Abtak Media Google News

ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન નીતિમાં વધુ એક ચોંકાવનારા નિર્ણયનો અમલ કરવાની જાહેરાત કરતા અમેરિકામાં રહેતા વિદેશીઓમાં નારાજગી ફેલાઈ છે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાના બંધારણ પ્રમાણે અહીં જન્મ લેતા બાળકોને આપોઆપ અમેરિકન નાગરિકત્વ મળે છે, પરંતુ હું ઈચ્છું છું કે અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા ના હોય એવા તેમજ ગેરકાયદે વસતા માતાપિતાના બાળકોને આ અધિકાર ના મળે.

અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જ ટ્રમ્પે એક્સિઓસ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં આ નિવેદન કર્યું હતું, રાજકીય નિષ્ણાતોના મતે, ટ્રમ્પ ઇમિગ્રેશન નીતિને વધુ આક્રમક બનાવીને તેમના સમર્થકોમાં ઉત્સાહ સંચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે તેમને મિડ ટર્મ ચૂંટણીઓમાં ફાયદો કરાવી શકે છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસ પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે એવું સાબિત કરીને રિપબ્લિકનોનો પણ વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પે કહ્યું હતું કે, મધ્ય અમેરિકામાંથી અમેરિકા તરફ આવતા શરણાર્થીઓમાં વિવિધ ગેંગના સભ્યો હોઈ શકે છે. જે લોકોને શરણ જોઈતું હશે તેમના માટે અમે સરહદ નજીક ટેન્ટ સિટી ઊભા કરીશું.

જોકે, અમેરિકન પ્રમુખ બંધારણમાં ફેરફાર કરીને વિદેશીઓના બાળકોના નાગરિકત્વનો હક છીનવી શકે છે કે નહીં એ વિશે હજુ મત મતાંતર છે. આ મુદ્દો પણ અદાલતી લડાઈનું કારણ બની શકે છે. અમેરિકન બંધારણનો ૧૪મો સુધારો અમેરિકામાં જન્મ લેતા વિદેશીઓના બાળકોને અમેરિકન નાગરિકત્વનો હક આપે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, હું એક્ઝિક્યુટિવ ઓર્ડર કરીને આ સુધારો કરીશ. વિશ્વમાં ફક્ત અમેરિકા જ એવો દેશ છે, જે આ રીતે અમેરિકન નાગરિકત્વ આપે છે. વ્હાઈટ હાઉસના એડવોકેટ્સ આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યા છે.

આ નિવેદનને અનેક નિષ્ણાતો શંકાની નજરે જોઈ રહ્યા છે, જેમાંના મોટા ભાગનાનો મત છે કે,અમેરિકન બંધારણ એકદમ સ્પષ્ટ છે. જો પ્રમુખ એક્ઝિક્યુટિવ ઓર્ડર પાસ કરીને તેમાં ફેરફાર કરવા માંગતા હોય તો તે ખૂબ જ ભયંકર બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.