Abtak Media Google News

કેન્દ્ર સરકારના કડક વલણથી આવા પ્રકારના હુમલાઓ બંધ થશે

કેન્દ્ર સરકાર દ્વારા તબીબો અને સ્વાસ્થ્યકર્મીઓ ઉપર થતાં હુમલાઓને બિન જામીનપાત્ર ગુનો બનાવી જેલની સજા, આકરા દંડની વસુલાત કરવાના, સંપત્તિ નુકસાનની બે ગણી વસુલાત કરવાના કરાયેલ નિર્ણયને આવકારી ગુજરાતના તબીબો અને સ્વાસ્થ્ય કર્મીઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો સહૃદય આભાર  ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ વ્યકત કર્યો હતો.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે,  કેન્દ્ર સરકાર દ્વારા મહામારી રોગ અધિનિયમ ૧૮૯૭માં સંશોધન કરી, અધ્યાદેશ લાવી તબીબો અને   સ્વાસ્થ્યકર્મીઓ ઉપર થતા હુમલાઓને બિન જામીનપાત્ર ગુનો બનાવી જેલની સજા, આકરા દંડની વસુલાત કરવાના કરાયેલ નિર્ણયને હૂં આવકારુ છું,ગુજરાતના કોરોના વોરિયર્સ એવા સર્વે તબીબો અને સ્વાસ્થ્યકર્મીઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહનો સહૃદય આભાર વ્યક્ત વ્યક્ત કરું છું.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અધ્યાદેશ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તાત્કાલિક ધોરણે તબીબો અને સ્વાસ્થ્યકર્મીઓ ઉપર થતો હુમલો  બિન જામીનપાત્ર ગુનો બનશે, ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓને ગંભીર ઇજા પહોંચે તેવા કિસ્સામાં ગુનેગારને છ મહિનાથી સાત વર્ષની જેલની સજા અને રૂપિયા એક થી પાંચ લાખ સુધીનો દંડ ભરવો પડશે. તબીબો અને સ્વાસ્થ્ય કર્મીઓને સામાન્ય ઇજા પહોંચી હોય તેવા કિસ્સામાં ત્રણ મહિનાથી પાંચ વર્ષ સુધીની જેલની સજા તેમજ રૂપિયા પચાસ હજાર થી ૨ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, સંકટના સમયમાં પોતાની ફરજ બજાવી રહેલા તબીબો અને આરોગ્યકર્મીઓ  ઉપર હુમલાઓ સહન કરવામાં આવશે નહીં અને એટલે જ જેલ અને દંડની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા ગુનેગાર પાસેથી માલ-મિલકત-સંપત્તિને થયેલ નુકશાનની બે ગણી રકમની વસુલાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના આ અતિસંવેદનશીલ સમયમાં સેવા અને સમર્પણના ભાવ સાથે કાર્ય કરી રહેલા ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓ ઉપર થઈ રહેલા હુમલા દુર્ભાગ્યપૂર્ણ છે, કેન્દ્ર સરકારના કડક વલણથી ચોક્કસપણે આ પ્રકારના હુમલાઓ બંધ થશે તેવો મને વિશ્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.