Abtak Media Google News

અધિકારીઓની આગવી સુઝબુઝથી ગ્રીન ઝોનમાં રહેલા જિલ્લામાં અનલોક લાગુ પડતા પરિસ્થિતિ વણસી: હવે સંગઠનોએ આગળ આવવાની જરૂર

જૂનાગઢમાં છેલ્લા પંદર દિવસથી કોરોનાના સંક્રમણ એ માઝા મૂકી છે અને દિવસે ને દિવસે જૂનાગઢ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાનું લિસ્ટ લાંબુ થતુ જાય છે, તો બીજી બાજુ જૂનાગઢ શહેરના કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યાનો આંકડો પણ વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં કોરોનાને અટકાવવા કોણ આગળ આવશે ? એ સવા મણનો સવાલ થઇ જવા પામ્યો છે.

જૂનાગઢ શહેરની જો વાત કરીએ તો, આજના સરકારી આંકડા મુજબ ૧૦૧ લોકો જૂનાગઢ શહેરમાં કોરોનાગ્રસ્ત છે અને તેવો જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સહિત રાજકોટ, અમરેલી, વેરાવળની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

અત્રે ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, જૂનાગઢના કોરોના વોરિયર્સ પણ ધીરે ધીરે કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે, જુનાગઢ શહેરના એક પીએસઆઈ સહિત લગભગ છએક પોલીસકર્મીઓ કોરોના ગ્રસ્ત થઈ ગયા હતા. જો કે, સદભાગ્યે તમામ પોલીસકર્મીઓએ કોરોનાને મહાત આપી હતી અને હાલમાં તેઓ ફરજ ઉપર હાજર પણ થઇ ગયા છે. તો બીજીબાજુ જૂનાગઢની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના અત્યાર સુધીમાં લગભગ ૨૦ જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પણ કોરોનાની લપેટમાં આવી ગયા છે, જેમાં જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન ઉપરાંત તબીબો, લેબોરેટરી ટેકનીશ્યન, સ્ટાફ નર્સ તથા પટાવાળા સહિતના આરોગ્ય કર્મીઓનો સમાવેશ થાય છે.

જૂનાગઢની દુ:ખદ વાત કરીએ તો જૂનાગઢના સિંધી સમાજના અગ્રણી અને મનપાના વોર્ડ નંબર-૬ના કોર્પોરેટર રાજુભાઈ નંદવાણી કોરોના સામેની લડતમાં જંગ હારી ગયા છે અને તેઓનું દુ:ખદ અવસાન થયું છે તો જુનાગઢના અગ્રણી ધારાશાસ્ત્રી અને બ્રહ્મસમાજના ધરોહર એવા પરેશભાઈ જોષી પણ કોરોનાનો શિકાર ભોગ બની ચૂક્યા છે. આ સિવાય જૂનાગઢ શહેરના લગભગ ૧૫ જેટલા કોરોના ગ્રસ્ત લોકો કોરોના સામે જીંદગીનો જંગ હારી જતા તેમના પરિવારજનોની આંખોમાં હજુ પણ દુ:ખના આંસુ સુકાયા નથી. એક સમય એવો હતો જ્યારે જૂનાગઢ જિલ્લાના ચાર આધારસ્તંભ એવા મુખ્ય અધિકારી જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ ચૌધરી, જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ અને મનપાના કમિશનર તુષાર સુમેરાની સાથે તેમની ટીમે કરેલી રાત-દિવસની અથાક મહેનતના કારણે જૂનાગઢ કોરોના મુક્ત રહ્યું હતું અને એ સમયે જૂનાગઢ શહેર તથા જિલ્લાની અનેક નામી, અનામી સંસ્થાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાશન સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવતી હતી.

પરંતુ જેમ જેમાં અનલોક એક અને બે માં છૂટછાટ મળતી ગઈ તેમ તેમ જૂનાગઢ જિલ્લામાં શહેર તથા જિલ્લામાં કોરોના એ હવે તો શહેર મચાવી દીધો છે, ત્યારે જૂનાગઢમાં કોરોનાને અટકાવવા એક પણ સંસ્થા કે જૂનાગઢનો એક પણ રાજકીય નેતા પ્રચાર-પ્રસાર કે તંત્ર સાથે બેસી યોગ્ય ચર્ચા વિચારણા કરવા આગળ આવ્યું નથી.

જૂનાગઢમાં હાલમાં કોરોનાને રોકવું ખૂબ જ અગત્યનું નહીં પણ આવશ્યક બની ગયું છે, અને આ સંક્રમણને રોકવા માટે જૂનાગઢના રાજકીય-સામાજિક આગેવાનો એ જ આગળ આવવું પડશે, અને લોકોને સરકારી લોક ડાઉન ન હોવા છતાં સ્વૈચ્છિક લોક ડાઉન કરવા માટે સમજાવી અથવા તો બિનજરૂરી રીતે લોકો ઘરની બહાર નીકળે અને માસ્ક નો ઉપયોગ કરે તે માટે માર્ગદર્શન અને સૂચનો આપવા પડશે.

જો કે, આ માટે જૂનાગઢના નેતાઓ માત્ર સોશિયલ મીડિયા ઉપર મોટી મોટી વાતો કરી, તંત્રની આળસ અને બેદરકારીની ચર્ચાઓ ચાલી રાખે છે પરંતુ કોઈ નેતા આગળ આવવા તૈયાર નથી ત્યારે જૂનાગઢની જનતા કોરોનાનો શિકાર બની રહી છે, અને જો આવું જ ચાલ્યું તો, જુનાગઢ માટે કોરોના ખૂબ જ ખતરનાક સાબીત થશે તેમ જૂનાગઢના શિક્ષિત અને પ્રબુદ્ધ લોકો જણાવી રહ્યા છે, ત્યારે જૂનાગઢની ખેવના કરવા કોણ આગેવાન પહેલ કરે છે? તેના ઉપર આખા જુનાગઢ શહેરના નગરજનોની મીટ મંડાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.