Abtak Media Google News

લર્નીંગ લાયસન્સ માટે દૈનિક સ્લોટમાં વધારો કરવાની સુચના, ટેસ્ટ ટ્રેક પર ગેરરીતિ રોકવા બિન અધિકૃત વ્યકિતના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તાકિદ: રાજકોટમાં લર્નીંગ લાયસન્સમાં ૧૧ દિવસના પાકા લાયસન્સમાં ૧૩ દિવસના વેઈટીંગથી અરજદારોમાં દેકારો

ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકનો સમય સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી કરીને તથા તમામ શનિવારે કામગીરી ચાલુ રાખીને વધારેમાં વધારે ટ્રાયો લઈને વેઈટીંગ ઓછુ કરવાનો વાહન વ્યવહાર કમિશનરનો તમામ આરટીઓને પરિપત્ર

છેલ્લા થોડા વર્ષોથી આરટીઓ કચેરીમાં લર્નીંગ પાકા લાયસન્સ કઢાવવાની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે. આ ઓનલાઈન પ્રક્રિયા માટે એપોઈન્ટમેન્ટ લેવામાં રાજયભરની આરટીઓ કચેરીમાં લાંબુ વેઈટીંગ રહેતુ હોવાથી ફરિયાદો ઉઠવા પામી છે. જેથી, વાહન વ્યવહાર કમિશ્નરે તાજેતરમાં દરેક આરટીઓ કચેરીને એક પરિપત્ર કરીને લર્નીંગ પાકા લાયસન્સ માટેની એપોઈન્ટમેન્ટમાં રહેલા લાંબા વેઈટીંગને ઘટાડવા સ્લોટની સંખ્યા વધારવા, ટેસ્ટના સમયમાં તથા તમામ શનિવારે પણ કામગીરી ચાલુ રાખવા સહિતની અનેક બાબતો અંગે તાકિદ કરી છે.

આ પરિપત્રમાં જણાવાયું છે કે લર્નિંગ લાયસન્સ મેળવવા માટેની એપોઈન્ટમેન્ટ મેળવવામાં અનેક આરટીઓ કચેરીનં સાત દિવસ કરતા વધારેનું વેઈટીંગ જોવા મળે છે. જેમાં સુરત આરટીઓ કચેરીમાં ૩૩ દિવસનું જામનગર, વસ્ત્રાલ, દ્વારકાની આરટીઓ કચેરીમાં ૨૦ દિવસનું જયારે રાજકોટ સહિતની પાંચ આરટીઓ કચેરીમાં ૧૧ દિવસનો વેઈટીંગ સમય જોવા મળે છે. જેથી તમામ આરટીઓ કચેરીમાં આ ટેસ્ટ માટે જે દૈનિક સ્લોટની સંખ્યા છે. તેમાં વધારો કરવા જણાવાયું છે. રાજકોટ આરટીઓ કચેરીમા હાલ કાચા લાયસન્સનો દૈનિક સ્લોટ ૨૫૦નો છે. તેમાં વધારો કરીને વેઈટીંગનો સમય સાત દિવસ કરતા ઓછો થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા તાકીદ કરાય છે.

કાચા લાયસન્સની જેમ જ પાકા લાયસન્સ માટે ટ્રેક ટેસ્ટમાં એપોઈન્ટમેન્ટ લેવામાં લાંબુ વેઈટીંગ જોવા મળે છે. જેમાં સૌથી વધારે ભાવનગર આરટીઓ કચેરીમાં એલએલવી અને ટુ વ્હીલરની ટ્રેક ટેસ્ટમાં ૪૯ દિવસ જેવું મોરબી આરટીઓ કચેરીમાં ૪૮ દિવસનું, અમદાવાદ આરટીઓ કચેરીમાં ૪૭ દિવસ જેવું લાંબુ વેઈટીંગ જોવા મળે છે. જયારે રાજકોટ આરટીઓ કચેરીમાં એલએમવીમા ૧૩ દિવસનું જયારે ટુ વ્હીલર ટ્રેક ટેસ્ટ માટે ૨ દિવસ જેવું વેઈટીંગ રહે છે. જેથી આ વેઈટીંગને ઘટાડવા ટ્રેક ટેસ્ટની કામગીરી સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રાખવાની પ્રતિ કલાક લેવામાં આવતી ટેસ્ટની સંખ્યા વધારાની તથા રજાના શનિવારે પણ ટ્રેક પર ટેસ્ટ લેવાની તાકીદ કરાય છે.

ઉપરાંત, સૌથી વધારે લાયસન્સ કઢાવવા માટે જયાં લીડ રહે છે. તેવા રાજયનાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાની આરટીઓ કચેરીમાં એલએમવી માટે ઓછામાં ઓછા દરરોજના ૨૦૦ સ્લોટ રાખવા તથા ટુ વ્હીલર માટે ૩૦૦ સ્લોટ રાખવા તાકિદ કરાય છે.

રાજયની બાકીની આરટીઓ કચેરીમાં એલએમવી માટે ૧૫૦ સ્લોટ જયારે ટુ વ્હીલર માટે ૧૫૦ સ્લોટ રાખવા તાકીદ કરાય છે. હાલ રાજકોટ આરટીઓ કચેરીમાં એલએમવી માટે રોજનો ૧૫૦નો સ્લોટ છે. તેને ડબલ કરીને ૩૦૦નો સ્લોટ કરવાનો જયારે ટુ વ્હીલર માટે ૩૧૫નો સ્લોટ છે. તેને યથાવત રાખવાની સુચના આપવામાં આવી છે. આ તમામ બાબતો અંગે ૨૪ કલાકમાં સુધારા કરી લેવાની પણ આ પરિપત્રમાં તાકીદ કરવામાં આવી છે.

ટ્રેક ટેસ્ટનું સંચાલન હવેથી માત્રઆરટીઓના સ્ટાફે કરવા તાકિદ

અત્યાર સુધી તમામ આરટીઓ કચેરીમાં આઉટસોર્સીંગ સ્ટાફ દ્વારા ટ્રેક ટેસ્ટનું સંચાલન કરવામા આવતુ હતુ તેમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠતા વાહન વ્યવહાર કમિશ્નરે આ પરિપત્રમાં આ ટ્રેક ટેસ્ટનું સંચાલન હવેથી માત્ર સરકારી અધિકારી કર્મચારી દ્વારા કરવાની તાકિદ કરવામાં આવી છે. ટ્રેક ટેસ્ટ પર ફરજ પર મુકાયેલા અધિકારી, કર્મચારીને આઈડી કાર્ડ પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.

ઉપરાંત ટ્રેક પર મુકાયેલા અધિકારી, કર્મચારીઓના નામ હોદા પણ બોર્ડ પર દર્શાવવાની સુચના આપવામાં આવી છે. ટેસ્ટ ટ્રેક પર માત્ર ટેસ્ટ આપનાર અરજદારને જ પ્રવેશ આપવાની તથા આકસ્મિક તપાસમાં ટ્રેક પર અન્ય કોઈની ઉપસ્થિતિ જણાશે તો ટ્રેકના ઈન્ચાર્જ અધિકારીની જવાબદારી નકકી કરવાની પણ આ પરિપત્રમાં તાકિદ કરાય છે. ટ્રેક પર લર્નીંગ લાયસન્સ ધરાવનારા અરજદાર જ ટેસ્ટ આપે છે તેનું પબ્લીક ડીસ્પ્લે કરાશે

આ પરિપત્રમાં ટ્રેક તથા ટેસ્ટ આપવા આવનારા વ્યકિતની ઓળખ બાબતે પણ અનેક તાકિદો કરવામાં આવી છે. જેમાં ટ્રેક પર સુરક્ષા માટે રખાયેલા ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સના કર્મચારીઓનો ટ્રેક પર હસ્તક્ષેપ વધારે જણાતો હોય આવા કર્મચારીઓને પણ ટ્રેક પર પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, ટ્રેકની આસપાસ કોઈપણ પ્રકારની બિન અધિકૃત્ત કેબીનો કે કાયમી જેવા સ્ટ્રકચર હોય તો તેને તાત્કાલીક અસરથી દૂર કરવા જણાવાયું છે ટ્રેકના વિસ્તારમાં ઘાસ, વૃક્ષો વગેરેનું યોગ્ય રીતે લેન્ડ સ્કેપીંગ કરવા તથા ટ્રેક પર સ્ટોપ, સ્ટાર્ટ, એરો વગેરે માર્કીંગનેબ રબર પેઈન્ટથી તાત્કાલીક અસરથી દેખાય તેવા કરવા પણ સુચના આપવામાં આવી છે. ટેસ્ટ આપનારા અરજદારના દસ્તાવેજોની ચકાસણી કરવા અલગ કાઉન્ટર બનાવીને આઈડેન્ટીફીકેશન થયા બાદ વાહન ટ્રેકની અંદર જાય તેવી વ્યવસ્થા કરવાની સાથે આઈડેન્ટીફીકેશન માટે કેમેરા ગોઠવીને તેનું પબ્લીક ડીસ્પ્લે ગોઠવીને લર્નીંગ લાયસન્સ ધરાવનાર વ્યકિત જ ટેસ્ટ આપે છે. જે સુનિશ્ર્ચિત કરવા તાકીદ કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.