Abtak Media Google News

સર્જરી વિભાગમાં પણ ટોકન સિસ્ટમ લાગુ: ગર્ભવતી, બાળકો અને કેદીઓ ટોકન વિના કેસ કઢાવી શકશે

અવ્યવસ્થા માટે જાણીતી સિવિલ હોસ્પિટલમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનોમાં ઉભું ન રહેવું પડે તે માટે ટોકન સિસ્ટમ ચાલુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સર્જરી વિભાગમાં દર્દીઓની તપાસ માટે પણ ટોકન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રની હબ ગણાતી સિવિલ હોસ્પિટલમાં દરરોજ આવતા હજારો દર્દીઓની સવલત માટે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં આવેલી કેસ બારીએ દર્દીઓને કેસ કઢાવવા માટે લાઈનમાં ઉભુ ન રહેવું પડે તે માટે ટોકન સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. જેમાં કેસ બારી નજીક પુછપરછ વિભાગમાંથી દર્દીઓએ ટોકન લેવાનું રહેશે. ટોકન લીધા બાદ કેસ બારી ઉપર રાખવામાં આવેલી એલઈડી સ્ક્રીન સામે દર્દીઓ બેસી શકે તે માટે ૩૫ ખુરશીઓ રાખવામાં આવી છે. એલઈડી સ્ક્રીન પર જે ટોકનનો નંબર દર્શાવવામાં આવે તે જ દર્દીએ ૧ થી ૫ નંબરની કેસ બારીએથી કેસ કઢાવવાનો રહેશે. તેમજ ગર્ભવતી બાળકો અને કેદીઓને વિના ટોકને ૮ નંબરની કેસબારીએ કેસ કાઢી આપવામાં આવશે. આ ઉપરાંત સર્જરી વિભાગમાં પણ દર્દીઓની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકે અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે ટોકન વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.

સિવિલ સર્જન ડો.મનિષ મહેતાની પુછતાછમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલમાં આવતા દર્દીઓ લાઈનમાં ઉભા રહી પરેશાન ન થાય અને ટ્રાફિક નિવારી શકાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે અને જો આ સિસ્ટમ સફળ થશે તો સિવિલ હોસ્પિટલમાં આવેલા તમામ વોર્ડમાં ટોકન પ્રથા કાર્યરત કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.