“એકના એકવીસ ગોરી ગરબો આવ્યો”

‘માઁ’તારો ગરબો ઝાકમઝોળ

બજારોમાં રંગબેરંગી ભાતવાળા માટીના ‘ગરબા’નું આગમન: કોરોનાકાળમાં માટીના છીદ્રોવાળા ગરબામાં કરેલો ઘીનો દીવો વાતાવરણને શુઘ્ધ કરશે

ફેન્સી ‘ગરબા’ ૨૦૦ થી ૧૫૦૦ સુધીમાં ઉપલબ્ધ જ્યારે દેશી ‘ગરબા’નો ભાવ ૨૦ રૂપિયાથી લઈ ૭૦ રૂપિયા સુધીમાં ખરીદી

આદ્યશક્તિની આરાધના માટે વર્ષમાં ૪ નવરાત્રી પૈકી આસો માસની નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. ૧૭ ઓક્ટોબરને શનિવારથી નવલા નોરતાની આરંભ થશે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નોરતા પૂર્વે બજારોમાં રંગબેરંગી સુંદર ભાતવાળા માટીના છિદ્રોવાળા ’ ગરબા’ નું આગમન થઈ ચૂક્યું છે.પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેર ઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મૂકી તેની ઉપર કોડિયું રાખીને તેમાં ઘીનો દિપક પ્રગટાવવાની પ્રથા છે. ભાવિકો ખૂબ જ શ્રદ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી નવે નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે. સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું આજેય એટલું જ મહત્વ છે. મોટા ભાગના માઇ ભક્તો ઘટસ્થાપનમાં દેશી ગરબા લેવાનું જ પસંદ કરે છે. અમુક લોકો તો ખાસ સફેદ ગરબાની જ ખરીદી કરે છે.

નોરતામાં ચોકે-ચોકે જગદંબા સ્વરૂપ બાળાઓ ગરબીઓમાં રાસે રમવા ઉતરી પડે છે તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જુની પરંપરા મુજબ આજેય સંધ્યા સમયે ગામની નાની-નાની દિકરીઓ પાંચ-છના સમુહમાં માથે ગરબીઓ લઈને એકના એકવીસ ગોરી ગરબો આવ્યો, બેના બાવીસ ગોરી ગરબો જેવા ગરબા ગાઈને ઘેર-ઘેર ફરી માતાજીની ભકિત કરે છે. લોકો શકિત એવી ભકિત પ્રમાણે દિકરીઓને બે-પાંચ રૂપિયા, ચોકલેટ કે પછી ગરબામાં ઘી પુરી આપે છે. બાળાઓ પોતાની સાથે એક પાત્ર પણ રાખે છે જેમાં લોકો તેલ આપે છે. નવે નવ દિવસ આ રીતે દિકરીઓ ગરબા લઈને ઘુમે છે અને છેલ્લે દિવસે લ્હાણી સ્વરૂપે શીખ આપવામાં આવે છે જેને તળપદી ભાષામાં ડોકળો કહેવાય. આ વર્ષે માટીના છીદ્રોવાળા ગરબામાં કરેલો ઘીનો દિવો વાતાવરણને શુઘ્ધ કરશે.

આ વર્ષે કોરોના મહામારી હોવા છતાં લોકીની શ્રદ્ધા અકબન્ધ છે. લોકો ખૂબ જ ઉત્સાહથી ગરબાની ખરીદી કરી રહ્યા છે. નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં ગરબાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લારીઓ અને દુકાનોમાં ગરબાનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. લોકો સદા તેમજ અવનવી ભાતવાળા ગરબાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.કોરોના કાળમાં પણ નવરાત્રીનો ઉત્સાહ ઓછો થયો નથી. બજારોમાં દેશી ગરબાની સાથે ફેન્સી ગરબાનો પણ નજરે પડે છે.

ગુજરાતી પ્રજાનું સંસ્કૃતિ સૌભાગ્ય એટલે ‘ગરબો’

વિક્રમ સવંતના છેલ્લા પંચાવન દિવસમાં સોળ શ્રાદ્ધ પછી માતાજીના નવલા નોરતાની શરૂઆત થાય છે. પરંતુ આ વર્ષે અધિકમાસ હોવાથી નવરાત્રી પાછળ ઠેલાય છે. હવે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે લોકોએ નોરતાને લગતી તૈયારી શરૂ કરી દીધી છે. પહેલાના સમયમાં ગરબા માત્ર સફેદ રંગના જ હતા. સમયની સાથે ગરબાએ પણ નવા રૂપરંગ ધારણ કર્યા.અવનવા ચિત્રો સાંખીયા સહિતના શણગારેલા ગરબાઓએ પોતાનું સ્થાન જમાવી લીધું છે. ગરબા વિના નોરતા અધૂરા કહેવાય છે. જેમ જેમ દિવસો નજીક આવતા જાય તેમ તેમ માઇ ભક્તોનો ઉત્સાહ પણ વધતો જાય છે. પરંપરા સાથે નવલા નોરતનું અભિન્ન અંગ ગણાતા માટીના ગરબાની ગરિમા આધુનિક જમાનામાં પણ ઝાકમઝોળ ભર્યું છે..

કોરોનાને કારણે લોકો ધર્મ તરફ વળ્યા, આ વર્ષે માટીના ગરબાનું વેચાણ વઘ્યું

વર્ષોથી ગરબા બનાવવાની કારીગરી સાથે સંકળાયેલા કુંભાર મુકેશભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે વર્ષોથી માતાજીના ગરબા બનાવવાની કારીગરી સાથે જોડાયેલા છીએ. ચકડાપર ગરબા ઘડતી વખતે ખૂબ આંનદ થાય છે. અમારે મન તો ગરબા બનાવવા એ પણ એક પ્રકારની માતાજીની આરાધના જ છે. ગત વર્ષ કરતા આ વર્ષે ગરબાનું વેંચાણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહામારી વચ્ચે પણ નોરતાનો ઉત્સાહ ઘટ્યો નથી. કોરોનાને કારણે લોકો ધર્મ તરફ વળ્યા હોય તેવું જણાય રહ્યું છે. અમે ગરબા અને ગરબી બન્ને તૈયાર કરીએ છે. ગરબી નાની નાની બાળાઓ માટે બનાવીએ છીએ. બાળાઓ નવ દિવસ આ ગરબી માટે લઈ ઘેર ઘરે ઘુમાવે છે. તો કેટલાક લોકો આજેય  સદા સફેદ રંગના ગરબા લેવાનો વધુ આગ્રહ રાખે છે.

Loading...