Abtak Media Google News

જૂનાગઢમાં રૂ. ૩.૫૩ લાખના દારૂ સાથે એકની ધરપકડ: દારૂ અને વાહન મળી રૂ. ૩૧.૧૬ લાખનો મુદ્દામાલ કબજે

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સોનારડી ગામેથી તથા જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાંથી રાત્રી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરી રહેલ બુટલેગરોના મનસૂબાને જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચે નિષ્ફળ બનાવી ભારતીય બનાવટની રૂપિયા ૨૧.૧૬ લાખના કિંમતની ૫૧૨૪ બોટલ દારૂનો જથ્થો પકડી પાડી, મુદ્દામાલ સહિત કુલ રૂ.૩૧,૧૬,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યા હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના ગાંધીગ્રામ મીલ પાસે રહેતાં વીરાભાઇ લાખાભાઇ કોડીયાતર તથા ધરમ અવેડા નજીક રહેતા રાજુભાઇ ગોગનભાઈ શામળાએ ભાગીદારીમાં અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી, જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સોનવાડી ગામની સીમમાં આવેલ મનસુખભાઈ માસ્તરના ખેતરની નજીક પડતર જમીનમાં કટીંગ કરે છે અને હાલ આ કટીંગ કરેલ દારૂની હેરાફેરી ચાલુ છે અને દારૂ સગેવગે કરવાની પેરવીમાં છે તેવી ચોક્કસ બાતમી મળતા, જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તુરત બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી અને રેડ કરતા એક બોલેરોમાં ભરેલ અને આસપાસમાં રહેલ વિદેશી દારૂની બોટલ ભરેલ પેટીઓ મળી આવતા જૂનાગઢ એલસીબીએ રૂ. ૧૩,૬૩,૨૦૦ ની કિંમતની ૩૩૨૪ બોટલ દારૂ તથા એક બોલેરો મળી કુલ રૂ. ૧૮,૬૩,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જૂનાગઢ એલસીબી દ્વારા આ કામગીરી પૂર્ણ કરી હતી તે દરમિયાન જ બીજી એક બાતમી મળી હતી કે, જૂનાગઢના વીરાભાઇ કોડીયાતર તથા રાજુભાઇ ગોગનભાઈ શામળાએ સોનારડી ગામે દારૂનું કટિંગ કરેલ છે તે પૈકીનો અમુક દારૂનો જથ્થો રાજુભાઈ ગોગનભાઈ શામળાએ પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં છુપાવેલ છે ત્યારે પોલીસે બાતમીના સ્થળે ત્રાટકી મકાનની ઓસરીમાંથી રૂ. ૩,૫૩,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૮૦૦ બોટલો પકડી પાડી એક બોલેરો સહીત કુલ રૂ. ૧૨,૫૩,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ જૂનાગઢ એલસીબીએ વંથલીના સોનારડી અને જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારોમાં બે રેડ કરી વિદેશી દારૂનો જથ્થો તથા બે વાહનો મળી કુલ રૂ. ૩૧,૧૬,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.