Abtak Media Google News

વાવડીના જમીન કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ દાખલ થયા બાદ કોંગ્રેસે છાનભિન કર્યા વગર ઉતાવળમાં જ પત્રકાર પરિષદ બોલાવી

રાજકોટ એ વિશ્વનું અનોખું શહેર બન્યું છે. જ્યાં જમીનને ગેરકાયદેસર ઠેરવવામાં આવે છે. બાકી કોઈ સ્થળે જમીનને ગેરકાયદેસર ઠેરવવામાં આવતી નથી. હકકિતમાં તો જમીન ઉપરનો કબજો કે માલિકી ગેરકાયદેસર ઠેરવવાતી હોય છે પણ અહીં તો જમીન જ ગેરકાયદેસર બની જતી હોય છે. આવું જ વાવડીના જમીન કૌભાંડ પ્રકરણમાં બન્યુ હોય તેવો ઘાટ સર્જાયો હતો.

રાજકોટ શહેરમાં વાવડીના સર્વે નં. ૩૮/૩ની જમીન કૌભાંડ અંગે કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્નેને છ દિવસના રિમાન્ડ પર મેળવીને પોલીસે જમીન કૌભાંડના મૂળ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી. આ જમીન કૌભાંડ અંગે વૃંદાવન સોસાયટીમાં રહેતાં રેનુબહેન મૂળચંદભાઇ મહેતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના માતા મીનાબહેન મહાસુખલાલ પારેખની વાવડી ગામે આવેલી જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરીને તેમાં પતરાની ઓરડી બનાવવાનો પ્રયાસ કરાયાનો આરોપ મૂકયા હતો. જેને લઈને તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણને લઈને કોંગ્રેસે છાનભિન કર્યા વગર ઉતાવળમાં જ પત્રકાર પરિષદ બોલાવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશ રાજપૂત, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ગાયત્રીબા વાઘેલા અને વશરામ સાગઠિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ પક્ષે કેમ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે?

કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે કોંગ્રેસ પરિવારને ભાજપ ટાર્ગેટ કરી રહ્યું છે. પરિવારના સભ્યો ઉપર ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવે છે. જો કોઈ સભ્ય ખોટો હશે તો પક્ષ તેની સાથે કોઈ દિવસ નહીં ઉભો રહે. પણ કનકસિંહ સાચા છે. તેમને ન્યાય અપાવવા કોંગ્રેસ તેમની અને તેમના પરિવારની સાથે રહેશે.

આ જમીનની માલિકી કોની?

કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે જમીનની માલિકી કનકસિંહની છે. આ જમીન તેઓની વારસાગત છે. ૧૯૭૦માં આ જમીનમાંથી ૩૧ ગુઠા પારેખ પરિવારને વેચવામાં આવી હતી. ત્યારબાદ જે જગ્યા વધતા તેનો કબજો કનકસિંહના પરિવાર પાસે રહ્યો છે. તેઓની માલિકીની આ જગ્યા ઉપર તેઓનો કબજો હતો. વર્ષ ૨૦૧૭માં આ જગ્યા મૂળ માપણીમાં વધારે નીકળતી હોય પારેખ પરિવારે મામલતદાર સમક્ષ દાવો કર્યો હતો સામાન્ય રીતે જમીનના પ્રકરણો દસ દસ વર્ષો સુધી ચાલ્યા કરે છે. તેની બદલે આ પ્રકરણમાં મામલતદારે મોટા ગજાના બિલ્ડરના ઈશારે ૧ એકર અંર ૧૨ ગુઠા જમીનની એન્ટ્રી પાડી દીધી હતી. આ મામલે કનકસિંહ દ્વારા ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ પોલીસ કમિશનરને અરજી કરી કાર્યવાહીની માંગ કરી હતી.

આ જમીનનું ટાઇટલ રજૂ કરો

કોંગ્રેસ પોતાની વાત સાચી ઠેરવવા કનકસિંહના નામે જમીનના ટાઇટલના કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. કોંગ્રેસે હક્કપત્રકની નોંધ તેમજ જમીન દફતર વિભાગનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જો કે આ બન્ને પુરવાઓ ઠોસ કહી શકાય તેવા ન હતા.

પોલીસની કામગીરી વિશે શું કહેશો?

કોંગી આગેવાનોએ પોલીસની કામગીરી વિશે એવું જણાવ્યું કે પોલીસ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે. કલેકટર પણ તેમાં સામેલ છે. મુખ્યમંત્રીની સૂચનાથી કોંગ્રેસના આગેવાનને ટારગેટ બનાવવા તાત્કાલિક ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ એકટની કાર્યવાહી હાથ ધરાઈ છે.

બોગસ દસ્તાવેજ બન્યા છે?

કોંગ્રેસના આગેવાનોએ આ પ્રશ્નના જવાબમાં એવું કહ્યું કે કોઈએ બોગસ દસ્તાવેજ બનાવ્યા નથી. મામલતદાર પાસે લાગવગના જોરે એન્ટ્રી પડાવી સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા આક્ષેપ કર્યા છે.

ફરિયાદી પરિવારનું સામાજિક ક્ષેત્રે મોટું યોગદાન

ફરિયાદી રેનુબહેન મૂળચંદભાઇ મહેતા અને તેમના માતા મીનાબેન પારેખનું સામાજિક ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તેઓ કાઠિયાવાડ બાલાશ્રમ અને પાંજરાપોળની સેવામાં વર્ષોથી અગ્રેસર છે. ઉપરાંત તેઓના આર્થિક સહયોગથી તેમજ દુરંદેશીથી ધ્રોલની એમ.ડી.મહેતા કોલેજ આજે સૌરાષ્ટ્રની અગ્રણ્ય શૈક્ષણિક સંસ્થા બની છે. જે છેલ્લા ૪૮ વર્ષથી કાર્યરત છે અને આ સંસ્થા માટે રાજવાડાએ જમીન સોંપી હતી.

કોંગ્રેસ કાલે ધરણા કરશે

કોંગ્રેસે પોતાના આગેવાન ઉપર થયેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી સામે ધરણા યોજવા પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. પોલીસ તંત્ર દ્વારા તેઓને એક દિવસની મંજૂરી આપી હોય કોંગ્રેસ કાલે ધરણા કરવાનું આયોજન ગોઠવ્યું છે. વધુમાં કોંગ્રેસે એવું પણ જણાવ્યું હતું કે આ કાર્યવાહી સામે જાડેજા પરિવાર હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવશે.

માપણીમાં ૨૧ ગુઠા વધી, ત્યાંથી કાચું કપાયું

વાવડીની સર્વે નં. ૩૮/૩ની ૩૧ ગુઠા જમીન વર્ષ ૧૯૭૦માં કનકસિંહ જાડેજાના પરિવાર પાસેથી ફરિયાદી પરિવારે ખરીદી હતી. બાદમાં જમીન માપણીમાં આ જમીન ૨૧ ગુઠા વધી જતાં આ જમીન કનકસિંહની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાસ્તવિકતા જોઈએ તો નિષ્ણાંતોના જણાવ્યા મુજબ માપણીમાં જમીનમાં વધ ઘટ થાય તો તે જમીનના હાલના માલિક ઉપર જ આધારિત રહે છે. પણ આ કિસ્સામાં પૂર્વ માલિક વધારાની જમીનનો દાવો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં સર્વે નં. ૩૮/૩ના ગામ નમૂના નંબર ૭ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંય જાડેજા પરિવારનું નથી. સર્વે નં. ૩૮ની માત્ર પૈકી ૫ની જમીનમાં જ જાડેજા પરિવારનું નામ છે.

કોંગ્રેસે ફરિયાદી એવા ચોખાના વેપારીને મોટા ગજાના બિલ્ડર બનાવી દીધા!!

કોંગ્રેસે પત્રકાર પરિષદમાં જમીનના માલિક એવા પારેખ પરિવારને મોટા ગજાના બિલ્ડર કહ્યા હતા અને એવું કહ્યું હતું કે તેમના ગજાના કારણે તંત્રએ કાર્યવાહી કરી છે. આ મામલે અબતકે પારેખ પરિવારના એક સભ્ય સાથે વાતચીત કરતા તેઓ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને કહ્યું હતું કે અમે તો ચોખાના વેપારી છીએ. આમ કોંગ્રેસ પૂરતી વિગતો વગર જ મેદાનમાં ઉતરી હોય તેવો ઘાટ સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.