બે સિંહ રાજકોટ જિલ્લો છોડી ફરી ઠાંગામાં પહોંચ્યા: ઢેઢુકી નજીક લોકેશન

વન વિભાગની ટીમ સતત સિંહની પાછળ-પાછળ: મારણ કર્યાના કોઈ વાવડ નથી

ગિરના જંગલમાંથી ગત નવેમ્બર માસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઠાંગા પંથકમાં આવી પહોંચેલા બે નર સિંહ છેલ્લા પાંચેક દિવસથી રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામોમાં જોવા મળ્યા હતા. ગઈકાલે બપોરે સિંહનું લોકેશન ભુપગઢ અને ભાડલા વચ્ચે જોવા મળ્યું હતું. દરમિયાન આજે ફરી આ બન્ને સિંહો રાજકોટ જિલ્લો છોડી ઠાંગા પંથકમાં પહોંચી ગયા છે. ગત મધરાત્રે સિંહનું લોકેશન ઢેઢુકી નજીક જોવા મળ્યું હતું. વન વિભાગની ટીમ સતત સિંહની પાછળ-પાછળ ફરી રહી છે. સિંહે મારણ કર્યાના કોઈ જ વાવડ મળ્યા નથી.

મોરબી જિલ્લાના વન વિભાગ અધિકારી સંદિપકુમારે જણાવ્યું હતું કે, સોમવારે બે નર સિંહ રાજકોટ જિલ્લાના સરધાર, કોટડા સાંગાણી, ગોંડલ, શાપર, ભાડલા, ભુપગઢ અને રાજકોટ શહેરના આજી ડેમ પાસે જોવા મળ્યા હતા. ગઈકાલે બપોરે આ બન્ને સિંહો ભાડલા અને ભુપગઢ વચ્ચેની વીડીમાં હોવાનું માલુમ પડ્યું હતું. દરમિયાન સિંહ કુવામાં ન ખાબકે અને કોઈ અન્ય પશુ કે વ્યક્તિ તેને રંજાડે નહીં તે માટે વન વિભાગની ટીમો સતત તેની પાછળ-પાછળ ફરી રહી છે. ગત મધરાત્રે આ બન્ને સિંહોએ રાજકોટ જિલ્લાને છોડી દીધો હતો અને ફરી ઠાંગામાં પહોંચી ગયા છે. ઢેઢુકી નજીકની સીમમાં સિંહનું લોકેશન જોવા મળ્યું હતું. જો કે સિંહોએ ખોરાક માટે મારણ કર્યું હોવાના કોઈ વાવડ હજુ સુધી મળ્યા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરના જંગલમાંથી છેલ્લા અઢી માસથી આવેલા આ બન્ને સિંહો અલગ અલગ જિલ્લામાં નવા વસવાટની શોધમાં હોય તેવું લાગી રહ્યું છે. અથવા માદા સિંહણની પણ શોધ કરી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સિંહોને અપુરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે અને અહીં વીડી વધુ માત્રામાં હોવાના કારણે જંગલ જેવું વાતાવરણ મળી રહે છે. જેના કારણે તેઓ છેલ્લા અઢી મહિનાથી અહીં વસી ગયા છે. અત્યાર સુધી એક પણ વ્યક્તિ પર સિંહે હુમલો કર્યાના વાવડ મળ્યા નથી. જેથી વન વિભાગ દ્વારા પણ સિંહને પકડવા માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. માત્ર સિંહોની સુરક્ષા માટે ટીમને પાછળ-પાછળ મોકલવામાં આવી રહી છે.

રેશમીયા નજીક સિંહ માટે રહેઠાણ બનાવવાનો વિચાર: ગીરથી સિંહણ લવાશે

સુરેન્દ્રનગર જિલ્લાના હીરાસર અને રેશમિયા ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી સિંહનો વસવાટ થયો છે અત્યારે સરકાર દ્વારા પુખ્ત વયના સિંહ થયા બાદ જૂનાગઢ અને ગીર માંથી સિંહણ લાવી અને રેશમિયા ગામ ની સીમમાં સિંહ માટેનું રહેણાક બનાવવાનો નિર્ણય હાથ ધરાયો છે અત્યારે આગામી સમયમાં હવે સિંહની વસ્તી ઝાલાવાડમાં પણ વિકસિત થશે તેવો અંદાજ હાલમાં લગાવાઇ રહ્યો છે ત્યારે એક બાજુ હીરા શર્મા એરપોર્ટની કામગીરી અને બીજી બાજુ સિંહ માટેના વસવાટની કામગીરી પણ હાથ ધરાશે ત્યારે ઝાલાવાડમાં જુનાગઢ ની જેમજ સિંહ નો ઉછેર હાથ ધરવામાં આવનાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Loading...