Abtak Media Google News

ભાજપ શાસિત નૂતન ભારતમાં ભ્રષ્ટાચાર, આતંકવાદ, ઘૂષણખોરી, પરિવારવાદ જેવા દૂષણોને કોઈ અવકાશ નથી: રાજુભાઈ ધ્રુવ

હવાઈ હુમલાના પગલાં અંગે ભારત સરકાર અને સેનાની પ્રસંશા કરતાં ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા આખી રાત ત્રાસવાદીઓ પરના હુમલાનાં ઓપરેશનનું મોનીટરિંગ, બાદ વહેલી સવારે કેબિનેટની મીટીંગ, પછી રાષ્ટ્રપતિભવનમાં કાર્યક્રમ, ત્યારબાદ દિલ્હીથી ઉડીને રાજસ્થાનનાં ચૂરુમાં જાહેરસભા અને ત્યાંથી તરત જ દિલ્હી પરત ફરી મેટ્રોમાં મુસાફરી કરી ઈસ્કોન મંદિરમાં શ્રીમદ્દ ભગવદ ગીતાનું વિમોચન કરવામાં આવ્યું. મતલબ કે, પોતાના આચરણ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને સંદેશ પાઠવ્યો છે કે, આ દેશ રુકશે નહીં, આ દેશ ઝૂકશે નહીં.. આ હવાઈ હુમલા દ્વારા ફક્ત પાકિસ્તાન જ નહીં પરંતુ દ્વેષભાવ થી ભારત ને નુકસાન કરતા  અન્ય બીજા પાડોશી દેશો ને પણ રૂકજાવ નો સંદેશો પાઠવ્યો છે.પરંપરાગત સૈન્યશક્તિ થી પાકિસ્તાન ને પાઠ ભણાવી એક તીર થી ઘણા નિશાન તાક્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં આ નવું ભારત છે. ભાજપ શાસિત નવા ભારતમાં ભ્રષ્ટાચાર, આતંકવાદ, ઘુષણખોરી, પરિવારવાદ જેવા દૂષણોને કોઈ અવકાશ નથી. આપણે સૌએ સાથે મળી શાંતિ-સદભાવ દાખવી કોઈને છેડવાના નથી અને કોઈ છેડે તો આપણી શક્તિ, સાહસ, હિમંત દેખાડી કોઈને છોડવાના પણ નથી.

જો ભારત ધારે તો   ખોબા જેવડા પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરી ધૂળ ચાટતું પણ કરી શકે. ભારતે સીમાપાર ત્રાસવાદીઓ પર કરેલા સેલ્ફ ડીફેન્સ હુમલા પછી સમગ્ર દુનિયામાં ભારત સરકાર અને સેનાની પ્રસંશા કરવામાં આવી રહી છે. આતંકવાદનાં મુદ્દે આજે આખી દુનિયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ઉભી છે અને દુનિયાનાં દરેક  નાના-મોટા દેશોએ નરેન્દ્રભાઈ મોદીની કૂટનીતિ-વિદેશનીતિનાં પણ વખાણ કર્યા છે. ભાજપનાં નેતાઓ માત્ર આતંકવાદીઓને સબક શીખવવાની વાતો જ નથી કરતા પણ એ વાતોને વાસ્તવિકતા બનાવી એક સાથે ૩૦૦ જેટલા આતંકવાદીઓને એક સાથે પાઠ ભણાવવાનીનિર્ણાયક -તાકાત પણ રાખે છે. કોંગ્રેસીઓ ભલે અંદરોઅંદર એકબીજાને સમજાવી રહ્યા છે કે, મીડિયામાં ખાલી વાયુસેનાનાં જ વખાણ કરવાના છે, ભૂલમાં મોદીનાં વખાણ કરી ન દેતા.. પણ અંદરખાને કોંગ્રેસીઓ પણ સમજે છે કે દમદાર,હિંમતવાન-પરાક્રમી  નરેન્દ્રભાઈ મોદીમાં દમ  છે તોજ આ શક્ય બન્યું છે. અને નરેન્દ્રભાઈ મોદી  કહે છે એ કરી પણ બતાવે છે..

૧૯૭૧ બાદ ૪૮ વર્ષ પછી પહેલી વખત ભારતીય વાયુસેનાના વિમાનો સીમાપાર ત્રાટક્યા છે. આ તકે ભારતીય સેનાનાં શક્તિ-સાહસની જેટલી પણ પ્રસંશા કરીએ  તેટલી ઓછી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં પુલવામા થયેલા આતંકી હુમલાનો આંશિક બદલો પીઓકેમાં હવાઈ હુમલાથી લેવાતા દરેક ભારતીયની છાતી  ફૂલાઈ ગર્વ મહેસૂસ કરી રહી છે. પુલવામામાં શહીદ થયેલા દેશનાં વીર જવાનોને આનાથી મોટી કોઈ બીજી શ્રદ્ધાંજલિ ન હોઈ શકે.

હાલ દેશમાં સત્તાપક્ષ શ્રેષ્ઠ કામગીરી કરી રહયો  છે ત્યારે વિપક્ષે પણ કેન્દ્ર સરકારને સાથ-સહકાર આપી શાંતિ-સૌહાર્દ દાખવવા જોઈએ. કાશ્મીર માં આતંકવાદ એ વિકરાળ  સમસ્યા છે આથી સૌએ સાથે મળી આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં નરેન્દ્રભાઈ મોદીને પૂરી હિંમત અને નિષ્ઠાથી ખભ્ભે-ખભ્ભો મિલાવી ઉભા રહેવું પડશે.

વિશ્વનાં શક્તિશાળી દેશોએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં નરેન્દ્રભાઈ મોદીને જોઈતી મદદ કરવાની જાણ કરી છે. આપણે સૌએ પણ આ સમયે શાંતિ-ધીરજ રાખવી જોઈએ. સોશિયલ મીડિયામાં પણ કોઈપણ આધાર-સત્ય ચકાસ્યા વગર તથ્યવિહીન  મેસેજ-વિડીયોને સાચા ન માની લેવા કે ગેરમાર્ગે દોરતી  અફવાઓ ન ફેલાવવા પણ રાજુભાઈ ધ્રુવે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.