Abtak Media Google News

ટેસ્ટ ડેબ્યુના પ્રથમ મેચમાં યુવાન ખેલાડી મેયર્સે 210રનની અણનમ પારી રમીને મેચનો રૂખ પલટાવી દીધો !!

વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચટ્ટોગ્રામ ખાતે 3 વિકેટે મેચ જીતી લીધો હતો. ચોથી ઇનિંગ્સમાં 395 રનનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડિઝના  ડેબ્યુ કરી રહેલા યુવાન ખેલાડી કાઈલ મેયર્સના અણનમ 210 રન થકી બાંગ્લાદેશને માત આપી હતી. મેયર્સ ડેબ્યુ ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં બેવડી સદી મારનાર વર્લ્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેમજ આ એશિયામાં કોઈપણ ટીમ દ્વારા સૌથી સફળ રનચેઝ છે.

59 રનમાં 3 વિકેટ પડી ત્યારે મેયર્સ ક્રિઝ પર આવ્યો હતો અને તે પછી તેણે બાંગ્લાદેશી પ્લેયર્સને કોઈપણ તક આપી નહોતી. તેણે 310 બોલમાં 20 ફોર અને 7 સિક્સની મદદથી અણનમ 210 રન કર્યા હતા. તેમજ ચોથી વિકેટ માટે એન. બોન્નર સાથે મળી 216 રનની ભાગીદારી કરી હતી. બોન્નરે 86 રનનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 11 ફેબ્રુઆરીથી જ આ ગ્રાઉન્ડ પર રમાશે.મેયર્સે તેની બેટિંગ દરમિયાન કુલ 210 અણનમ રન કર્યા હતા. જેમાં 20 ચોકા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આજ સુધી ટેસ્ટ મેચમાં એશિયા ખાતે ક્યારેય આટલા મોટા સ્કોર ચેઝ થયા નથી ત્યારે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરી રહેલા યુવાન ખેલાડીએ ટીમમાં એક મહત્વની પારી રમીને ટીમને ટેસ્ટ સિરીઝમાં જીત તો અપાવી જ સાથોસાથ બાંગ્લાદેશને ધોળા દિવસે તારા પણ દેખાડી દીધા હતા.

બાંગ્લાદેશે બીજી ઇનિંગ્સમાં કેપ્ટન મોમિન ઉલ હક્કની સદીના સથવારે 8 વિકેટે 223 રને ઇનિંગ્સ ડીકલેર કરી પ્રથમ ઇનિંગ્સની 171 રનની સરસાઈ સાથે વિન્ડીઝને 395 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. વેસ્ટઇન્ડીઝે પણ તેના જવાબમાં ચોથા દિવસની રમતના અંતે 3 વિકેટે 110 રન કર્યા હતા. વેસ્ટઇન્ડીઝ વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં એકપણ વખત 300 કરતાં વધારે રનનો સ્કોર પણ કરી શક્યું ન હતું જ્યારે અહીં 395 રનના લક્ષ્યાંકનો પીછો સફળતાથી કર્યો છે. વેસ્ટઇન્ડિઝની પડેલી વિકેટોમાં જોઈએ તો કેપ્ટન બ્રેથવ્હાઇટ 20, કેમ્પબેલે 23 અને મોસલીએ 12 રન કર્યા હતા. વિન્ડીઝની ત્રણેય વિકેટ મહેંદી હસન મિરાઝે લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.