Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં ૫૮.૬૦ ટકા મતદાન: ૧૨૦ ઉમેદવારોનાં રાજકિય ભાવી ઈવીએમમાં સીલ: હવે એક મહિના બાદ પરિણામ

લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબકકામાં ગઈકાલે ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતા વહિવટીતંત્રએ હાશકારો અનુભવ્યો હતો. રાજયમાં ઓવરઓલ ૬૩.૭૩ ટકા જેટલું મતદાન થયું હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રની ૭ બેઠકોની વાત કરવામાં આવે તો પાંચ બેઠકો પર મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો છે. રાજકોટ અને જુનાગઢ બેઠક પર મતદાન થોડું ઘટયું છે. ૧૨૦ ઉમેદવારોનાં રાજકિય ભાવી સૌરાષ્ટ્રનાં સાણા મતદારોએ ઈવીએમ મશીનમાં સીલ કરી દીધા છે. હવે એક મહિના બાદ ચુંટણીનું પરીણામ આવશે.

સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક પર વર્ષ ૨૦૧૪માં ૫૭.૦૭ ટકા મતદાન થયું હતું અને ભાજપનાં દેવજીભાઈ ફતેપરા વિજેતા બન્યા હતા. આ વખતે સુરેન્દ્રનગરમાં મતદાનની ટકાવારીમાં સામાન્ય વધારો નોંધાયો છે અને ૫૭.૮૪ ટકા મતદાન થયું છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટકકર હોવાનું મનાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટમાં વર્ષ ૨૦૧૪માં ૬૩.૮૯ ટકા મતદાન થયું હતું. આ વખતે રાજકોટમાં મતદાનની ટકાવારીમાં ૦.૭૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે અહીં મોહનભાઈ કુંડારીયા ૨.૪૬ લાખ મતની તોતીંગ લીડથી વિજેતા બન્યા હતા.

આ વખતે પણ આ બેઠક ભાજપ માટે હોટ ફેવરીટ માનવામાં આવી છે. પોરબંદર બેઠક પર વર્ષ ૨૦૧૪માં ૫૨.૬૨ ટકા મતદાન થયું હતું. આ વખતે પોરબંદર બેઠક પર ૪ ટકા જેટલું મતદાન વઘ્યું છે. ૨૦૧૪માં આ બેઠક પર વિઠ્ઠલભાઈ રાદડિયા વિજેતા બન્યા હતા. જોકે તેઓ ઘણા સમયથી બિમાર હોવાનાં કારણે આ વખતે ભાજપે રમેશભાઈ ધડુકને મેદાનમાં ઉતાર્યા હતા. પોરબંદર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ફાઈટ હોવાનું મનાઈ રહ્યું છે. આવામાં પોરબંદરનાં મતદાનમાં ૪ ટકાનો વધારો પરીણામ પર અસર કરે તે ચોકકસ માનવામાં આવી રહ્યું છે.

જામનગર બેઠક પર ૨૦૧૪માં ૫૭.૯૯ ટકા મતદાન થયું હતું અને ભાજપનાં પુનમબેન માડમ વિજેતા બન્યા હતા. ભાજપે ફરી તેઓને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે જામનગર બેઠક પર મતદાનમાં અડધા ટકાનો વધારો થયો છે અને ૫૮.૪૯ ટકા જેટલું મતદાન થયું છે. આ બેઠક પર પણ ભાજપને મજબુત માનવામાં આવી રહ્યું છે. જુનાગઢ બેઠક પર મતદાનની ટકાવારીમાં ૨ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

વર્ષ ૨૦૧૪માં જુનાગઢમાં ૬૩.૪૩ ટકા મતદાન થયું હતું. આ વખતે ૬૦.૭૦ ટકા મતદાન થયું છે. આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસનાં ઉમેદવાર પુંજાભાઈ વંશ વચ્ચે કાંટે કી ટકકર હોવાનું મનાઈ રહ્યું છે. આવામાં મતદાનમાં અઢી ટકા જેટલો ઘટાડો નોંધાતા પરીણામ પર તેની સીધી જ અસર પડે તેવું લાગી રહ્યું છે. અમરેલી લોકસભા બેઠક પર વર્ષ ૨૦૧૪માં ૫૪.૪૭ ટકા મતદાન થયું હતું અને ભાજપનાં નારણભાઈ કાછડીયા વિજેતા બન્યા હતા. અમરેલી બેઠક પર આ વખતે સરેરાશ ૧ ટકાથી વધુ મતદાન વઘ્યું છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી હોવાનું મનાઈ રહ્યું છે.

ભાવનગર બેઠક પર પણ મતદાનની ટકાવારીમાં ૧ ટકા જેટલો વધારો નોંધાયો છે. ભાવનગરમાં ૨૦૧૪માં ૫૭.૫૮ ટકા મતદાન થયું હતું અને ભાજપનાં ઉમેદવાર ભારતીબેન શિયાળ વિજેતા બન્યા હતા. આ વખતે ભાવનગર બેઠક પર સરેરાશ ૧ ટકા જેટલું મતદાન વઘ્યું છે. આ બેઠક પર ભાજપને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની ૮ બેઠકો પર સરેરાશ ૫૮.૬૦ ટકા જેટલું મતદાન થયું હોવાનું નોંધાયું છે. તમામ બેઠકો પર ગઈકાલે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની ૭ બેઠકો પર ચુંટણી લડતા ૧૨૦ ઉમેદવારોનાં રાજકીય ભાવી મતદારોએ ઈવીએમમાં સીલ કરી દીધા છે. ૨૩મી મેએ મતગણતરીમાં કોના ભાગ્યનો ઉદય થશે અને કોનું ભાગ્ય અસ્ત થશે તેનો ફેંસલો આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.