Abtak Media Google News

ગમે તેવા શત્રુનો મુકાબલો કરીને તેમને પરાજીતની અમોધ શકિત આખા દેશ અને દુનિયાનો શકિતદાતા મંત્ર હનુમાન-ચાલીસા: રામાયણમાંથી હનુમાનને બાદ કરીએ તો શું વધે? યુનિવર્સિટીમાં પીએચડી થઈએ હનુમાન ચાલીસાના વિષય સાથે, તો શિક્ષણ ક્ષેત્રે જબરી ક્રાંતિનું લેખાય કદમ!

કોરોના સામેની બહાદૂરીભરી લડાઈમાં સામી છાતીએ લડેલા કલેકટર કચેરી સહિતના ચુનંદા વહિવટી તંત્રને હનુમાનભીની શાબાશી

આજે અંજની પુત્ર અને પવનસુત હનુમાનજી મહારાજનો પ્રાગટય દિન છે. આખો દેશ અને દુનિયામાં જયાં જયાં ભારતવાસીઓ હશે ત્યાં આજનો દિવસ ઉત્સવનો બની રહેશે. હનુમાનજી મહારાજ સમા ઉમદા સેવકનો જોટો હમણા સુધી ત્રણે લોકમાં કયાંય જોવા મળ્યો નથી. અને ‘યાવતચંદ્ર દિવા કરૌ’ જોવા મળશે નહિ.

હનુમાનજી મહારાજ કુમતિના વિરોધી હતા અને સુમતિપ્રિય હતા. બુધ્ધિ પ્રતિભામાં પણ તેઓ અજોડ હતા. ગમે તેવા શત્રુનો મુકાબલો કરીને તેમને પરાજિત કરવાની અમોધ શકિત એમનમાં હતી

ભગવાન રામચંદ્રજીના ઉમદા અને શકિતમાન સેવક તરીકે તેઓ શ્રી રામના પ્યારા બન્યા હતા.

રાવણ છળકપટ કરીને સીતાનું અપહરણ કરી ગયો ત્યારે સીતાને શોધી કાઢવાની અતિ કઠિન અને આકરી જવાબદારી તેમણે પોતાના શિરે લીધી હતી. અને તે કૂનેહપૂર્વક તેમજ પરાક્રમપૂર્વક તેમણે અદા કરી બતાવી હતી. એમની આ સિધ્ધિને અનુપમ સિધ્ધિ તરીકે બિરદાવીને શ્રી રામ તેમને ભેટયા હતા અને તેમને ભરતસમા ભાઈની ઉપમા આપી હતી.

‘રામાયણ’માં ડગલે ને પગલે હનુમાનજી મહારાજની રામભકિત, હનુમાનજી મહારાજની અદ્વિતિય સેવકાઈ અને અભૂતપૂર્વ પરાક્રમ તેમજ અપ્રતીમ બુધ્ધિ પ્રતિભાની ઘટનાઓ દ્રષ્ટિગોચર થયા વિના રહેતા નથી. એક ચિંતકે તો એટલે સુધી કહી નાખ્યું છેકે, જો હનુમાનજી મહારાજ બજરંગબલીને રામાયણમાંથી બાદ કરી લેવાય તો મહત્વનું શું બાકી રહે ? આનો અર્થ એવો જ થાય કે, હનુમાનજી મહારાજ એકજ આ વિશ્ર્વ પ્રસિધ્ધ મહાકાવ્યના આત્માસમા છે. અને રામાયણના તત્વસત્વ સમા છે.

હનુમાન ચાલીસાનાં પાઠનું નિરંતર શ્રધ્ધાપૂર્વક ગાન કરવાથી રિધ્ધિસિધ્ધિ અને મોક્ષગતિ પ્રાપ્ત થાય છે, એવો એવો એનો મહિમા છે.

અહી એક નોંધપાત્ર બાબત એ છે કે, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ઓબામાં હિલેરી કલીન્ટનની સામે ચૂંટણી લડયા ત્યારે પ્રચાર દરમ્યાન તેમણે હનુમાનજી મહારાજની છબી સતત તેમની પાસે રાખી હતી.

રાવણ સામેના શ્રી રામના યુધ્ધ વખતે અહિરાવણ નામનો રાક્ષસ તેની માયાવી શકિત વડે પાતાળ લોકમાં ઉપાડી ગયો ત્યારે હનૂમાનજી મહારાજ બજરંકબલીજ પાતાળલોકમાં પહોચી જઈને શ્રી રામ અને લક્ષ્મણને તેમના બે ખંભા પર બેસાડીને પરત લાવ્યા હતા.

હનુમાન ચાલીસામાં એમ દર્શાવાયું જ છે કે, ‘તીનો લોક પ્રતાપ તુમ્હારા’ એનો અર્થ એ કે, એકલા મૃત્યુલોકમાં જ નહિ પણ સ્વર્ગલોક અને પાતાળલોકમાં તમારૂ આધિપત્ય પ્રવર્તે છે.

રામાયણનો સારાંશ કાઢીએ તો હનુમાનજી મહારાજ એના એકેએક પત્તે છવાયેલા રહ્યા છે. જેને ખરાખરીનો વખત ગણીએ એવા તમામ વખતે તેમની ચતુરાઈ, બુધ્ધિ પ્રતિભા, રામભકિત અને રામ એજ પોતાની શકિત અને સિધ્ધિ જ વિજયોમાં મહત્વપૂર્ણ રહ્યા હોવાનું ખૂલ્લુ થઈ જાય છે.

‘હનુમાન’નો એક અર્થ જેમણે માનપાન મોહને હણી લીધો છે. એવા પુ‚ષ…. હનુમાન એમના સમગ્ર જીવન દરમ્યાન નિર્મોહી રહ્યા હતા અને શ્રી રામે પોતે જેની પ્રશંસા કરી એવા પરાક્રમ વખતે પણ નિર્માની અને સેવકતુલ્ય રહ્યા હતા.

રાવણ સામે વિજય હાંસલ થયો અને સીતાજીને પાછા અયોધ્યામાં લઈ જતી વખતે વિભિષણે આપેલા પુષ્પક નામના વિમાનમાં હનુમાનજી પણ બેઠા હતા. જો વનવાસ પછીના નિશ્ર્ચિત દિવસે શ્રી રામ સીતાજી સાથે પાછા ન ફરે તો અયોધ્યામાં ખડકેલી ચિતામાં સમાઈને ભરત તેમાં વિલીન થવાના હતા શ્રી રામને એની અપાર ચિંતા હતી. વિમાનની ગતિ એમને સમયસર પહોચાડી શકે તેમ નહોતી આવા કટોકટીના વખતે હનુમાનજી મહારાજ વિમાનમાંથી બહાર કૂદીને જાતે હવામાં તરીને પૂરેપૂરી ગતિએ અયોધ્યા પહોચ્યા હતા. ભરતજીએ મહેલમાના બધા જ માતાઓ સ્વજનોને આખરી વંદન કરીને ચિતાએ પહોચવા પગથીયા ચડતા હતા ત્યારે હનુમાનજી મહારાજે તેમને સમાચાર આપ્યા હતા કે ‘પ્રભુ આવત’

આમ આ અતિ દુ:ખદ ઘટના અટકી હતી.

આ ઘટનાનો સાર એ છે કે, જયાં જવાનું હોય ત્યાં જવા એકદમ સમયસર નીકળવું. પુષ્પક વિમાનની ગતિ જાણ્યા વિના શ્રી રામ વિભિષણના મહેલેથી રવાના થયા એ વિભિષણ પ્રત્યેની એમની લાગણી હતી, પણ એમાં અનર્થનું જોખમ હતુ.

આ બધી વાતો એવો જ ખ્યાલ આપે છે કે, હનુમાન રામાયણના આત્માસમા હતા એમની સેવકાઈ જગપ્રસિધ્ધિ બની છે. એમની રામભકિત અતૂલ્ય જ રહી છે.

શ્રી રામ તેમના રાજયાભિષેક વખતે પ્રસન્નતાપૂર્વક હનુમાનજી મહારાજને એવું વરદાન આપ્યું હતુ કે, કોઈ પણ કાળમાં જે જે નવાગામો કે નગરોનાં તોરણે બંધાશે, ત્યાં બધે જ તેના મંગલ પ્રવેશના સ્થાને તમારી દેરી-મંદિર બંધાશે.

હમણા સુધી એ મંગલમય વરદાનની શિરસ્તો ચાલુ રહ્યો છે.

આપણે પણ હનુમાનજી મહારાજ સમા ઉમદા સમાજ સેવક બનવાની પ્રતિજ્ઞા સાથે આજનો અવસર ઉજવીએ.

હનુમાનજી સમા શ્રી રામ , લક્ષ્મણ, સીતાના પ્યારા બનીએ.

એમ કહેવાય છે કે આજે પણ જયાં જયાં રામાયણ શ્રી રામચરિત માનસની કથા થાય છે.ત્યાં હનુમાનજીનું આગમન થાય જ છે.

અહી ‘અબતક’ એવું સૂચન કરે છે કે, યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ની પદવી માટે વિષયની પસંદગી કરતા હો તો ‘હમુનાજ ચાલીસા’ની પસંદગી કરો. ‘હનુમાન ચાલીસા’ના વિષયમાં પીએચડી થવું એ સામાજીક ક્રાંતિનું એક કદમ લેખાશે !

આ સૂચન સાથે ‘અબતક’ હનુમાન જયંતિ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવે છે અને ‘કોરોના’ સામે નિર્ણાયક લડાઈમાં હનુમાનજી મહારાજ સૌને મોંઘે‚ બળ આપે, એવી પ્રાર્થના કરે છે.

અહીં સૌથી નોંધપાત્ર બાબતતો એ છેકે, કોરોના વાયરસની કાળમૂખી હલચલને વખતે સામી છાતીએ કે છપ્પન ઈંચની છાતી કાઢીને લડતા પોલિસ તંત્રને હનુમાનજી મહારાજની શૂરતાના પ્રતીકો તરીકે અબતક બીરદાવે છે.

હનુમાન ચાલીસામાં સ્પષ્ટ નિર્દેશ છે કે, જયાં હનુમાનજી સંગાથે હોય ત્યાં ડર શાનો રહે ?

એવી જ નોંધ કલેકટર કચેરીના નાના મોટા કર્મચારીઓની તથા સમગ્ર વહિવટી તંત્રની પણ લેવી ઘટે છે.

શત્રુ નાનો સુનો નથી, શત્રુ ઢીલોપોચો નથી, કમજોર કે રેન્જીપેન્જી નથી, શત્રુ નિર્બળ નથી અને ભરોસો થાય એવો નિર્મળ પણ નથી, એવું સારી પેઠે જાણી લીધશ પછી પણ જે પોતાની ફરજ અને કર્તવ્ય નિષ્ઠાને ખાતર શત્રુની સામે બજરંગબલીનો લોખંડી ભરોસો હાય તેમ ‘યા હોમ કરીને કૂદી પડે અને ફતેહની ખાતરી રાખીને આગળ ધપે એવા કર્મચારી બંધુ-ભગિનીઓને અભિનંદન ન આપીએ તો આખો સમાજ નગુણો જ લેખાય એવો ‘અબતક’નો મત છે, અને ‘હનુમાન ચાલીસા’નો બોધ છે.

રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતના સત્તાધીશો અને સમગ્ર સરકારી તંત્ર હનુમાનજી મહારાજે જેમ રામભકિતને અનુલક્ષીને અધરામાં અધરી લડાઈઓ લડી અને આકરામાં આકરી કસોટીઓ સામે બાથ ભીડી, તેમ ગુર્જરધરાને અને માતૃભૂમિ પ્રત્યેની ભકિતને અનુલક્ષીને કોરોના-વાયસની સામે પૂરેપૂરા આત્મબળપૂર્વક બાથ ભીડી, એ શુભ શુકન અને મંગળ એંધાણ છે. અને તંત્રનો સમૂળગો વર્ગ શાબાશીનો અધિકારી છે. એમાં હનુમાનની વીરતાના પ્રતીક શમી વીરતા છે. અને શ્રી રામ પ્રસન્નતા તેમજ સીતા સતીની પ્રસન્નતાનું પ્રતિબિંબ પણ નિહિત છે.

બજરંગબલી હનુમાન સર્વત્ર છે. ભારતમાં જ નહિ, જગત આખામાં છે. હનુમાન ચાલીસા વાતાવરણનાને હવામાનના અણુ-પરમાણુમાં વ્યાપ્ત છે. અને સતત આંદોલિત છે.

‘સીયારામમય સબજગનાની’ એમ ગોસ્વામી તુલસીદાસે સૂચવ્યું છે કે કોરોના વાયરસ જેની સામે ટકી શકે નહિ એવું રામરસાયણ હનુમાનજી મહારાજ પાસે છે. આપણે હનુમાનમય બની જઈએ તો બેડો પાર સમજવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.