Abtak Media Google News

આપણા દેશની મોટાભાગની સમસ્યાના મૂળમાં અસહ્ય બનતી જતી ગરીબી છે. આર્થિક-સામાજીક ગરીબીએ તો આ દેશની કરોડરજજુને ખોખલી કરી નાખી છે. અને વૈચારિક નિપુણતાને ઉધઈની જેમ કોરી ખાધી છે. ગરીબોની માતાઓ વાત્સલ્યવિહોણી નથી હોતી, તો પણ એ જન્માવે છે તો ગરીબને જ ! માતૃવાત્સલ્ય માતાના શિશુને ગરીબને બદલે શ્રીમંત જન્માવી શકતું નથી. એનીપ્રતીતિ કંગાળ ઝુંપડપટ્ટીઓ કરાવે જ છે.

આપણા સમાજનો સાક્ષારતો એમ કહેવા પ્રેરાય છે કે, ગરીબોનાં નશીબ પણ ગરીબ હોય છે, અને મનુષ્યની ગરીબાઈ જેવી બેરહમ મશ્કરી કોઈ કરતું નથી !

ગરીબો શ્રીમંત ન જ બની શકે એવું નથી…

ગરીબીને ન જ હટાવી શકાય એવું પણ નથી…

આપણા દેશના આદર્શ અને પ્રેરણાબળ સમા સ્વામિ વિવેકાનંદે તો એમ કહ્યું છે કે, આપણી માતૃભૂમિ તો દેવોની ભૂમિ છે. સ્વર્ગભૂમિ છે. ભારતવાસીઓનો સ્ત્રીત્વનો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે. આપણો આરાધ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી સર્વસ્વ ત્યાગી ઉમાપતિ શંકર છે. આપણુ લગ્ન, આપણી સંપત્તિ, આપણું જીવન ઈંદ્રિયોના ભોગવિલાસ માટે નથી, આપણા વ્યકિતગત-અંગત સુખ માટે નથી. આપણો જન્મ જગદંબાની વેદી બલિદાન થવા માટે થયો છે. આપણીસ માજ વ્યવસ્થા, અનંત વિશ્ર્વવ્યાપ માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે. ભારતનો હલકો વર્ગ,અજ્ઞાની ભારતવાસી છે. ગરીબ ભારતવાસી છે. અભણ ભારતયવાસી છે. ભારતનો ચમાર, ભારતનો ઝાડુ વાળનારો સુધ્ધાં ભારતવાસી છે. તે બધા આપણા રકતમાંસના સગાઓ છે. આપણા જ બંધુઓ-ભગિનીઓ છે. આપણે વીર થવાનું છે. બહાદૂર થવાનું છે. હિમતવાન બનવાનું છે, અને આપણે ભારતવાસી છીએ એ વાતનું અભિમાન-ગૌરવ લેવાનું છે. હરેક ભારતવાસી આપણો ભાઈ છે, એવી ગર્જના કરવાનો આપણો ધર્મ છે. ગરીબ ભારતવાસી, અજ્ઞાન ભારતવાસી, બ્રાહ્મણ અને અંત્યજ ભારતવાસી આપણો ભાઈ છે. કંગાળ ભારતવાસી અને માત્ર એક લંગોટી જ હોય એ ભારતવાસી પણ આપણો ભાઈ છે. ભારતવાસી આપણુ જીવન છે. ભારતના દેવદેવીઓ મારા ઈશ્ર્વર છે. ભારતનો સમાજ આપણી બાલ્યાવસ્થાનું પારણું છે. આપણા યૌવનનું આનંદવન છે. આપણી વૃધ્ધાવસ્થાની મૂકિતદાયિની વારાણસી છે.

આપણે ગૌરવભેર કહેવું જોઈએ કે, ભારતની ધરતી એ મારૂ ‘સર્વોચ્ચ સ્વર્ગ અને નંદનવન છે.

આ બધું આપણે બધા, ખાસ કરીને આપણા રાજકારણીઓ, આપણા રાજપુરૂષો, આપણા રાજકર્તાઓ અને ખુદ ધર્મસત્તાના કેટલાક થાંભલાઓ કાંતો વિસરી ગયા છે. અથવા તો મતિભ્રષ્ટ સ્વાર્થાર્ધામાં ભળી ગયા છે !

આપઘાત, બળાત્કાર, કુકર્મો, પાપાચાર, હેવાનિયત, હલકટપણું, રાક્ષસી કૃત્યો અને નિર્દોષ-ભોળીભલી પ્રજાના હિતોની અને રાષ્ટ્રીય હિતોની આસુરી લૂંટફાટ, વગેરે દુર્ઘટનાઓ આપણી વૈદિક ભારતીય સંસ્કૃતિની છિન્નભિન્નતા અને નષ્ટતાની જ ચાડી ખાય છે.

તેલંગણામા મહિલા મામલતદારને તેમની ઓફીસમાં જીવતા સળગાવી દેવાયા, કાયદો ટાંકનારા વકીલોએ કાયદાને ભૂલીને અનેક ઠેકાણે મારપીટ કરી, પોતાની આજીવિકા માટે બીજાને મારી ન શકાય, એવું સુપ્રીમ કોર્ટે કહેવું પડે, રામમંદિર સંબંધી કોર્ટના ચૂકાદા સંબંધમાં અગાઉથી મંદિર-મસ્જીદ અને સંબંધિત જગ્યાઓએ સલામતીનાં રોમાંચક અને સનસનીખેજ પગલાં લેવા પડે, અસહ્ય ગરીબીને કારણે પોતાનાં સંતાનોને સાથે લઈને અતિ કરૂણાજનક આપઘાત કરવા પડે, બેહુદી આર્થિક હાલતઅને અર્થતંત્રની નિર્લજજ કમજોરી માટે નિદોર્ષ લોકોને તથા પૂર્વનેતાઓની યશસ્વી કામગીરીઓને વગોવવી પડે, એને સંસ્કૃતિ તથા સભ્યતાનાં કચ્ચરઘાણની ફલશ્રુતિ નહિ તો શુહ કહેવું?

એફકેઝેડ

શું અહી એવો પ્રશ્ર્ન નથી ઉઠતો કે, દેશની અને દેશવાસીઓની આટલી હદે જેમણે બેહાલી નોતરીએ ભારતવાસી આ નથી? શું આ ભારતવાસીઓ તેમના નિજી હિતો માટે ભારતના દુશ્મનો બની બેઠા નથી? શું તેમણે એમ માનવું જોઈતું નહોતું કે, હું ભારતવાસી છું અને ભારતનું કલ્યાણ એજ મારૂ કલ્યાણ છે. નિજી સ્વાર્થના ડુંગર ખડકું તોય સરવાળે એમાં મારૂ સાચું અને શાશ્ર્વત કલ્યાર નથી !

આ બધું એટલી વાત સિધ્ધ કરે છે કે, જયાં સુધી માનવી નહિ બદલાય ત્યાં સુધી સમાજ નહિ બદલે અને સમાજ નહીં બદલે ત્યાં સુધી રાષ્ટ્રમાં જે અનિવાર્ય બની રહ્યો છે. એવો બદલાવ નહિ જ આવે !

આની સાથે એવો સવાલ પણ ઉઠે છે કે, આપણે ભારતને તમામ ક્ષેત્રે ગરીબ અને કંગાળ જ રહેવા દેવો છે? સ્વામિ વિવેકાનંદ આના વિરોધી હતા અને આમાં લગીરે સંમત નહોતા ! આપણા આજના કોઈ જ સાચુકલા ગુરૂજચનો પણ આમાં સંમત નથી!

સ્વામિ વિવેકાનંદે ઉપદેશ્યા મુજબ આપણે અહોરાત્ર પ્રાર્થના કરીએ કે, ‘હે ગૌરીપતે, હે જગતજનની અંબે ! તમે અમને સાચુ મનુષ્યત્વ આપો. હે સામર્થ્યદાયિની માતા અમારી નિર્બળતાનો નાશ કરો, અમારી કાયરતાને દૂર હટાવો ! અમને મર્દ બનાવો.

આપણે બધા પરમાત્માના બાળકો છીએ. શાશ્ર્વત સુખના સહભાગીદાર છીએ. આપણે પવિત્ર થવું છે, પવિત્ર જ રહેવું છે. પૂર્ણ થવું છે, એની શકિત આપો !

આપણી આ પ્રાર્થના નિરર્થક કે નિરાધાર નથી!

જો આવી શરમને ટાળવી હોય તો આપણે મનુષ્યોએ બદલ્યા વિના નહિ ચાલે આપણા સમાજને પણ બદલવો પડશે અને એના આધારે રાષ્ટ્રમાં પણ તમામ ક્ષેત્રે અનિવાર્ય બદલાવ લાવવા પડશે.

જો એમાં આપણે જ જેમને મોટા બનાવ્યા છે, સત્તાધારી બનાવ્યા છે તે સંમત ન થાય અને નિરંકુશ બને, આપખુદ બને તેમજ તાનાશાહ બને તો એમને ફગાવી દેવા પડશે, એમ કહ્યા વિના છૂટકો નથી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.