Abtak Media Google News

નવે-નવ નોરતાની ર્માં ખોડલની મહિલાઓ દ્વારા વિશેષ ઉપાસના કરાઈ: રાજકોટ, વાકુના ખારચિયા, ભાવનગરની મહિલાઓએ રાસ-ગરબા, રંગોળી, મંત્ર જાપ અને ચુંદડી અર્પણ કરી

રાજયભરમાં હિંદુ ધર્મમાં પવિત્ર ગણાતી ચૈત્રી નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઈ રહી છે. ભકતો મા દુર્ગાની આરાધના કરી રહ્યા છે. માતાજીની વિશેષ પુજા અર્ચના કરીને ભકતો પૂણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્રી નવરાત્રીની વિવિધ મંદિરોમાં ભકિતભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક એવા ખોડલધામ કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીના નવ દિવસ વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ખોડલધામ કાગવડ ખાતે નવે નવ નોરતામાં મા ખોડલની વિશેષ રીતે ઉપાસના કરાઈ રહી છે. ખોડલધામ મંદિરે મહિલા સમિતિ દ્વારા નવરાત્રીમાં વિશિષ્ટ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે.

ખોડલધામ કાગવડનાં પ્રણેતા નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ખોડલધામ ખાતે ભકિતમય કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. સાતમાં નોરતે મહિલાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરાયા હતા. ખોડલધામ મંદિરે પરિસરમાં રાસ-ગરબા, ધુન-કિર્તન, રચનાત્મક રંગોળી, મંત્ર જાપ અને ચુંદડી અર્પણ કરવાના ભવ્ય કાર્યક્રમો ઉજવાયા. સાતમાં નોરતે મોટી સંખ્યામાં મહિલાઓ ખોડલધામ ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી. રાજકોટ, વાકુના ખારચિયા અને ભાવનગરથી ખોડલધામ મહિલા સમિતિની બહેનો ખોડલધામ ખાતે આવી હતી અને રાસ-ગરબા, ધુન-કિર્તન, રંગોળી, મંત્ર જાપ અને ચુંદડી અર્પણ કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

સાતમાં નોરતે ખોડલધામ ખાતે ભકતોનું ઘોડાપુર ઉમટી પડયું હતું. રાજકોટ, ભાવનગર અને વાકુના ખારચિયાથી આવેલી મહિલાઓએ ખોડલધામ ખાતે રાસ-ગરબા અને ધુન-કિર્તનની રમઝટ બોલાવી હતી સાથે જ મંદિર પરિસરમાં સરસ મજાની રંગોળી તૈયાર કરી હતી. ખોડિયાર માતાય નમ:ના મંત્ર જાપ પણ કર્યા હતા અને મા ખોડલને વિવિધ ચુંદડી અર્પણ કરી હતી. ખોડલધામ ખાતે ચૈત્રી નવરાત્રીમાં આઠમના દિવસે શનિવારે સવારે હવનનું આયોજન કરાયું છે. જયારે નોમના દિવસે રવિવારે ગાયત્રી પરિવાર દ્વારા દિપયજ્ઞનું સુંદર આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં પણ હજારોની સંખ્યામાં ભકતો હાજર રહી મા ખોડલની આરાધના કરશે. નવ દિવસ સુધી ઠેર-ઠેરથી ભકતો મા ખોડલની આરાધના કરવા આવી રહ્યા છે સાથે મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીના ભવ્ય કાર્યક્રમો પણ ઉજવાઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં કોઈ અગવડ ન ઉભી થાય તે માટે મહિલા સમિતિની બહેનો વિશેષ સેવા આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.