યુજીના છેલ્લા સેમ.ની અને પીજીની પરીક્ષાઓ ૨૫ જૂનથી લેવાશે

પરીક્ષાનો સમય ૨ કલાકનો રહેશે: પરીક્ષા દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અંગે પૂરતી કાળજી લેવાશે: એક બેન્ચમાં એક વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે

યુનિવર્સિટીઓની પરીક્ષા અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

યુજી સેમ ૨ અને ૪ના વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના ૫૦ ટકા ગુણ ગત સેમ.ના આધારે અપાશે

યુજીસીની ગાઇડલાઈન અનુસાર યુજીની ટર્મિનલ ફાઇનલ સેમની પરીક્ષાઓ આગામી ૨૫ જૂન ૨૦૨૦થી અને પીજીની પ્રથમ વર્ષ અને ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષાઓ પણ ૨૫ જૂન ૨૦૨૦થી યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે લીધો હોવાનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.પરીક્ષાનો સમયગાળો બે કલાકનો તથા જરુર જણાયે મલ્ટીપલ શિફ્ટમાં પરીક્ષા રાખી શકાશે તથા પરીક્ષાઓ તાલુકા કક્ષાએ ,સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટ્સન્સનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે બે, ચાર, છ ના વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના ૫૦% ગુણ પ્રિવીયસ સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે જેને મેરીટ લીસ્ટ તરીકે ઓળખવામાં આવશે. અગાઉના સેમેસ્ટરના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે ૧૦૦ ટકા મૂલ્યાંકન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી પોતાના ગ્રેડ માં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે.

કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ ૨૦૧૯ -૨૦ માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે તથા આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે.

સેમેસ્ટર ૩, ૫, અને ૭, અને ૭ નું શૈક્ષણિક કાર્ય ૨૧ જૂન ૨૦૧૦થી શરૂઆતમાં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે. સેમેસ્ટર-૧ તારીખ ૧ઓગષ્ટ ૨૦૨૦થી શરૂ કરાશે. એસીપીસી કોર્સમાં લેવાયેલ અભ્યાસક્રમો માટે તારીખ ૩૦ જુલાઇ ૨૦૨૦ના રોજ ગુજસેટ લેવામાં આવશે. તેને ધ્યાને લઇ પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે.

કોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ને લગતી વિદ્યાર્થીઓની મૂંઝવણ કે તેમના પ્રશ્નો માટે યુનિવર્સિટીએ અલાયદા સેલની રચના કરવાની રહેશે. શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, પરીક્ષા દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગેની પૂરતી કાળજી લેવાની રહેશે.

ACPC સિવાયના એડમિશન ૧૫ જૂની શરૂ થશે

એસીપીસી સિવાયના એડમિશન તારીખ ૧૫ જૂન ૨૦૨૦થી શરૂ થશે. પ્રવેશ માટે ઉપલબ્ધ સીટમાંથી ૯૦ ટકા સીટ માટે એડમિશન હાલમાં આપવામાં આવશે. બાકીના ૧૦ ટકા એડમિશન સીબીએસસી અને બાકીના બોર્ડના પરિણામ જાહેર થયા બાદ ઓગસ્ટમાં કરવામાં આવશે .વિજ્ઞાન પ્રવાહના કોર્સ ના પ્રવેશ ફોર્મ તારીખ ૨૬ મે ૨૦૨૦થી ઓનલાઈન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યુજીની સેમ-૬ની પરીક્ષાનું મે ના અંતમાં પરિણામ

રાજયની યુનિવર્સિટીઓમાં પરીક્ષા અને પ્રવેશ અંગે ગઈકાલે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિવર્સિટીઓમાં આગામી તારીખ ૨૫મી જૂન ૨૦૨૦થી યુજીના છેલ્લા સેમની અને પીજીની તમામ પરીક્ષાઓ લેવાશે. જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુજીની પરીક્ષા બાબતે રાજ્યભરમાં આગળ પડતી છે. માર્ચ માસમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુજીની છેલ્લાં સેમની પરિક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને ચાલુ માસના અંતમાં જ તમામ પરિક્ષાઓનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે.

Loading...