Abtak Media Google News

સૌની યોજના અંતર્ગત આજીડેમને ફરી નર્મદાના નીરથી નહીં ભરાય તો રાજકોટમાં ઉનાળામાં પાણીની કટોકટી સજાર્શ: ન્યારી અને ભાદરમાં ચોમાસા સુધી પાણી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીના લેવલમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોય. ઉનાળાના આરંભ પૂર્વે જ રાજયમાં જળકટોકટીના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં પણ જળ સંકટના ભણકારા વાગી રહ્યા છે. ૩૧મી માર્ચે આજી ડેમ ડુકી જશે. જો સૌની યોજના અંતર્ગત ફરી આજીને નર્મદાના નીરથી ભરવામાં નહીં આવે તો ઉનાળામાં શહેરમાં પાણીની તીવ્ર તંગી સર્જાશે. બીજી તરફ ન્યારી અને ભાદરમાં ચોમાસા સુધી ચાલે તેટલી પર્યાપ્ત માત્રામાં પાણી હોવાનું મહાપાલિકાના ઈજનેરી સુત્રો જણાવી રહ્યા છે.

૯૧૭ એમસીએફટી પાણી સંગ્રહ કરવાની શકિત ધરાવતા આજી ડેમમાં હાલ ૪૯૨ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ગત ચોમાસાની સીઝનમાં આજી ડેમ વરસાદના કારણે ઓવરફલો થઈ ગયા બાદ છેલ્લા ચારેક માસથી મહાપાલિકા દ્વારા આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે એક પણ ટીપુ નર્મદાનું પાણી લેવામાં આવતું નથી.વિતરણ માટે મોટાભાગનું પાણી આજીડેમમાંથી ઉપાડવામાં આવી રહ્યું છે. હાલ આજી ડેમમાંથી દૈનિક ૪ એમસીએફટી પાણી વિતરણ માટે ઉપાડવામાં આવે છે અને ૧ એમસીએફટી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. આમ આજી ૩૧મી માર્ચ સુધી સાથ આપશે અને ત્યારબાદ ૧૫ એપ્રિલે સંપુર્ણપણે ડુકી જશે. જો સૌની યોજના અંતર્ગત આજીને ફરી નર્મદાના નીરથી ભરવામાં નહીં આવે તો રાજકોટમાં જળકટોકટી ઉભી થશે.

હાલ આજીડેમ પર નર્મદાનું એક પણ ટીપુ પાણી ઉપાડવામાં આવતું નથી. ૩૧મી માર્ચ બાદ એક પખવાડીયું આજી પર દૈનિક સરેરાશ ૮૦ એમએલડી નર્મદાના પાણીની આવશ્યકતા રહેશે અને ૧૫ એપ્રિલ બાદ આ જ‚રીયાત ૧૧૦ થી ૧૨૦ એમએલડી સુધી પહોંચી જશે. બીજી તરફ ન્યુ રાજકોટની જળજ‚રીયાત સંતોષતા ન્યારી ડેમમાં હાલ ૫૨૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે. જેમાંથી રોજ ૨ એમસીએફટી પાણી વિતરણ માટે ઉપાડવામાં આવે છે અને એક એમસીએફટી પાણી બાષ્પીભવન થઈ જાય છે.

ન્યારી ડેમ ૧૫મી જુન એટલે કે ચોમાસા સુધી સાથે આપે તે રીતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહાપાલિકાની વોટર વર્કસ શાખાના ઈજનેરી સુત્રો જણાવી રહ્યા છે તો રાજકોટની જળજ‚રીયાત સંતોષતા અન્ય એક જળાશય ભાદર ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલું પાણી છે. હાલ શહેરના તમામ ૧૮ વોર્ડમાં દૈનિક ૨૦ મિનિટ પાણી આપવા માટે દૈનિક ૨૭૦ થી ૨૭૫ એમએલડી પાણીની જરૂરીયાત છે. જેની સામે નર્મદામાંથી ૯૦ એમએલડીથી વધુ પાણી ઉપાડવામાં આવે છે બાકીની જરૂરીયાત સ્થાનિક સ્ત્રોતમાંથી પુરી કરવામાં આવી રહી છે. ગત વર્ષે ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ મહેર કરી હોવા છતાં ઉનાળાના આરંભેજ રાજકોટમાં જળ કટોકટી ઉભી થાય તેવી દહેશત વર્તાય રહી છે. જોકે રાજય સરકાર એવી ખાતરી આપી રહી છે કે આજી ડેમ ખાલી થયા બાદ તેને ફરી નર્મદાના નીરથી ઓવરફલો કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.