Abtak Media Google News

ફેકટરીએ જઇ સાંજ સુધીમાં રૂ.૨૦ લાખ નહી પહોચાડો તો તમારા રાજકોટ ખાતેના ઘરે જોખમ થશે: મોરબીના ચારણ સમાજના પ્રમુખને પોલીસે ઝડપી લીધો

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની વાંકાનેરના જડેશ્ર્વર રોડ પર આવેલી જસદણ સિરામીક નામની ફેકટરીએ જઇ રૂ ૨૦ લાખની ખંડણી સાંજ સુધીમાં નહી પહોચાડો તો તમારા રાજકોટ ખાતેના ઘરે જોખમ વધી જશે અને રાતે બાર વાગે ફાયરિંગ કરી હત્યા કરવાની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીની જ કલાકોમાં મોરબીના ચારણ સમાજના પ્રમુખની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના બહુમાળી ભવન પાસે શ્રોફ રોડ પર આદિત્યનગરમાં રહેતા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના અને પાટીદાર સમાજના આગેવાન પ્રજ્ઞેશભાઇ બેચરભાઇ સુરાણી નામના પટેલ પ્રૌઢે મોરબીના ભા‚ભા નામના શખ્સે મોબાઇલમાં અને ફેકટરીએ રૂબર આવી રિવોલ્વરમાંથી ભડાકા કરી હત્યા કરવાની ધમકી દીધાની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વાંકાનેર જીઆઇજીસી એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને સિરામીક ઉદ્યોગના અગ્રણી પ્રજ્ઞેશભાઇ પટેલ તેમની વાંકાનેરના જડેશ્ર્વર રોડ પર આવેલી જસદણ સિરામીક નામની ફેકટરીએ હતા ત્યારે ભા‚ભા ગઢવી નામના શખ્સે બે મિનીટનું કામ છે તેમ કહી ફેકટરી બહાર બોલાવ્યા હતા. ભા‚ભા ગઢવીએ ‘મારે પૈસાની જરૂર છે, સાંજ સુધીમાં રૂ.૨૦ લાખની ખંડણી પહોચતી કરો, નહીતર તમારા પર ફાયરિંગ કરી હત્યા કરીશ અને રાજકોટ ખાતેના ઘરે રાતે બાર વાગ્યા બાદ જોખમ થઇ જશે’ તેવી ધમકી દઇ રૂ ૨૦ લાખમાં કંઇ ઓછા નહી ચાલે’ તેમ કહી જતો રહ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. મુળુભા ધાધલ સહિતના સ્ટાફે ભા‚ભા ગઢવી સામે બળજબરીથી ખંડણી પડાવવાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. તેની પૂછપરછ દરમિયાન તેને ગારીયા ગામની જમીનના સોદાની દલાલી લેવાની થતી હોવાથી ઉઘરાણી કરી હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.