ઊંડી જાણકારી મેળવવાનો ખ્યાલ ઉપસ્યો હતો.

આવો એક અહેવાલ ગુજરાતના દાહોદ નગરની મુલાકાત બાદ એફ.સી. એલ્ડ્રિઅ નામના પત્રકારે ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના ૧૧ મે, ૧૯૦૦ ના અંકમાં લખ્યો હતો. દાહોદના સ્ટેશન માસ્તરે રાહત કામગીરીની અને દુકાળે સર્જેલી પ્રચંડ ખાનાખરાબી સંબંધી જે માહિતી એકત્ર કરી હતી તેની ભયાનકતાનું વર્પન થઇ શકે તેમ નથી. આખા ભારતમાં કોઇ જગ્યાએ આવી હ્રદયદ્રાવક સ્થિતિ નહોતી…!

ધારી ધારીને જોયું ત્યારે ખબર પડી કે એ ટોળામાંના કેટલાક લોકો મરી ચૂકયા હતા. બીજા એક ટોળે વળીને બેઠેલા લોકોમાં ઘણા બધા લોકો મરવાના વાંકે જ જીવતા હોય એમ તરફડતા હતા. આખા ગામમાં સન્નાટો હતો. લોકોની હાજરી છતાં ગામમાં ફૂંકાઇ રહેલા પવન સિવાયનો કોઇ અવાજ નહોતો સંભળાતો ધૂળની ડમરીઓ ઊડી રહી હતી. ટોળામાંથી કોઇ વ્યકિત મૃત્યુ પામતી ત્યારે તેને દૂર કરવામાં કોઇને રસ નહોતો.

કેટલાયને રાહત સહાય મળી નહોતી. એમાંથી કોઇ કોઇ તો છાતી કૂટતી હતી, છાજિયા લેતી હતી અને માંથા કૂટતી હતી. ત્યાંથી એક  માઇલ દૂર આવેલી નદીએ રેતીના પટમાં સ્ત્રીઓની બિહામણી લાશો પડી હતી. કૂતરાં એને બટકાં ભરતાં હતાં. ગીધડાં લોહીમાંસ માટે લાશોની ખેંચા ખેંચી કરતા હતા. આવા બિહામણા દ્રશ્યો વચ્ચેય એક લોહી લોહાણ છોકરી તેના ભાઇને બચાવવાની મથામણ કરતી હતી અને ચીસોટ સાથે ચિચિયારી કરી હતી.

એક ઠેકાણે મા-દીકરીની લાશ એકબીજાને ભેટતી હોય એવી રીતે એક બીજા ઉપર ફેંકાયેલી નજરે પડતી હતી.‘ટાઇમ્સ’ ના છપ્પનિયા દુકાળ સંબંધી અહેવાલમાં ૧૯૦૧ ની વસ્તી ગણતરીમાં ૧૮૯૨ થી ૧૯૦૧ લાખ લોકોને આ કાળમુખો દુકાળ અતિ ક્રૂર રીતે ભરખી ગયો હતો.

છપ્પનીયા દુકાળ વખતે ઝૂંપડા મકાન ઘરબારના કાટમાળમાંથી લાંકડા કાઢીને તેના વડે લાશોને અગ્નિદાહ અપાયા હતા, તે પણ સામૂહિક !ઘણા બધા હિન્દુઓના મૃતદેહ દાટી દેવામાં આવ્યા હતા.છપ્પનિયા દુકાળનો પંજા છેક મહારાષ્ટ્ર તથા કર્ણાકટના કેટલાક વિસ્તારોમાં પણ ફેલાયો હતો.

અહીં સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે, ગોંડલના મહારાજાએ આ ભયાનક દુકાળ દરમ્યાન અસરગ્રસ્તોની વ્હારે ચઢીને તેમને સહાય કરવાની જાણે હરિફાઇ કરી હતી અને આખું હિન્દુસ્તાને તથા વિદેશોએ જેની નોંધી કરવી ન પડે એવી પ્રજાપ્રિયતા દાખવી હતી.અત્રેએ વાતની વિશેષ નોંધ લેવી પડે કે, કાઠિયાવાડના ગોંડલ સ્ટેટના પ્રજાપ્રિય રાજવી મહારાજા ભગવતસિંહજીનું નામ ‘પ્રજાવત્સલ રાજવી’ તરીકે ઇતિહાસમાં આજે પણ અજર અમર છે.

ઇ.સ. ૧૯૦૦ માં છપ્પનિયો દુકાળ પડયો તે સમયે શ્રી ભગવતસિંહજીની ઉમર ૩પ વર્ષની હતી. આ દુકાળને વખતે પોતાના રાજયની પ્રજાને અને પશુઓને ઓછામાં ઓછી હાડમારી ભોગવવી પડે એ રીતેનો કાબિલેદાદ વહિવટ તેમણે ચલાવ્યો હતો. તમામ અધિકારીઓને રાહત કાર્યો કરવાની ફરજ પાડી હતી.દુકાળ વખતે ભૂખમરાથી એકપણ પ્રજાજનનું મોત ને નીપજયું એ એમની વહિવટી દુરંદેશીનો ચમત્કાર દાખવે છે.

મહારાજા ભગવતસિંહજી અને રાણી સાહેબે પોતાની અંગત સંપત્તિમાંથી મોટી રકમનું દાન કર્યુ હતું. અને પ્રજાને એટલે હદે મદદ કરી હતી કે પ્રજાએ તેમની પ્રશંસા કરીને તમના સ્વાસ્થ્ય અને લાંબા વહીવટી કાર્યોમાં સફળતાના આશીર્વાદ પણ આપ્યા હતા.છપ્પનિયા દુકાળ તેની ભયાનસ્તા માટે અને ભગવતસિંંહજીના પ્રજાની ભિમુખ શાસન માટે ઇતિહાસમાં યાદગાર બનશે ?

બાકી તો, આપણા દેશમાં અત્યારે દેશદાઝનો છપ્ણનિયો દુકાળનું સ્મરણ કરાવે તેવો દુકાળ પડયો છે, હ્રદય-મનની નિર્મળતાનો દુકાળ પડયો છે. મતિશુઘ્ધતાનો દુકાળ પડયો છે, કરોડો ગરીબોની કારમી ગરીબાઇને વિલંબ વિના નેસ્તીનાબુદ કરવાની વિસક્ષણતાનો દુકાળ પડયો છે. ગોંડલના મહારાજાની પ્રજાલક્ષી, સમાજલક્ષી અને માતૃભૂમિ લક્ષી નીતીરીતીનો દુકાળ પડયો છે. પ્રમાણિકતાનો અને પવિત્રતાનો દુકાળ પડયો છે. ઉમદા રાજનેતાઓનો, ઉચ્ચતમ વિદ્યાપતિઓનો, અને સારા શુરાઓનો દુકાળ પડયો છે.

રાષ્ટ્રીય ચારિત્ર્યનો દુકાળ પડયો છે. કળિયુગમાં સતયુગનાં ચાંદા-સુરજ ઊગાડી દે તેવઅ સંનો – મહંતો છે અને મહારાજા ભગવતસિંહજી જેવા રાજનેતાઓનો દુકાળ પડયો છે.આ દુકાળ છપ્પનિયા દુકાળથી ય વધુ ઘાતક બની શકે છે. સામાજીક પરિવર્તન વિના આવા દુકાળનો અંત નહિ જ આવી શકે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.