Abtak Media Google News

આમાં એક સનાતન સત્યને અવિચળ સ્મરણમાં રાખવું જ પડશે કે, સજજનો વચ્ચે દુર્જનોને બેસાડવું આપણા દેશને નહીં પાલવે !

અનેક કાળાંધોળા, કાવાદાવા અને કપટ-કુટિલતાથી ખદબદતો આપણો દેશ અને દેશવાસીઓ અત્યારે અવનવા પડકારોથી ઘેરાયેલા છે. અને આપણા દેશની પ્રજા, ખાસ કરીને આમ પ્રજા એનાં ડંખ વેઠી રહ્યા છે

એક બાજુથી કોરોના સંબંધી પગલાઓ અને કાયદા કાનૂનો તેમજ ધારા ધોરણોની ભરમારની સામે આબાલવૃધ્ધથી માંડીને બાળકો, માતાપિતા તથા શિક્ષણ-કેળવણીને લગતી સમસ્યામાંથી આ બધા બહાર નીકળી શકતા નથી અને ચોકકસ પ્રકારની દયાજનક હાલત ભોગવી રહ્યા છે.

અભિપ્રાય ભેદના હવામાન વચ્ચેય અભ્યાસીઓ એમ કહ્યા કરે છે કે અત્યારે કોરોનાના હાહાકાર તથા કાળા કહેર પછી હાલમાં વૈશ્ર્વીક મંદીનો માહોલ છે. અર્થતંત્રના અને નાણાંકીય કટોકટીના ઓછાયા પીછો છોડતા નથી.

સતાધીશો કરકસરનું નામ લેતા નથી, ને નાણાંકીય તંત્ર વકરી રહી છે. મનોરંજન અને બાળકોનાં પોકેટ ખર્ચ ઉપર નોધપાત્ર બ્રેક લાગી હોવાની ટકોર થાય છે. છતાં એમાં ઘટાડો શકય બનતો નથી.

દેશના બાળકોનો ખિસ્સા ખર્ચ રૂા. ચાર અબજ ૮૧ કરોડસુધી પહોચ્યો છે. તેમ આ અંદાજમાં દર્શાવવામાં આવ્યું છે કાર્ટુન નેટવર્ક તરફથી દેશના ૧૪ શહેરોમાં ૭ થી ૧૪ વર્ષની ઉંમરના ૬૦૦૦ બાળકોની જરૂરીયાત વિષે સર્વે કરવામાં આવ્યો હતો. અને તેના આધારે આ તારણો દર્શાવાયા છે. પ્રમાણમાં આ સર્વેને પૂરતો વ્યાપક ગણી શકાય, દેશભરની સ્થિતિના તારણો કાઢવા માટે પ્રતિનિધિ ગણાય તેમ છે.

આપણા દેશના બાળકો અત્યારે આ પ્રમાણે અતિરેકભર્યા બિન જરૂરી ખર્ચ કરવાની માનસીકતા ધરાવે છે. ત્યારે ભૂતકાળમાં હિન્દી સાહિત્યકાર પ્રેમચંદની એક વાર્તા ઈદગાહના એક બાળ પાત્ર હામિદ મિયાની સહેજે યાદ આવી જાય છે. આ પ્રસિધ્ધિ કથામાં હામિદ મિયા પોતાના મિત્રો સાથે ઈદના મેળામાં જઈને પોતાની બચતના પૈસાથી મીઠાઈ અને રમકડા ખરીદતો નથી પણ પોતાની બુઢી દાદી અમીના માટે જરૂરી વસ્તુ લઈને જાય છે. તે દર્શાવે છે કે આ બાળકને પોતાની દાદીની જરૂરી વસ્તુનો ખ્યાલ હતો. અને તેને તે મહત્વ આપતો હતો. તેની સરખામણીમાં આજના બાળકો કૌટુંબીક સ્થિતિ સારી હોય તો પોતાની ઈચ્છાઓ અને જરૂરીયાતો સંતોષવા પાણીની પેઠે પૈસા વહાવી રહ્યા છે.

પ્રશ્ર્ન માત્ર એટલો જ છે કે, આપણું કેળવણીનું તંત્ર સમગ્ર સ્તરે કેળવણી પ્રસ્થાપિત કરવા સક્ષમ છે. ખરૂ? ત્યાં કેળવણી કેમ કરીને પ્રસ્થાપિત કરી શકાય ?

કાકા કાલેલકર લખે છે કે મારી લેખન પ્રવૃત્તિમાં મે અનેક ક્ષેત્રો ખેડયા છે. પણ મારી જીંદગીનું મુખ્ય કાર્ય તો પ્રથમથી આમવર્ગની કેળવણી એ જ રહ્યું છે. જો કોઈ વિષયનું અખંડ અને વ્યાપક ચિંતન કર્યું હોય, તો તે એક કેળવણીનું જ.

બાળકોમાં અદમ્ય જિજ્ઞાસા હોય છે. એ તૃપ્ત કરવી એ શિક્ષકનું કર્તવ્ય છે. પણ વિદ્યાર્થીઓને કેટલી માહિતી આપવી અને કેટલી ન આપવી એનો વિવેક શિક્ષકમાં હોવો જોઈએ. જિજ્ઞાસ એ બુધ્ધિવિકાસનું ખમીર છે. એ પવિત્ર વસ્તુને જાગૃત કરીએ પરિપૂષ્ટ કરીએ સુવા ન દઈએ તેમ વિકૃતપણ ન થવા જઈએ.

છાપામાં મહત્વની ખબરો આવે તેની પૂર્વ પીઠિકા કહેવાનું અને સામાન્ય દેશ સ્થિતિનું છોકરાઓને ભાન કરાવવાનું કામ જો કોઈ શિક્ષક માથે લે, તો તેને હું છોકરાઓનાં સારામાં સારા મદદગાર ગણું.

શ્રી રામ ગુરૂકુળમાં ભણ્યા હતા.

શ્રી કૃષ્ણ ગૂરૂકુળમાં ભણ્યા હતા.

એમના જેવા ગૂરૂકુળ આજે કયાં છે? એ પ્રકારની વિદ્યાપીઠો કયાં છે? એમનાં નામે બાળમંદિરો અને સ્કૂલો ચાલે તે એ પ્રકારનાં ભણતરની ગરજ સારતા નથી…

એવું જ અન્યત્ર છે.

સમાજ સુધરતો નથી. નવા મનુષ્યો જન્મતા નથી.

સમાજ એનાં વિના બદલવાનો નથી.

આપણા દેશની રાજનીતિ અને વિદેશનીતિ વિવાદાસ્પદ બન્યા કરી છે. રાજપુરૂષો રાજકર્તાઓ જયા સુધી કૃષ્ણ-નીતિ નહિ અપનાવે અને એમના વખતની વેદિક સંસ્કૃતિનું અનુશીલન નહિ કરે ત્યાં સુધી આપણા સમાજમાં સદાચારની સદ્વિચારની સુગંધ નહિ આવે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.