Abtak Media Google News

હિન્દૂ ધર્મમાં અજવાળી એકાદશીનું વિશેષ મહત્વ: ઊંચા ભાવે પણ લોકો કાલે કેરીની અચૂક  ખરીદી કરશે: બહેન દીકરીઓને ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પિયર તેડાવવાનો રિવાજ 

જેઠ સુદ અગિયારસ એટલે નિર્જળા એકાદશી અંજવાળી અગિયારસને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. આવતી કાલે તા. ૨ને મંગળવારે ભીમ અગિયારસ છે. ભીમસેને નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હોવાથી આ એકાદશીને ભીમ અગિયારસ કહેવાય છે.

જેઠ મહિનાની અંજવાળી અગિયારસે ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્ર ફળ ધરવાનું પૌરાણીક મહત્વ છે. આ વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ થાય છે અને વ્રત કરનાર સુખ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ કરે છે.પાંડવોમાં ભીમસેને આ વ્રત કર્યું હતું જેના પુણ્ય પ્રભાવે હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું હતું.

ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનું અનેરું મહત્વ હોય છે. સમાજનો  દરેક વર્ગ આ દિવસે કેરી અચૂક ખાય છે. બજારોમાં પણ કેરીનો ખરીદીની પ્રમાણ વધે છે.કેરીના ઉંચા ભાવ હોવા છતાં લોકો આનંદ સાથે કેરીની ખરીદી કરે છે. નવ પરણિત દીકરીઓને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પિયરે તેડાવવાનો આપણે ત્યાં વર્ષોથી રિવાજ છે. ઘેર ઘેર લોકો રસ પુરીના જમણનું આયોજન કરે છે.

હિન્દૂ ધર્મના તમામ સંપ્રદાયોમાં અંજવાળી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. જૈન લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી. હિન્દૂ પંચાંગ અનુસાર બારેમાસની એકદશીમાં જેઠ સુદની એકાદશીનું સવિશેષ મહત્વ રહેલું છે.નિર્જળા એકાદશી કઠોર હોવા છતાં આજના સમયમાં પણ  ઘણા લોકો આ વ્રત કરે છે.

પંચમહાલના ટુવા ગામે ભીમસેનના પગલાનું શ્રદ્ધાભેર પૂજન

પૌરાણિક કથા અનુસાર સરભંગ ઋષિની આજ્ઞાથી ભીમે નિર્જળા એકાદશીનું કઠોર વ્રત કર્યું હતું. આશ્રમમાં પાંડવો નિત્ય ભગવાન શિવનું પૂજન અર્ચન કરતા હતા. ઉપરાંત અહીં જ ભીમે હિડીમબા રાક્ષસી સાથે લગ્ન કર્યા હતા. તે મંડવો અને ભીમસેનના પગલાં પ્રતિકરૂપે જેવા મળે છે.હેડબાવન તરીકે જાણીતા પંચમહાલના ટુવા ગામે આજે પણ લોકો ભીમના પગલાંને શ્રદ્ધાભેર પૂજે છે.

ભીમ અગિયારસના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજન અર્ચન કરવા ઉમટી પડે છે. ભીમચોરીના ગરમ -ઠંડા પાણીના કુંડમાં નિર્જળા એકાદશીના દિવસે સ્નાન કરવાનું મહત્વ છે. ચર્મ રોગ દૂર થાય તેવી માન્યતા હોવાથી ગામો -ગામથી લોકો આવી શ્રદ્ધાથી સ્નાન કરે છે.

કાઠિયાવાડમાં દીકરીના નામે આંબા વાવવાની પ્રથા

પહેલાના સમયમાં કાઠિયાવાડના ઘણા ગામોમાં દીકરીના નામે આંબો વાવવાની પ્રથા હતી. ખેડૂત પોતાના પરિવારમાં દીકરીના જન્મને વધાવવા આનંદ-ઉલ્લાસથી દીકરીના નામનો આંબો વાવતા દીકરી પરણીને સાસરે જાય ત્યાં સુધીમાં આંબો કેરી આપતો થઇ જાય એટલે મોસમ આવતાની સાથે જ દીકરીનો ભાઇ-બહેનના સાસરે કેરી આપવા જતો આમ એ સમયે આંબો પારિવારિક સંબંધો સુદ્રઢ બનાવવાનું માઘ્યમ હતો.

ભીમ અગિયારસમાં મન ભરીને કેરી ખાવાનું મહત્વ

આપણે ત્યાં વર્ષોથી ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનું વિશેષ મહત્વ છે. જેઠ સુદ અગિયારસ બાદ આદ્રા નક્ષત્ર બેસી જતુ હોવાથી જૈન સમાજ સહિત ઘણા લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી. આદ્રા નક્ષત્રમાં ફળોમાં જીવાતો પડતી હોવાથી આરોગ્યની દ્રષ્ટિએ કેરી ખાવી હાનિકારક સાબિત થતી હોય છે આથી લોકો ભીમ અગિયારસના દિવસે મન ભરીને કેરી ખાઇ લેતા હોય છે. નાનામાં નાનો માણસ પણ કેરીના ઉંચા ભાવ હોવા છતાં ભીમ અગિયારસના દિવસે અચૂક કેરી ખાય છે.

ગ્રામ્ય પંથકમાં ભીમ અગિયારસની પારંપરિક ઉજવણી

ગામડા ગામોમાં ભીમ અગિયારસનું સવિશેષ મહત્વ હોય છે ગામડાના લોકો ભીમ અગિયારસના દિવસને તહેવારની જેમ ઉજવે છે વર્ષોની જૂની પરંપરા મુજબ ગામડાઓમાં ભીમ અગિયારસ આવતાની સાથે નવપરીણીત દિકરીઓને પિયર તેડાવવામાં આવે છે કેરીના રસ અને પૂરીના જમણનું મોટાપાયે આયોજન કરાય છે. ઉપરાંત ગામડાની બહેન દિકરીઓસાથે મળીને ગામના ચોકમાં હુડો રાસ રમે છે ઉપરાંત ભીમ અગિયારમાં ગ્રામ્ય પંથકોમાં જુગાર પણ રમતા હોય છે. ખાસ કરીને ગામડા ગામોમાં ભીમ અગિયારસના દિવસે બ્રાહ્મણોની સીધુ આપવાનો રીવાજ હોય છે. ભીમ અગિયારસ બાદ મોટાભાગના ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત હોવાથી નવપરીણીત દિકરીઓને પિયર તેડી આવતા હોય છે.

ધન, ધાન્યની પ્રાપ્તિ માટે આ રીતે કરવું અગિયારસનું વ્રત

આખા વર્ષની ર૪ અગિયારસમાં જેઠ સુદ અગિયારસનું વિશેષ મહત્વ છે. ભીમ અગિયારસનું વ્રત કરવાથી આખા વર્ષની અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે.

ભીમ અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠી અને કુળદેવી તથા ભગવાન વિષ્ણુનું પુજન કરી આમ્ર ફળ ધરવું ત્યારબાદ ગાયત્રી મંત્ર, વિષ્ણુે સહસ્ત્રનો પાઠ કરવી આખો દિવસ ઉપવાસ રાખી એકાદશી વ્રતની કથા સાંભળવી. અને રાત્રિના જાગરણ કરવું બહેનો દિકરીઓ અને બ્રાહ્મણોને કેરીનું દાન આપવું. તેમજ બીજા દિસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી ધન, ધાન્ય, વિજય અને સૌભાગ્યની પ્રાપ્તી થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.