Abtak Media Google News

આજે કુંભમાં પ્રથમ તિર્થકર ઋષભ દેવે લાંબી તપસ્યા બાદ મૌન વ્રત તોડી સંગમના પવિત્ર જળમાં સ્નાન લીધુ હતું, સનાતન હિન્દુ ધર્મમાં આ અમાસનું ખાસ મહત્વ

હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને ધાર્મિક એવા પ્રયાગ કુંભમાં આજરોજ મેળાનું બીજુ પ્રમુખ શાહી સ્નાન શરૂ થઈ ચૂકયુ છે. પૂણ્યની ડુબકી લગાવવા શ્રધ્ધાળુઓની ભીડ ત્રિવેણી સંગમના ઘાટે પહોંચી રહી છે. આજના બીજા શાહી સ્નાનમાં ૩ કરોડ શ્રધ્ધાળુઓ અમાસનું પવિત્ર સ્નાન લેશે. મધરાત્રીથી જ લોકોએ ડુબકી લગાવવાની શરૂઆત કરી દીધી હતી.

કુંભમાં આજે મૌની અમાવસીયા કહેવામાં આવે છે, આજરોજ શાહી સ્નાન માટે ૪૧ ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે. અમરત્વ સ્નાન માટે સંગમ ઘાટ ઉપર સૌપ્રથમ મહાનિર્વાણી અને અટલ અખાડા પહોંચ્યા હતા.

જેણે સવારના ૬:૧૫ વાગ્યે ત્રિવેણીમાં ડુબકી લગાવી હતી. તમામ અખાડાના અમરત્વ સ્નાન માટે ૪૦ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો.

કુંભના સંચાલકર્તાઓએ ઘાટ ઉપર સુગમ સ્નાનની વ્યવસ્થા કરી છે. જયાં પોલીસ જવાનો, એનડીઆરએફની રેસ્કયુ ટીમ ઉપરાંત ૧૭ કંપની પેરામીલીટ્રી, હોમગાર્ડ સહિત ૧૪૦૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવી છે. પ્રયાગ રાજને કુલ ૧૦ ઝોનના ક્ષેત્રમાં વેંચવામાં આવ્યું છે, જેને ૪૪૦ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. ૯૬ ફાયર વોચ ટાવર, આઈસીસીસી દ્વારા જોડવામાં આવ્યા છે. સાથે ૪૦ સબ ફાયર સ્ટેશનની વ્યવસ્થા અને ૧૧૧ ઘોડે સવાર પોલીસ ઘાટથી લઈ સંગમ સુધી વ્યવસ્થા સંભાળી રહ્યાં છે.

પોષ માસની અમાસને મોની અમાવસ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે કુંભમાં પ્રથમ તિર્થકર ઋષભદેવે લાંબી તપસ્યાનું મૌન વ્રત તોડયું હતું અને સંગમના પવિત્ર જળમાં સ્નાન કર્યું હતું. સનાતન હિન્દુ ધર્મમાં હર અમાસનું ખાસ મહત્વ છે. આ વખતે સોમવતી અને મોની અમાસ પર મહોદય યોગ બની રહ્યું છે. માટે આજના બીજા શાહી સ્નાનનું સૌથી વધુ મહત્વ છે.

એન્જિનિયર્સથી લઇ મેનેજમેન્ટમાં માસ્ટર્સ થયેલા ૧૦ હજાર લોકો નાગા સાધુ બન્યાં!

અલ્હાબાદનો કુંભમેળો સાધુઓ, શાહી સ્નાન અને નાગા સાધુ માટે વિશ્વ વિખ્યાત છે ત્યારે આ કુંભમાં ૧૦,૦૦૦ લોકો એવા છે જે એન્જીનીયર્સથી લઈ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરી ચુકેલ શિક્ષીત વર્ગ છે જે સંસારની મોહ-માયા છોડી વૈરાગી જીવન તરફ આગળ વધી નાગા સાધુ બનવાના છે. કચ્છના ૨૭ વર્ષીય રજનકુમારે મરીન એન્જીનીયરીંગમાં ડિપ્લોમાં ડિગ્રી મેળવી છે તેઓ પોતાના કેરીયરને આગળ વધારવાને બદલે સાધુ બનવાનો નિર્ણય લઈ ચૂકયા છે.

આ જ પ્રકારે ૨૯ વર્ષીય શંભુગીરીની વાત છે જે યુક્રેનથી મેનેજમેન્ટ ગ્રેજયુએટ થઈ ચૂકેલ છે, ધો.૭માં અભ્યાસ કરતા ૧૮ વર્ષીય ઘનશ્યામગીરી ઉજ્જૈનથી બોર્ડમાં ટોપ કરી ચૂકેલ વિદ્યાર્થી છે જે કુંભના મેળામાં નાગા સાધુ બનનાર છે.

ગત સપ્તાહે માસ ઈનીસીએશન સેરેમની દરમિયાન હજારો શ્રધ્ધાળુઓએ માત્ર ચોટી રાખી મુંડન કરાવ્યું હતું અને પિંડદાનની પ્રક્રિયામાં જોડાયા હતા. આ તમામ વિધિઓ બાદ તેમને નાગા સાધુ બનવાનો અવસર આપવામાં આવે છે. તેઓ આજે મોની અમાવસીયાના શાહી સ્નાન માટે છેલ્લા કેટલાક સમયથી આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યાં હતા. કુંભના કેલેન્ડરમાં આજનો દિવસ ખૂબજ પવિત્ર માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.