Abtak Media Google News

 આપણો દેશ સરકારમાં બેઠેલાઓએ આપેલાં ગુલાબી વચનોના અમલની રાહ જૂએ છે, અને છાસવારે જાહેર કરેલી ‘અભી બોલા અભી ફોક’ જેવી છેતરામણી યોજનાઓનાં અમલ અંગે જૂઠી દલીલો કર્યા કરે છે… જે દેશમાં આમ પ્રજાની ઠેકડી જ ઉડાવાતી રહે ત્યાં કોરોનાને મ્હાત કરવાની હજારો પ્રાર્થનાઓ પણ પરમેશ્વર કયાંથી સાંભળે ?

આપણા અતિ ગરીબ દેશની હાલની અતિ ગંભીર પરિસ્થિતિ વખતે એવો સવાલ જાગે છે કે, ટ્રમ્પની ભારત યાત્રા વખતે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી નખાયો હતો તેનું ભારતને ચીની ડ્રેગનના હાલના ફૂંફાડા વખતે શું વળતર મળ્યું?

કોરોનાગ્રસ્ત ભારતની હાલત બેસુમાર ખરાબ છે અને તેનો અંત આવવામાં કેટલો વખત લાગશે તે કહી શકવાની ખૂદ વડાપ્રધાન અને તેમની સરકારે અશકિત જાહેર કરી દીધી છે, એને રખે કોઈ ઓછી ગંભીર ઘટના ગણે !

આપણો દેશ અત્યારે સાચા અર્થમાં કયાં કયાં ક્ષેત્રે સધ્ધર છે એ વિષે ચોકકસપણે કાંઈ જ નહી શકાય તેમ નથી.

આપણા દેશનું અર્થતંત્ર અર્થાત આર્થિક હાલત લેશમાત્ર સારી નથી, એ વાતનો સ્વીકાર આપણું નાણાખાતું, રિઝર્વ બેંક અને ખુદ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ તેમજ વિશ્ર્વ બેંકનાં નિષ્ણાંતો કરી રહ્યા છે. આપણા દેશનો જીડીપી દર નબળા સ્તરે રહેવાનું વૈશ્ર્વિક સ્તરે દર્શાવાયું છે.

હજુ હમણાં જ અખબારી અહેવાલોએ જણાવ્યું હતુકે, ભારતના સીમાડાઓ ઉપર લડાઈનું જોખમ છે. છેલ્લા આઠ દિવસમાં ચીન, પાકિસ્તાન અને નેપાળ સાથે સરહદને લગતી ઉશ્કેરણી તેમજ ઘર્ષણનાં ચિહનો પેદા થયા છે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સેના તમામ મોરચે લડી લેવા સજજ થઈ ચૂકી છે. સેનાની ત્રણેય પાંખો હાઈએલર્ટ ઉપર છે.

જાપાન, તાઈવાન, મલેશિયા અને વિયેતનામ ભારતની પડખે ઉભા રહેવા તૈયાર થયા છે.

ધૂંધળી પરિસ્થિતિમાં પણ પાકિસ્તાન અને નેપાળ સાથે નાની મોટી લડાઈ લડવી પડે તેમ છે.

અહી ખુદ ભારતમાં એવો સવાલ ઉઠ્યો છે કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ભારતયાત્રા વખતે ભારત સરકારે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હતો, જે ભારત જેવા ગરીબ લેખાતા દેશ માટે આંધળુકિયો ગણાવાયો હતો. ચીન-ભારતની સરહદ પર સર્જયેલી પરિસ્થિતિમાં ચીની ડ્રેગોની સામે ભારતને કેવું અને કેટલું વળતર મળ્યું, એવો સવાલ જાગે છે.

અલબત, અમેરિકાએ ભારતને હૂંફ મળે એવા પગલાંની જાહેરાત કરી છે, અને પાકિસ્તાનને ચેતવણી આપી છે.

જો ખરેખર ઉપર કહ્યું તેમ ભારતે ઉપરોકત દેશો સામે યુધ્ધ કરવાનું અનિવાર્ય બની જાય તો સૈનિકો, શસ્ત્રો વગેરેની લેશમાત્ર વિલંબ વિના હેરાફેરી કરવી પડે, જુદા જુદા દેશો સાથે રાજદ્વારી તંગદિલીનો સામનો કરવો અને ખર્ચના ખાડામાં ઉતરવું જ પડશે. કારણ કે લડાઈ અને યુધ્ધ તો જાનમાલની ખુવારી અને હારજીતની ચડતીપડતી સિવાય કશું જ આપતા નથી હોતા.

અમેરિકા એશિયાની ભૂમિ પર યુધ્ધ ખેલવા આવે તો તેમાં ખુવાર તો ભારત સહિત એશિયાના અન્ય દેશો માટે જાનમાલની ખુવારી વેઠવાનો જ સમય આવે, જે તે બધા ઈચ્છે જ !… ભારતે આર્થિક રીતે જબરૂ નુકશાન સહન કરવું પડે એ નિ:સંદેહ બની રહે !

કોરોનાગ્રસ્ત ભારત એક બાજુથી જબરી હેરાન પરેશાની ભોગવે છે અને તેભારતને માટે વધુ ખાનાખરાબી સર્જી શકે તેમ છે. બરાબર તે વખતે જ ભારત યુધ્ધમાં ઉતરવાનું ઈચ્છે તો તે ભારતની વિદેશ નીતિને ખોટી તથા લાંબો વિચાર કર્યા વિનાની લેખાશે.

આમ પણ ભારતની પડોશી રાષ્ટ્રો સાથેની વિદેશનીતિ ભૂલભરેલી રહેતી આવી છે.

ગૃહનીતિ અને આર્થિક નીતિ એ પણ આદેશ માટે કશું જ ઉકાળ્યું નથી!

આ બધી વાતોનો હમણા સુધીનો નીચોડ એ છે કે, આપણી સરકારોએ અનેક વખત આ દેશની ભોળીભલી પ્રજાને અવનવા વચનો આપીને અને છેતરામણી યોજનાઓ જાહેર કર્યા કરીને એનું કયારેય પ્રમાણિકપણે પાલન કર્યું નથી. અને એમણે જ ઘડેલા કાયદાઓને અમલી બનાવ્યા નથી, માઇ અંગે ઠાગાઠૈયા જ કર્યા છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પના ભારત પ્રવાસે બે દિવસમાં રૂા.૧૦૦ કરોડનો ખર્ચ કરાવીને તેમની વાહવાહ કરાવી હતી. વડાપ્રધાનને એ વખતે એ ઘટનામાં ઘણુબધું મહત્વનું જણાયું હતુ.

વડાપ્રધાનનાં વિદેશ પ્રવાસોની ખાસિયાત ઘણાને અજબ જેવીલાગી હતી. કારણ કે ટ્રમ્પ સાથેની એમની પ્રીતિ બહુ ઝાઝો વખત ગવાઈ નહોતી. જોકે એ પછી અનેક કાયદાઓ ઘડાયા એમની વાહવાહ ચાલી, પણ એના ભાગ્યે જ કોઈનો પ્રમાણિક અને હેતુલક્ષી અમલ થયો હતો. સરકારની અસંખ્ય યોજનાઓ અંગે પણ એવું જ બન્યું હોવાની ટકોર થઈ રહી છે. અને જે કાયદાઓ પ્રમાણ પણે સમયસર અમલી ન બને એમને શું ધોઈ પીવાના હોય ?

આપણો દેશ સરકારમાં બેઠેલાઓએ પ્રજાને આપેલા ગુલાબી વચનોથી અમલવિના ઉભરાયા કરે છે, અને અમલની રાહ જૂએ છે ભોળી પ્રજા બિચારી ભરમાતી રહી છે. એવું જ છાસવારે જાહેર થતી રહી યોજનાઓનાં અમલ બાબતમાં બન્યા કર્યું છે.

જે દેશમાં યોજનાઓ અને વચનો ‘અભી બોલા અભી ફોક’ જેવી સ્થિતિ હોય અને અમલ વિષે જૂઠી દલીલો થતી રહી હોય, એનીસાથે સાથે ગરીબ પ્રજાની ઠેકડી જ ઉડાવાતી હોય ત્યાં કોરોનાને મ્હાત કરવાની હજારો પ્રાર્થનાઓ પણ પરમેશ્ર્વર કયાંથી સાંભળે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.