Abtak Media Google News

રૂપિયાના બેહાલ, પેટ્રોલ-ડીઝલના રોકેટ ભાવોને નાથવામાં મોદી સરકારની લાચારી!

‘ડ્રેગન’ નહીં પણ અમેરિકન ‘પાયથન’ વિશ્વને ભરખી રહ્યું છે!

વિશ્વની દુ:ખતી રગ ‘ઉર્જા’ને દબાવી પોતાના કામ કઢાવવામાં અમેરિકાની મહારત: ક્રુડ મામલે સર્વોપરીતા હાંસલ કરી ટ્રમ્પ સરકારે પોતાની દિર્ધદ્રષ્ટિનો પરચો આપ્યો

વૈશ્વિક સત્તા બનવા પાવર એટલે કે ઉર્જા પોતાના હાથમાં રાખવાની સમજણ હવે ભારત અને ચીન સહિતના દેશોને પડી છે. જો કે, અમેરિકા જેવો ખંધો દેશ વર્ષો પહેલા જ આ વાત સમજીને તબકકાવાર પગલા લેતો આવ્યો છે. અગાઉ ઈરાન-ઈરાકમાં યુદ્ધનું વાતાવરણ ઉભુ કરી હજારો લોકોના ભોગ લઈ તેલ (ક્રુડ) ઉપર કબજો જમાવવા માટે અમેરિકા ઘણા અંશે સફળ નિવડયું હતું. ત્યારબાદ ધીમે-ધીમે ઓપેક જેવા સંગઠન ઉપર પણ અડકતરુ દબાણ લાવી અમેરિકા ઉર્જા ક્ષેત્રમાં એકહથ્થુ શાસન કરવાની મેલી મુરાદ ધરાવી રહ્યું છે.1 88

વૈશ્વિક અર્થતંત્રની દુ:ખતી રગ ઉર્જા છે જેના પર હાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીધો હાથ મુકી દીધો છે. પરિણામે વૈશ્વિક અર્થતંત્ર આકુળ વ્યાકુળ થઈ ચૂકયું છે. ક્રુડનું ઉત્પાદન કરતા દેશોને પોતાની વશમાં રાખી વૈશ્વિક અર્થતંત્રને પોતાની રીતે ચલાવવાની દાદાગીરીની ક્ષમતા માત્ર અમેરિકામાં જ છે તેના પરચા હવે વિશ્વને મળી રહ્યાં છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટાભાગના ચલણ સામે ડોલર મજબૂત થતો જાય છે તે અમેરિકાની દબડાવવાની નીતિ તરફ સીધો સંકેત કરી રહી છે. અમેરિકાએ હવે ઉર્જા ક્ષેત્રે એકમાત્ર વિકલ્પ પોતે જ છે તેવો વિશ્વને સંકેત આપી દીધો છે.

અત્યાર સુધી ચીનનો ભરડો વિશ્ર્વના શ્ર્વાસ અધ્ધર કરી રહ્યો હતો પરંતુ અમેરિકા હજુ જગત જમાદાર જ છે તેવો પરચો ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને આપી દીધો છે. છેલ્લા છ મહિનામાં અમેરિકાએ વૈશ્વિક કક્ષાએ લીધેલા પગલા પરથી ફલીત થઈ રહ્યું છે કે, વિશ્વના દેશોના ચલણ સામે પોતાનો ડોલર મજબૂત કરવા અમેરિકા કોઈપણ સ્તરે જઈ શકે છે. પ્રથમ તો ઈરાન સાથેની પરમાણુ સંધી ફોક કરી અમેરિકાએ તેનું તેલ કોઈ દેશ લઈ ન શકે તેવો તખ્તો ગોઠવ્યો. ચીન સાથે ટ્રેડવોર છેડયું અને કોઈના કોઈ બહાના તળે દબાવવાના પ્રયત્નો કર્યા. ભારતને પણ ઈરાન પાસેથી ક્રુડ ન ખરીદવા સીધુ દબાણ કરવામાં આવ્યું અને પોતે ક્રુડ સપ્લાય કરશે તેવી લાલચ પણ અપાઈ. હવે જો ભારત ઈરાનનો સાથ મુકી અમેરિકા પાસેથી ક્રુડ ખરીદવા માડે તો વર્તમાન સ્થિતિમાં ડોલરમાં ચૂકવણુ કરવું પડે જેનાથી ક્રુડના ભાવ હજુ વધુ ઉંચા જઈ શકે.

ક્રુડના ક્ષેત્રમાં અમેરિકા પોતાનું એક ચક્રિય શાસન ચલાવવા માંગે છે. જેમાં તેણે શામ, દામ, દંડ, ભેદની નીતિ પણ અપનાવી છે. ઈરાન અને ચીનને દંડ કર્યો છે. સાઉદી અરબ પાસેથી ઉંચા દામ વસુલ્યા છે. ખાડીના દેશોમાં ભેદની કુટનીતિ અખત્યાર કરી છે. જયારે ભારતને ‘સમજાવવા’નો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી અમેરિકા દરરોજ હજ્જારો બેરલ ક્રુડની નિકાસ કરતું હતું. જો કે, વર્તમાન સમયમાં અમેરિકા દર મહિને ૨૦ લાખ બેરલ ક્રુડની નિકાસ કરવા લાગ્યું છે. જેમાં એશિયાના દેશોમાં સૌથી વધુ ક્રુડ મોકલાઈ છે. ત્યારબાદ યુરોપ અને લેટીન અમેરિકન દેશોનો સમાવેશ થાય છે. જો કે, ચીન હજુ સુધી અમેરિકા પાસેથી ક્રુડ ખરીદવા તૈયાર થયું નથી. ચીન અમેરિકાની મેલી મુરાદ સમજી ગયું છે અને કોઈ એક ઉપર નિર્ભર રહેવા તૈયાર નથી. આ મુદ્દે રશિયા પણ આગમચેતી દાખવી પગલા લઈ રહ્યું છે. એસ્સાર જેવી કંપનીઓ સાથે વાટાઘાટો આગળ ધપાવી ક્રુડમાં કોઈ અન્ય પર નિર્ભર ન રહેવું પડે તેની તૈયારીઓ રશિયા કરી ચૂકયું છે.

અત્યારે ભારત પાસે ઈરાનનું ક્રુડ ખરીદવું ખુબજ અનુકુળ છે. જો કે, આગામી તા.૪ નવેમ્બરથી ઈરાન ઉપર અમેરિકાના પ્રતિબંધોની અમલવારી થશે. પરિણામે ભારત ઈરાન પાસેથી સરળતાથી ક્રુડ ખરીદી શકશે નહીં. હવે અમેરિકાની વિદેશ નીતિના ભાગરૂપે ટૂંક સમયમાં અમેરિકાથી ટોચના અધિકારીઓ ભારત આવશે. જેમાં ભારત ઈરાન પાસેથી એક ટીપુ પણ ઓઈલ ન ખરીદે તેવી શરતો મુકાશે.

ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા તેમજ ડોલર સામે રૂપિયાના અવમુલ્યન મુદ્દે મોદી સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્યાં છે. જો કે, અત્યારે ટ્રમ્પની દાદાગીરી સામે મોદી સરકાર પણ ભીંસમાં મુકાઈ હોવાનું ફલીત થઈ રહ્યું છે. અન્ય સ્થળેથી ભારત ક્રુડ ન ખરીદે અને મોટાભાગનું ચૂકવણુ ડોલરમાં જ થાય તે રીતે અમેરિકા દબાણ ચારે તરફથી લાવી રહ્યું છે. જેના પરિણામો મોદી સરકાર ભોગવશે. આગામી સમયમાં ચૂંટણીઓ નજીક છે ત્યારે ટ્રમ્પની વિદેશ નીતિની સીધી અસર ભારતીય ચૂંટણીમાં દેખાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.