Abtak Media Google News

વિશ્વકપમાં તેંડુલકરનાં સર્વાધીક ૬૭૩ રનનો રેકોર્ડ તોડવા રોહિત માત્ર ૨૭ રન દુર

૨૦૧૯નો વિશ્વકપ ભારતીય ટીમ માટે સુખવંતો સાબિત થયો છે. લીગનાં તમામ મેચોની વાત કરવામાં આવે તો ૯ મેચમાંથી ટીમે ૭ મેચ ટીમે જીત્યા છે. જેમાંથી એક મેચ વરસાદનાં કારણે ન્યુઝીલેન્ડ સામેનો રદ થયો હતો જે હવે સેમીફાઈનલમાં પણ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. જયારે ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો પરાજય થયો હતો. હાલ ભારતીય ટીમની વાત કરવામાં આવે તો ટીમ પોતાનાં ટોપ-૩ બેટસમેનો ઉપર સૌથી વધુ નિર્ભર રાખીને બેઠેલી છે. જેમાં ઓપનર રોહિત શર્માએ વિશ્વકપ-૨૦૧૯માં અનેકવિધ રેકોર્ડો પોતાનાં નામે અંકે કર્યા છે. આ તકે વાત કરવામાં આવે તો ભારતીય ટીમનાં સુકાની વિરાટ કોહલી અને તેમની ટીમ ન્યુઝીલેન્ડને ભરી પીવા સજજ દેખાઈ રહી છે અને ફાઈનલમાં પહોંચવા માટે ફેવરીટ પણ માનવામાં આવી રહી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો લોકેશ રાહુલ પણ રોહિત શર્માને મદદ કરી ટીમને મજબુતાઈ આપવા માટે સફળ રહ્યો છે ત્યારે આજનાં સેમી ફાઈનલ મુકાબલામાં ટીમનું પ્રદર્શન કેવું રહેશે તે આવનારો સમય જ જણાવશે પરંતુ ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમ હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે.

આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર દેખાવ સાથે મજબૂત ફોર્મ દાખવી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ આજે સેમિફાઇનલમાં ફેવરિટ તરીકે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ત્યારે મુકાબલો રોમાંચક બનવાની શક્યતા છે. ટુર્નામેન્ટમાં રોહિત શર્મા સૌથી વધુ રન સાથે મોખરે છે તો બીજી તરફ ન્યૂઝીલેન્ડની બોલિંગ પણ મજબૂત છે. એક તરફ રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતના આધારભૂત બેટ્સમેન છે જ્યારે ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન અને મેટ હેનરી બોલિંગ આક્રમણ સંભાળશે.

વર્તમાન ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ સામેની એક મેચ બાદ કરતાં ભારતે તમામ મેચ જીતી છે જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. માન્ચેસ્ટરમાં મંગળવારે હળવા વરસાદની આગાહી છે પરંતુ ભારત માટે ચિંતાજનક બાબત નથી કેમ કે આ મેચમાં રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે. આમ મંગળવારે મેચ રમાય નહીં તો બુધવારે મેચ રમાશે. મંગળવારે વરસાદ કે હવામાનને કારણે જયાંથી મેચ અધૂરી રહે ત્યાંથી જ બુધવારે આગળ ધપાવાશે. આમ છતાં ભારત માટે રાહતની બાબત એ છે કે મેચનું પરિણામ આવે નહીં તો ભારતને વિજેતા જાહેર કરાશે કેમ કે લીગ પોઇન્ટ ટેબલમાં તે મોખરે હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં રોહિત શર્મા ૬૪૭ રન સાથે મોખરે છે તો વિરાટ કોહલીએ ૪૪૨ અને લોકેશ રાહુલે ૩૬૦ રન નોંધાવ્યા છે. બીજી તરફ જસપ્રિત બુમરાહ ૧૭, મોહમ્મદ શમી ૧૪ અને યુઝવેન્દ્રસિંહ ચહલ ૧૧ વિકેટ ઝડપી ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન ૪૮૧ રન ધરાવે છે તો ટ્રેન્ટ બોલ્ટ ૧૫ અને ફર્ગ્યુસન ૧૭ વિકેટ ખેરવી ચૂક્યા છે. આમ બંને ટીમના ખેલાડીઓ ફોર્મમાં છે ત્યારે મેચ રોમાંચક બને તેવી શક્યતા છે. ન્યૂઝીલેન્ડ આઠમી વાર વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમી રહ્યું છે પરંતુ તે એક જ વાર ફાઇનલ સુધી પહોંચી શક્યું છે જ્યારે ભારત સાતમી વખત સેમિફાઇનલમાં રમશે.

વર્લ્ડકપમાં ભારત ન્યુઝીલેન્ડ સામે ૮ માંથી ૩ મેચ જીત્યું છે અને ૪ મેચમાં હાર્યું છે ત્યારે વર્તમાન પ્રદર્શન ભુતકાળ આધારીત નહીં રહે તે વાત પણ ખાસ માનવામાં આવી રહી છે. કોહલીની ટીમનો કિવીઝ સામેનો દેખાવ ખુબ જ સારો રહ્યો છે. ન્યુઝીલેન્ડને તેનાં જ ઘર આંગણે ૪-૧ થી હરાવ્યા પછી કોહલી એન્ડ કંપની આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.