Abtak Media Google News

છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ

ક્રિકેટ ઈતિહાસમાં ભારતીય ટીમને સૌપ્રથમ વખત ૧૯૮૩માં વર્લ્ડકપ જીતાડનાર સુકાની કપીલ દેવને હાર્ટ એટેક આવતા દિલ્હીથી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. હૃદયમાં થયેલા બ્લોકેજના કારણે તેઓને ત્વરીત એન્જોપ્લાસ્ટીની સારવાર આપવામાં આવી હતી. સારવાર કરનાર ડોકટરો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલ કપીલ દેવની સ્થિતિ સ્થિર છે અને તેઓ ઉપર જે ખતરો મંડાતો હતો તેમાંથી પણ તેઓ બહાર નિકળી ગયા છે. હાર્ટ એટેકના સમાચાર સોશિયલ મીડિયામાં આવ્યા બાદ નામાંકિત ખેલાડીઓ જેવા કે વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, હર્ષા ભોગલે, આકાશ ચોપડા, બિસન બેદીએ તેમની સલામતી, સ્વાસ્થ્ય અંગે પ્રાર્થના પણ કરી હતી. લીજેન્દરી ઓલ રાઉન્ડર કપીલ દેવની સુકાનીમાં ભારતે ૧૯૮૩માં સૌપ્રથમ વખત વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. કપીલ દેવની કારકિર્દી ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તેઓએ ૧૩૧ ટેસ્ટમાં કુલ ૫૨૪૮ રન અને ૨૨૫ વન-ડેમાં ૩૭૮૩ રન બનાવ્યા છે. તેઓએ ટેસ્ટમાં ૩૪૩ અને વન-ડેમાં ૨૫૩ વિકેટ ઝડપી છે. બીજી તરફ કપીલ દેવએ તેની ક્રિકેટ કારકિર્દીની છેલ્લી મેચ ૧૯૯૪માં રમી હતી.

તેને ૧લી ઓકટોબર ૧૯૭૮ના રોજ પાકિસ્તાન વિરુઘ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. કપીલ દેવ ૧૯૭૫માં હરિયાણાની ટીમમાંથી પંજાબ વિરુઘ્ધ રમી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી જેમાં પ્રથમ મેચમાં તેણે ૬ વિકેટ લીધા બાદ સિઝન પૂર્ણ થતા તેને પોતાની ૧૨ વિકેટ લીધી હોવાનું પણ સામે આવ્યું હતું. ૧૬ ઓકટોબર ૧૯૭૮ના રોજ કપીલે પાકિસ્તાન વિરુઘ્ધ ટેસ્ટ મેચમાં ડેબ્યુની સાથે વન-ડેમાં પણ ડેબ્યુ કર્યું હતું. દેશ માટે તેને ક્રિકેટ રમતમાં ખુબ સારું યોગદાન પણ આપ્યું છે. કપીલ દેવને અનેકવિધ પ્રકારના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, વિઝડન ક્રિકેટર ઓફ ધ યર, પદ્મભુષણ, વિઝડન ઈન્ડિયન ક્રિકેટર ઓફ ધ સેન્ચ્યુરી અને તેમની ક્ષમતાને ધ્યાને લઈ સી.કે.નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. એવી જ રીતે ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ ભારતીય સેનામાં લેફટનન્ટ કર્નલનો દરજજો પણ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.