Abtak Media Google News

પ્રથમ તબકકાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ ચોરે અને ચોૈટે એક જ વાત: ગુજરાતમાં કોની સરકાર બનશે: રસપ્રદ તારણો સાથે આંકડાઓ મુકતા રાજકીય રસિયાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૮૯ બેઠકો માટે પ્રથમ તબકકાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે ચોરે અને ચોટે એક જ ચર્ચાઓ ચાલી રહી છે કે શું લાગે છે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર બનશે કે જનતા કોંગ્રેસને સતા સુખ આપશે. રાજકીય રસિયાઓ રસપ્રદ તારણો સાથે પોતાના મનમાં આવે તેવા આંકડાઓ મુકી રહ્યા છે. અમુક લોકો ભાજપને બહુમતી આપે છે તો અમુક લોકો કોંગ્રેસની સરકાર બનવા માટેના તારણો રજુ કરી રહ્યા છે.

સામાન્ય રીતે કોઈપણ ચૂંટણીમાં તમામ તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ પરીણામ અંગે કયાસ નિકળતા હોય છે અને લોકોમાં ચર્ચા થતી જોવા મળે છે. ગુજરાતમાં વર્ષો બાદ સતાધારી પક્ષ ભાજપ સામે આ વખતે ચૂંટણીમાં અનેક પડકારો ઉભા થયા છે. નોટબંધી અને જીએસટીથી નારાજ લોકો, છેલ્લા બે વર્ષથી ચાલતુ પાટીદાર અનામત આંદોલન, ખેડૂતોને જણસીના મળતા અપૂરતા ભાવો સહિતના મુદ્દે ગુજરાતની જનતા નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ગત શનિવારના રોજ રાજયમાં ૮૯ બેઠકો માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ હાલ શહેરમાં ચાની કેબિન, પાનના ગલ્લા અને હેર સલુનો કે જયાં સૌથી વધુ લોકો એકત્ર થાય છે ત્યાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ થતી જોવા મળે છે. બે વ્યકિતઓ ભેગા થયા નથી કે ચૂંટણીની ચોપાટ મંડાય નથી. લોકો એકાબીજાના રીવ્યુ લઈ એવી અટકળો બાંધી રહ્યા છે કે ગુજરાતમાં સતાનું પુનરાવર્તન થશે કે પરીવર્તન. અમુક રાજકીય રસિયાઓએ તો પોતાની રીતે એવા રસપ્રદ તારણો રજુ કર્યા છે કે તેઓએ અંગત સર્વે આદરી દીધો હોય તેમ ભાજપને આટલી અને કોંગ્રેસની આટલી બેઠકો મળશે તેવું સચોટ આગાહી સાથે કહી રહ્યા છે. જોકે સટ્ટાબજારહજી શાંત છે.

પ્રથમ તબકકાના મતદાન બાદ સોશિયલ મીડિયા પણ પરીણામ નકકી કરવામાં ગોથે ચડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પણ બંને પક્ષ તરફી સતત પરિણામો આવી રહ્યા છે તો અમુક લોકોએ આઈ.બી.ના નામનો ખોટો ઉપયોગ કરી આર.બી.એ રીપોર્ટ આપ્યો છે કે પ્રથમ તબકકાના મતદાન બાદ ભાજપને આટલી અને કોંગ્રેસને આટલી બેઠકો મળશે તેવા આંકડાઓ સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે જયાં જોવો ત્યાં હાલ ચૂંટણીલક્ષી ચર્ચાઓ ચાલી રહી છે. ખુદ રાજકીય પક્ષના અગ્રગણ્યા નેતાઓ રાજકીય પંડિતો પણ આ વખતે પરીણામની ભવિષ્યવાણી ભાખવામાં થોડી મુંઝવણ અનુભવી રહ્યા છે.

ભાજપ તરફી વિચારધારા ધરાવતા લોકો ભાજપ વિજય બને છે તેવું કહી રહ્યા છે કે કોંગ્રેસની વિચારધારાવાળા લોકો ગુજરાતમાં પરિવર્તન નિશ્ર્ચિત છે અને કોંગ્રેસની સરકાર બને તે તેવું જણાવી રહ્યા છે. ટુંકમાં બે દિવસથી જયાં જોવો ત્યાં ચૂંટણીના પરીણામની ચર્ચાઓ સાંભળવા મળે છે અને હજી એક સપ્તાહ સુધી લોકોએ આવી જ ચર્ચાઓ સાંભળવા માટે તૈયારી દાખવવી પડશે. કારણકે બંને તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ આવતા સોમવારે મતગણતરી યોજાશે. જેમાં પરીણામ નિશ્ર્ચિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.