Abtak Media Google News

એગ્રો પ્રોસેસીંગ, પ્રવાસન, સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે રોજગારી પુરી પાડવી પડશે

એગ્રો પ્રોસેસીંગ ક્ષેત્રે પ્રવાસન, સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે રોજગારી પુરી પાડવી અનિવાર્ય બની ગઈ છે. જેથી નવી સરકારની દિશા અને દશા શું હશે તે અંગે નીતિ આયોગ દ્વારા રાહ ચિંધવામાં આવી છે. વાત કરવામાં આવે તો ખેતી પ્રધાન દેશ ભારત હોવા છતાં કોઈપણ ખેડૂતને લોન પૂર્ણત: મળતી નથી. ભલે તેમની પાસે કરોડોની સંપતિ હોય આ તકે બેંકો ખેડૂતોને સાચવવામાં નિષ્ફળ નિવડી છે ત્યારે નોન બેન્કિંગ ફાયનાન્સ કોર્પોરેશન તમામ ક્ષેત્રે કે જયાં નાણાકીય જરૂરીયાત ઉભી થતી હોય ત્યારે તે તેને પૂરી પાડવામાં મદદરૂપ થાય છે પરંતુ એનબીએફસી અને હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન હાલ સુષ્મ થઈ ગયું છે.

નીતિ આયોગ દ્વારા સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે કે, જો નોન બેન્કિંગ ફાયનાન્સ કોર્પોરેશન અને એચએફસીને જો બેઠુ કરવામાં આવે તો દેશને જે આર્થિક અસમંજસનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે. ૨૦૧૩ સપ્ટેમ્બર માસમાં રૂપિયાનો જયારે ફ્રિ ફોલ થયો હતો તે સમયે પણ નાણાકીય ક્ષેત્રે અછતનો સામનો દેશ કરી રહ્યું હતો. ત્યારે એનબીએફસીની ક્રેડીટ ઉપર અનેકવિધ પ્રશ્નો ઉદ્ભવીત થયા હતા. ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે એનબીએફસી ક્ષેત્ર હોય કે એચએફસી ક્ષેત્ર હોય આ બન્ને ક્ષેત્રને બેઠા કરવા હવે ભારત દેશ અને જે નવી સરકાર રચાશે તેના માટે ખુબજ જરૂરી બની રહેશે.

ગ્રામ્ય અને બેરોજગારી આ સૌથી મોટા મુદ્દા ખેતીને સમૃધ્ધ કરવા માટેના નિવડયા છે. સરકાર ખેતીમાં નવા રોકાણો લાવવા માટે પણ અનેકવિધ પ્રકારે નિષ્ફળ નિવડી છે. કોન્ટ્રેકટ ફાર્મિંગ જેવા વિષયો પણ એટલા જ મહત્વપૂર્ણ બન્યા છે તેમ છતાં સરકાર તેને ચરિતાર્થ કરવામાં મહદઅંશે નિષ્ફળ નિવડી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. માત્ર ખેતી નહીં પરંતુ ખેત ઉત્પાદનનો ખર્ચ નિયંત્રીત કરવા માટે સરકાર મહત્વપૂર્ણ પગલા લઈ શકે છે. ભારત સહિત વિશ્ર્વના ઘણા દેશો ઈકોનોમીક સ્લોડાઉન તરફ જઈ રહ્યાં છે. નવી સરકારે આવતાની સાથે જ ગ્રામીણ તથા શહેરી મધ્યમ વર્ગના આર્થિક વિકાસ માટે નકકર પગલા લેવા પડશે. ચૂંટણીઓ વખતે નાત-જાત, પછાત અને દલિત જેવા મુદ્દાઓ ચાલતા હોય છે.

પણ ચૂંટણી બાદ જીડીપીનો દર વિકાસ, ગ્રામીણ સુવિધા, ગ્રામીણ રોજગારી, બેંક ક્રેડીટ, એનપીએ તથા ક્રુડ તેલના ભાવ જેવા મુદ્દાઓ પર સરકારની ટોપ પ્રાયોરીટી રહે છે. ત્યારે જે નવી સરકાર બનશે તેનો મુખ્ય મુદ્દો અને તેનું ફોકસ પોઈન્ટ આ તમામ ચિજ વસ્તુઓ પર જો રહે તો દેશની આર્થિક વ્યવસ્થા સુધરી શકે અને મંદ પડેલા ક્ષેત્રો પણ ફરીથી બેઠા થઈ શકશે.ચૂંટણીઓ માથે હતી તે સમય દરમિયાન સરકાર માનતી ન હતી પણ હકીકતમાં એપ્રીલ માસમાં ભારતનો બેરોજગારીનો દર વધી ૭.૬ ટકા સુધી પહોંચ્યો છે. જે ઓકટોબર ૨૦૧૬ પછીનો સૌથી ઉચા સ્તરનો માનવામાં આવે છે. ત્યારે માત્ર રોજગારી જ નહીં પરંતુ ગ્રામીણ વિકાસ, ખેત ઉત્પાદન, પ્રવાસન સહિતના અનેક ક્ષેત્રે સરકારે વિકાસ કરવો અનિવાર્ય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.