Abtak Media Google News

જામનગરના રણમલ તળાવની વચ્ચે આવેલા અને તાજેતરમાં જ જિર્ણોદ્ધાર પછી લોકાર્પણ પામેલા લાખોટા કોઠા મ્યુઝિયમને નિહાળવા માટે સવારે ૧૦ થી સાંજે ૬ કલાકનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો હતો અને સાંજે પાંચ કલાકે ટિકિટબારી પરથી મ્યુઝિયમનો પ્રવેશ બંધ થઈ જતો હતો, પરંતુ ઉનાળા અને વેકેશનને ધ્યાનમાં રાખી મ્યુઝિયમ નિહાળવાના સાંજના સમયમાં વધારો કરવા માટે લોકમાંગ ઊઠી હતી જેને પગલે હવે ઉનાળામાં એટલે કે માર્ચથી ઓક્ટોબર દરમિયાન બપોરે ૧ થી રાત્રે ૯ કલાક દરમિયાન  તેમજ શિયાળમાં એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન બપોરે ૧ર થી રાત્રે ૮  કલાક દરમિયાન મ્યુઝિયમની મુલાકાત લઈ શકાશે તેમજ મ્યુઝિયમ બંધ થવાના એક કલાક પહેલા પ્રવેશબંધ કરવામાં આવશે.

મ્યુઝિયમના સમયમાં પરિવર્તનને અનુલક્ષી મ્યુઝિકલ ફાઉન્ટેન અને લાઈટ એન્ડ સાઉન્ડ શો ના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત મ્યુઝિકલ ફાઉન્ટેન શુક્રવાર, શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસોમાં રાત્રે ૮ થી ૮.૩૦ દરમિયાન તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શો શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસોમાં રાત્રે ૯ થી ૯.૩૦ દરમિયાન યોજાશે.

લાખોટા કોઠા મ્યુઝિયમનું નવું ટાઈમટેબલ આજથી અમલમાં આવ્યું છે. મ્યુઝિયમ નિહાળવા માટે સાંધ્ય સમયમાં વધારો થયો છે તે આવકાર્ય છે, પરંતુ બોર્ડના વિદ્યાર્થીઓનું વેકેશન પૂરૃં થઈ ગયું છે અને બાકીના ધોરણોના વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થવાની અણી ઉપર છે ત્યારે જામ્યુકોનો આ નિર્ણય મોડો આવ્યો એમ  કહી શકાય. જો વેકેશનના આરંભમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો તો નગરજનો અને વેકેશન દરમિયાન નગરના અતિથિઓને લાખોટા કોઠા મ્યુઝિયમ અને તેમાંથી સંધ્યા સમયે તળાવની પાળના રમણિય નજારાને માણવાનો મહત્તમ લ્હાવો મળત છતાં મોડે મોડેથી પણ સાચો અને સારો નિર્ણય કરવા બદલ તંત્રને અને અને નિર્ણયના લાભાર્થી બનવા બદલ નગરજનોને અભિનંદન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.