Abtak Media Google News

૧૬ કોર્પોરેશનમાંથી ૧૪ પર ભાજપનો વિજય: ૧૯૮ પાલિકા પૈકી ૭૯ પર કમળ ખીલ્યુ: પ્રથમ અગ્નિ પરીક્ષામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસ

ઉત્તરપ્રદેશ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામનો લાભ ભાજપને ગુજરાતની ચૂંટણીમાં પણ મળશે: કાર્યકરોમાં ભારે ઉત્સાહ

દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળતા વિરોધ પક્ષના સુપડા સાફ થઈ ગયા છે. દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસ ઉત્તરપ્રદેશની મહાપાલિકાઓમાં પોતાનું ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે. પ્રથમ અગ્નિ પરીક્ષામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૧૦૦ ટકા માર્ક સાથે ઉતીર્ણ થયા છે. યુપીની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામોનો લાભ ભાજપને ગુજરાતની ચૂંટણીમાં પણ મળશે. દેશના સૌથી મોટા રાજયમાં ફરી ભગવો લહેરાતા કાર્યકરોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

ઉત્તરપ્રદેશમાં મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતની ૬૫૨ બેઠકો માટે તાજેતરમાં યોજાયેલા મતદાન બાદ તમામ ન્યુઝ એજન્સી અને ખાનગી એજન્સીઓના સર્વેમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે, યુપીમાં ફરી ભગવો લહેરાશે. તમામ ઓપીનીયન પોલ જાણે સાચા ઠર્યા હોય તેમ યુપીમાં આજે રીતસર ભાપનું વાવાઝોડુ ફુંકાતા બીએસપીને બાદ કરતા કોંગ્રેસ અને એસપી સહિતના તમામ વિરોધી પક્ષો રીતસર તણાઈ ગયા હતા. ઉત્તરપ્રદેશ રાજયની ૧૬ મહાપાલિકામાઓ પૈકી ૧૩ મહાનગરપાલિકાઓમાં ભાજપના મેયર તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા.

તો મેરઠ, સહારનપુર અને આગ્રામાં માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ કબજો જમાવવામાં સફળ રહી હતી. કોંગ્રેસ અને સમાજ વાદી પાર્ટી મહાપાલિકામાં પોતાનું ખાતુ ખોલાવવામાં પણ સરેઆમ નિષ્ફળ ગઈ છે. મહાપાલિકા ઉપરાત પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કમળ ખીલી ઉઠયું છે. ૧૯૮ પૈકી ૧૯૦ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે બપોર સુધીમાં મત ગણતરી આટોપી લેવામાં આવી છે. જેમાં ૭૯ પર ભાજપનો વિજય થયો છે. સમાજવાદી પાર્ટી ૩૭, બહુજન સમાજ પાટી ૩૪, કોંગ્રેસ માત્ર ૩ અને અન્ય રાજકીય પક્ષો ૩૭ જગ્યાએ સત્તા હાસલ કરવામાં સફળરહી છે.

ગોરખપુર, જાંસી, મુરાદાબાદ, મથુરા, અયોધ્યા, લખનૌ, બરેલી, અલીગઢ, ફિરોઝાબાદ, કાનપુર, વારાણસી અને અલ્હાબાદ સહિત ૧૩ મહાનગરપાલિકામાં ભાજપના મેયર ચૂંટાઈ આવ્યા છે. લખનૌ મહાપાલિકામાં આજે ઈતિહાસ રચાયો છે. અહીં ૧૦૦ વર્ષમાં કયારેય મહિલા મેયર ચૂંટાયા નથી. આજે લખનૌના પ્રથમ મહિલા મેયર તરીકે સંયુકતા ભાટીયા જંગી બહુમતી સાથે વિજેતા બન્યા હતા. ઉત્તરપ્રદેશમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટરીમાં ભાજપની મળેલી શાનદાર જીતની ઉજવણી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.